એક ફિલ્મ, એક જેલ ને સિનેમાની એક ઉત્કૃષ્ટ યાદગીરી!
જાણો, કઈ રીતે સિનેમાના ચાહકોએ ફિલ્મ સાથે જોડાયેલા એક સ્થળને ખ્યાતિ અપાવી…
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
વિશ્ર્વની ટોચની ફિલ્મ્સની અનેક યાદીઓમાં માનભેર સ્થાન મેળવતી ફિલ્મ ‘ધ શોશાન્ક રિડેમ્પશન’ વિશે તો પાક્કા સિનેરસિકોને જરૂર ખબર હશે. આ ફિલ્મ વિશે ઘણું લખાઈ ચૂક્યું છે અને ઘણું લખી શકાય તેમ પણ છે, પણ આજે વાત ફિલ્મની નહીં, પણ ફિલ્મ જ્યાં શૂટ થઈ છે તેવા એક મહત્ત્વના લોકેશન વિશે કરવી છે. એ લોકેશન એટલે ઓહાયોના મેન્સફિલ્ડ શહેરની ઓહાયો સ્ટેટ રિફોર્મેટરી. ફિલ્મ રિલીઝ થઈ હતી છેક ૧૯૯૪માં. તો પછી આજે તેના વિશે વાત કરવાનું કારણ શું ? ચાલો, જોઈએ
૧૯૯૪ વાંચીને તમે કદાચ અંદાજ તો લગાવી જ લીધો હશે કે ‘ધ શોશાન્ક રિડેમ્પશન’ની રિલીઝને ૩૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે. સિનેમા ઇતિહાસની આટલી ખ્યાતિ પ્રાપ્ત અસરકારક ફિલ્મનાં ૩૦ વર્ષ પૂરા થાય એ એક અનોખો અવસર તો ગણાય, પણ એથીય મજાની વાત એ છે કે આ અવસરની ઉજવણી આવનારી ૯ થી ૧૧ ઓગસ્ટે ફિલ્મ નિર્માણ કંપની દ્વારા નહીં, પણ મેન્સફિલ્ડ શહેર દ્વારા થવા જઈ રહી છે. બસ, આ ખાસ કારણ છે આ વિષયની ચર્ચાનું.
-તો ૧૯૯૩માં ફિલ્મનું શૂટિંગ થયું ત્યારથી જ ફક્ત ઓહાયો કે અમેરિકાના જ નહીં, પણ વિશ્ર્વભરના સિનેમાના ચાહકોમાં આ રિફોર્મેટરી એટલે કે પ્રિઝન (જેલ) આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. એમ તો આ પ્રિઝન શૂટિંગના ત્રણ વર્ષ પહેલાંથી જ કાર્યરત નહોતું, એ છતાં આ પ્રિઝનની ફક્ત આટલાં વર્ષો સુધી એક ટુરિઝમ પ્લેસ તરીકે જાળવણી જ કરવામાં આવી એવું નથી, ૨૦૧૯માં તો તેને એક મ્યુઝિયમ તરીકે નવેસરથી સ્થાપિત કરીને લોકો સમક્ષ મૂકવામાં આવ્યું છે. આ ઐતિહાસિક જગ્યાને ટકાવી રાખવા સ્થાનિક લોકોએ સંઘર્ષ કરવો પડ્યો છે અને એટલે જ આજે એ આટલી બધી લોકચાહના મેળળવા શક્યું છે.
ફિલ્મ સાથે પણ એમ જ બન્યું હતું. ફિલ્મ પણ કંઈ રિલીઝ વખતે તરત વધાવી લેવામાં નહોતી આવી. ફ્લોપ જાહેર કરી દેવામાં આવેલી ‘ધ શોશાન્ક રિડેમ્પશન’ થોડા સમયે વર્ડ ઓફ માઉથથી ચાલી હતી. અને ૨૦૦૮ પછી તો ઈંખઉઇ (પ્રમાણભૂત સિનેમા વેબ પોર્ટલ) પર વિશ્ર્વની શ્રેષ્ઠ ૨૫૦ ફિલ્મની યાદીમાં એ પ્રથમ ક્રમાંકે છે.
