‘કલંક’ નાટક ઘણું ચાલ્યું. ગુજરાત-સૌરાષ્ટ્રમાં પણ ધૂમ મચાવી. રાધનપુર, જ્યાં ઘણા ઓછા નાટ્ય-પ્રયોગો થાય, ત્યાં પણ એ વખતે ‘કલંક’ ભજવાયું. લોકચાહના પણ મેળવી. હા, ત્યાં શો માત્ર એક જ! પ્રેક્ષકો તરબોળ થયા.
કડી-કલોલમાં પણ શો કર્યા. વધુ શ્રમ ભૈરવીબહેનને પડતો.
મુંબઈમાં બપોર-સાંજ એમ બે શો હોય ત્યારે એમને થાક વર્તાતો, પણ ભૈરવીબહેનની ઇન્ટેન્સિટી એવી જ રહેતી અને એ જ નાટકનું હાર્દ હતું. પ્રેક્ષકોએ ભૈરવીબહેનનાં વખાણ કર્યાં તો અખબારોએ પણ એમના અભિનયને નવાજ્યો. એમને ક્યારેય આ વસ્તુનો અહંકાર અડી પણ ન શક્યો. એ દરેક થતાં વખાણ સામે તટસ્થ જ રહેતાં. બધાને માન આપે.
બાકી અહંકાર સત્ય જોવા નથી દેતો અને ગેર-સમજ સત્ય સાંભળવા નથી દેતી. આટલાં થતાં વખાણો સામે માત્ર એમનું હળવું સ્મિત રહેતું.
ઘણાં કહેતાં કે તમારો ઉમળકો મૌનમાં જ વર્ણવો છો ત્યારે એ કહેતાં કે મૌન એ નબળાઈ નથી, નિયંત્રિત શક્તિ છે. ઘણાને આ વાત ‘ઉપર’થી જતી રહેતી.
એ પછી અમે, હું, તુષારભાઈ અને રાજેન્દ્ર મળતા રહેતા. રાજેન્દ્રએ નવો વિષય કાઢ્યો અને પૂરી ખંતથી સ્ક્રિપ્ટ પણ તૈયાર કરી. રિહર્સલની વાત આવી ત્યારે તુષારભાઈએ પારોઠનાં પગલાં ભર્યાં, કદાચ ‘શક’ની કળ હજી વળી નહી હોય.
એ પછી તુષારભાઈ સાથેની મુલાકાતો ઘટતી ગઈ. ‘વેપારી’ હતાં પણ ‘શક’ને કારણે નહીં, કદાચ પોતાના બીજા વ્યવસાયમાં ખૂપી ગયા હશે. પોતાની લાચારી એમણે સાચે સાચી કહી દીધી. સાચું બોલવું શ્રેષ્ઠ હોય છે, પરંતુ સાચું સાંભળી લેવું સર્વશ્રેષ્ઠ હોય છે.
રાજેન્દ્રએ કહેલું કે ‘થોડો આરામ કરો, નાટક તો પછી પણ થશે’. એ વખતે એમણે જ નવા વિષય માટે કહેલું. પાછું કહેલું કે: ‘સ્વીકાર કરવાની હિંમત અને સુધરવાની દાનત હોય તો માણસ ઘણું શીખી શકે છે.’ ન જાણે કેમ, એમણે હિમ્મત ખોઈ નાખી હતી.
રાજેન્દ્રને એણે કરેલી મહેનતનો વસવસો હતો.
હવે તુષારભાઈ ખમતીધર થાય અથવા નવા નિર્માતાની રાહ જોવા સિવાય આરો નહોતો. અમને તુષારભાઈમાં કોઈ ખામી નહોતી દેખાતી. ખામી બધામાં હોય, પણ કોતરણી કરો તો મૂર્તિ બને અને ખોદકામ કરો તો ખાડા. અમારે સંબંધને લક્ષમાં રાખી ‘ખાડા’ નહોતા ખોદવા….
રાજેન્દ્ર મને કહે, ‘મેં બહુ ઉતાવળ કરી. દિવસ-રાત એક કરી સ્ક્રિપ્ટ તૈયાર કરી. વાત વહેલી સમજાણી હોત તો વૈતરું ન કરત.’
મેં કહ્યું, રાજેન્દ્ર, આપણે ઓછું સમજશું તો ચાલશે, ઊંધું સમજશું તો નહી ચાલે.’
રાજેન્દ્ર મને જોઈ રહ્યો. થોડા શો ‘કલંક’ ના હતા એ અમે કરતા રહ્યા. ઘણા શોમાં તુષારભાઈ આવતાં પણ નહી. ટિકિટબારીના વકરામાંથી ખર્ચ નીકળી જતો નહીં તો અમે કઈ રીતે ‘ટાંટિયા’ ભેગા કરી શકત?