‘ધ શોશાન્ક રિડેમ્પશન’ના લેખક અને દિગ્દર્શક ફ્રેન્ક ડેરાબોન્ટનું શૂટિંગ માટે કરેલી સ્થળની તપાસ વિશે કહેવું છે કે ‘મારે એક ખૂબ જ મોટા અને ખુલ્લા પ્રિઝનની જરૂર હતી. જ્યારે અમે એવી જગ્યાની શોધમાં હતા ત્યારે જ મને યોગાનુયોગ ઓહાયો ફિલ્મ કમિશનની એ વખતની હેડ ઇવ લાપોલા એક કાર્યક્રમમાં મળી. એમણે મને ઓહાયો સ્ટેટ રિફોર્મેટરીના ફોટોગ્રાફ્સ બતાવ્યા. જગ્યા ખૂબ જ ખરાબ હાલતમાં હતી, પણ મને ગમી…’
જેમણે આ ફિલ્મ જોઈ હશે એમને
આ જેલ ખુદ ફિલ્મનું કેટલું મોટું પાત્ર છે એ વિશે ખ્યાલ હશે જ. ફિલ્મ શૂટના થોડાં વર્ષો પહેલા બંધ કરવામાં આવેલી આ જર્જરિત જેલ ફિલ્મ અને મેન્સફિલ્ડ શહેર બંને માટે આશીર્વાદ સમાન બની. એ સમયમાં શહેરના મોટા ઉદ્યોગો બંધ થતા આર્થિક સ્થિતિ નબળી થઈ ત્યારે ‘ધ શોશાન્ક રિડેમ્પશન’ ના શૂટિંગ પછી શહેરની રોનક પાછી આવી. ડેરાબોન્ટનું કહેવું છે કે અમે ઘણા લોકોને ફિલ્મના સેટ પર અને એક્સ્ટ્રા તરીકે શૂટમાં પણ કામ આપી શક્યા એ ખૂબ ખુશીની વાત છે…’ મેન્સફિલ્ડના લોકોએ ધ શોશાન્ક રિડેમ્પશન’ માટે કરેલી
મદદને ધ્યાનમાં રાખીને જ ફિલ્મનું પ્રીમિયર ત્યાંના રેનેસન્સ થિયેટરમાં રાખવામાં આવ્યું હતું.
બંધ પડેલી જેલ સમારકામ બાદ ફિલ્મ માટે કામ આવી અને ફિલ્મના કારણે શહેરની ઈકોનોમી ઉજળી બની. ત્યાં સુધી તો બધું ઠીક ચાલ્યું, પણ ફિલ્મ પછી સ્ટેટે નક્કી કર્યું કે હવે આ જેલની જરૂર નથી માટે તેને તોડી પાડવી પણ એ પ્રભાવશાળી ફિલ્મની ચાહના અને જેલમાં થયેલા શૂટને કારણે ત્યાંના સિનેપ્રેમીઓએ ઐતિહાસિક બની ગયેલી એ રિફોર્મેટરીને તોડી પાડવામાં ન આવે એ માટે ‘મેન્સફિલ્ડ રિફોર્મેટરી પ્રિઝર્વેશન સોસાયટી’ની સ્થાપના કરી અને એ જેલને બચાવવા માટેની હિલચાલ સાથે જબરો વિરોધ કર્યો.
૧૮૯૬માં બનેલી આ રિફોર્મેટરી અગાઉ સામાન્ય કેદીઓ માટે હતી, પછી ધીમે ધીમે ૧૯૬૦ આસપાસ ખૂંખાર કેદીઓની એ જેલ બની. એ વખતે પ્રશાસને કેદીઓ પર અત્યાચાર પણ ખૂબ જ કર્યો. એ અત્યાચારના વિરોધમાં પછી જેલ બંધ થઈ, પણ તેનું સાવ જ નામોનિશાન મટી જાય એ પહેલા કાવ્યાત્મક રીતે વાર્તાની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ એવી જેલ અને એની યાતના પરની ‘ધ શોશાન્ક રિડેમ્પશન’ બની. પછી સોસાયટી એ જગ્યા માટે તારણહાર બની. માનવામાં ન આવે એવો એક ગજબનાક યોગાનુયોગ પણ આ સાથે જોડાયેલો છે. જાણીતા લેખક સ્ટિફન કિંગની નવલિકા ‘રીટા હેવર્થ એન્ડ શોશાન્ક રિડેમ્પશન’ પરથી ફ્રેન્ક ડેરાબોન્ટે ફિલ્મ બનાવી એ સ્ટિફન કિંગની બીજી એક વાર્તા પરથી એમણે ૧૯૮૩માં શોર્ટ ફિલ્મ બનાવી એ માટે ફ્રેન્ક પાસેથી સ્ટિફને ફક્ત એક જ ડૉલર લીધો હતો. અને ૨૦૦૦માં જયારે ઓહાયો સ્ટેટે પ્રિઝર્વેશન સોસાયટીને અત્યંત ખરાબ હાલતમાં રહેલી રિફોર્મેટરી વેચી એ માટે પણ ફક્ત એક જ ડૉલર લીધો હતો!
ફિલ્મના કારણે દેશ-વિદેશથી ટુરિસ્ટ તો ૨૦૦૦ પહેલાં પણ જેલની મુલાકાતે આવતા હતા, પણ જેલની માલિકી મેળવ્યા બાદ સંસ્થાના સભ્યોએ સિનેમાની એ જ ચાહતને ધ્યાનમાં રાખીને જેલની સાફસફાઈ અને વ્યવસ્થિત મરમ્મત કરાવી. ફિલ્મનાં પાત્રો એન્ડી અને રેડના મોટા કટઆઉટ્સ, ફિલ્મનાં દ્રશ્યોનાં ચિત્રો, વગેરે પણ ત્યાં ગોઠવવામાં આવ્યાં.
પછી તો રિફોર્મેટરી પ્રિઝર્વેશન સોસાયટીના સભ્યોએ મુલાકાતીઓની ઉત્કંઠા વધારવા માટે ફિલ્મમાં વપરાયેલી ઘણી વાસ્તવિક ચીજોને પણ જેલમાં ગોઠવી. અને આખરે ૨૦૧૯માં રિફોર્મેટરીને વ્યવસ્થિત રીતે ‘ધ શોશાન્ક રિડેમ્પશન’ મ્યુઝિયમ બનાવી દેવામાં આવ્યું પરિણામે આજે વાર્ષિક લગભગ એક લાખ સિત્તેર હજાર લોકો તેની મુલાકાત લે છે.
હવે આગામી બે મહિનાથી પણ ઓછા સમયમાં ‘ધ શોશાન્ક રિડેમ્પશન’ની રિલીઝના ૩૦ વર્ષની એ જ સ્થળે ઉજવણી થવાની છે.
વિશ્ર્વની એક ઉત્તમ ફિલ્મ અને સાથે જોડાયેલા એક યાદગાર સ્થળને સિનેમાના ચાહકોએ જીવંત રાખીને કલાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે!
લાસ્ટ શોટ
‘એર ફોર્સ વન’ (૧૯૯૭), ‘જુડાસ એન્ડ ધ બ્લેક મસાયાહ’ (૨૦૨૧) સહિત ઘણી ફિલ્મ્સ અને ટીવી શોઝનું ઓહાયો સ્ટેટ રિફોર્મેટરીમાં શૂટિંગ થયું છે, પણ એ જેલ સૌથી વધુ યાદગાર બની ‘ધ શોશાન્ક રિડેમ્પશન’ ફિલ્મને લીધે!