હું અને રાજેન્દ્ર હવે એકાંતરે ફોન કરતા રહેતા. તૈયાર કરેલ સ્ક્રિપ્ટ માટે એને ઘણી મમત હતી. નવા નિર્માતાની શોધ શરૂ કરી દીધી હતી.
તુષારભાઈની સ્પષ્ટ ‘ના’ના ઝટકાએ અમને ઓચિંતા પરિપક્વ બનાવી દીધા હતા. પાક્યાં પછી પડે તે ફળ. પડ્યા પછી પાકે એ માણસ.
પોતાની મહેનતથી લખાયેલ સ્ક્રિપ્ટ માટે, એ જલદી મંચસ્થ થાય એ માટે નિર્માતાની રોજ તપાસ કરતો રહેતો. એનું સપનું હતું કે આ સ્ક્રિપ્ટ તખ્તે જલદીથી રજૂઆત પામે. સપનાં એટલે પગથિયાં વિનાની સીડી અને સંકલ્પ એટલે નિશ્ર્ચિત પગથિયાં. રાજેન્દ્રનો દૃઢ સંકલ્પ આખરે રંગ લાવ્યો.
રમણિક ગોહિલ-એક બિલ્ડર, જે ભાયંદરમાં રહેતા. ‘કલંક’નાં એક શોમાં છૂટીને મળવા આવ્યા. એમની ઇચ્છા નાટકના નિર્માણની હતી. રાજેન્દ્રને જાણે ગોળનું ગાડું મળી ગયું. તુષારભાઈની જેમ આ પણ વેપારી હતા. વધુપડતા ધંધાદારી. એમની સાથે મિટિંગો કરતાં ત્યારે તુષારભાઈ યાદ આવી જતા.
ખાલી ચડે ત્યારે પગનું મહત્ત્વ સમજાય અને ખાલીપો લાગે ત્યારે સંબંધનું. તુષારભાઈ સાથે સંબંધ એવો જ હતો, હવે નવા નિર્માતા સાથે પ્રયત્નો કરવાના હતા. એક સાથેનું ઋણાનુબંધ પૂરું થાય પછી બીજા સાથે મનમેળ થતાં વાર તો લાગે.
નિર્માતા તો મળી ગયા. પૂરા ‘ધંધાદારી’. બે-ત્રણ દિવસે ભરત જોશી (ભ.જો.) પાસે પૈસાનો હિસાબ કરવા બેસી જતા. એ વ્યવહારુ પણ હતું. રાજેન્દ્રને આ ગમતું નહી. ઘણી વાર એ બબડતો કે આ સંઘ કેમ કરી કાશી પહોંચશે? હું કહેતો, હિંમત રાખ. ડરવાનું નહી.
ડરથી મોટો કોઈ વાયરસ નથી અને હિંમતથી મોટી કોઈ વેક્સિન નથી. એ નાટક કરશે જ.’
Also Read – ‘માં’ સે સિનેમા તક!
રમણિકભાઈ નાટકની દુનિયામાં સાવ નવા. આ પહેલું જ નાટક એટલે બધું સમજાવવું પડે. રાજેન્દ્રની ઇચ્છા કે કાસ્ટિંગમાં એક સેલિબ્રિટી મળી જાય તો ટિકિટબારી ઉપર બહુ ફરક પડે.
આ પ્રથા હવે ખૂબ ચાલે છે. મોટી ‘નાઈટ’ આપી એક સેલિબ્રિટી લઈ બાકીના કલાકારો ‘એવરેજ’ કવરવાળા લઈ નાટકો થાય.
આ મોંઘવારીમાં નિર્માતાઓનો આ અભિગમ સાચો પણ છે.
મેં કહ્યું, ‘તું કોઈ સેલિબ્રિટી શોધી કાઢ. મારી ચાંચ આમાં નહી ડૂબે. લેખક તરીકે તું ઘણાના સંપર્કમાં હોય એટલે તારે માટે આ સહેલું પણ પડે…’ મને કહે: ‘ઠીક છે…પ્રયત્ન કરી જોઈએ, લાગ્યું તો તીર…હું કાલે જ ટીકુ તલસાણિયાને ફોન કરી પૂછી જોઉં છું.’
મેં પૂછયું: ‘એ હા પાડશે?’, મને કહે: ‘બહુ બહુ તો ના પાડશે બીજું શું?’
હું પ્રશ્નાર્થ બની એની સામે જોઈ રહ્યો…
ઠંડી વધી રહી છે… પોતાનો ખ્યાલ રાખજો. લોકો આંસુ લૂછે છે, નાક નહીં….