પાછલી સદી અને ઇન્ડિયન સ્પિન ઓફસનું કનેક્શન
જૂની ફિલ્મ્સના મજેદાર પાત્રોના પુનરાવર્તનના અજાણ્યા કિસ્સાઓ
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
થોડા વખત પહેલાં આપણે ‘બોબ બિશ્ર્વાસ’, ‘સ્પેશ્યલ ઓપ્સ’, ‘નામ શબાના’ વગેરે હિન્દી સિનેમાની સ્પિન ઓફ ફિલ્મ્સ અને શોઝની અહીં વાત કરી હતી. ત્યારે સાથે આપણે એ પણ નોંધ્યું હતું કે આ બધા નામો તો નજીકના ભૂતકાળના જ છે, પણ જયારે સ્પિન ઓફ શબ્દ જ ભારતમાં જાણીતો નહોતો ત્યારે પણ આપણા મેકર્સે ફિલ્મના કોઈ એક પ્રચલિત કેરેક્ટર પર બીજી ફિલ્મ્સ બનાવ્યાના દ્રષ્ટાંતો છે જ. તમને ખબર છે ગઈ સદીમાં પણ હિન્દી સિનેમામાં અનેક સ્પિન ઓફ ફિલ્મ્સ બની છે? ચાલો એ વિશે વિગતે જોઈએ.
છેક ૧૯૬૧માં જાણીતા દિગ્દર્શક ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘મેમ દીદી’ સુધી ભારતીય સ્પિન ઓફનો ઇતિહાસ જાય છે. એ ફિલ્મમાં લેજન્ડ અભિનેત્રી લલિતા પવારનું જે ખ્રિસ્તી પાત્ર હતું એ ઋષિકેશ મુખર્જીની જ ૧૯૫૯ની ફિલ્મ ‘અનારી’ના તેમનાં પાત્ર મિસિસ ડી’સોઝાને મળતું હતું. એ વખતે ન તો સ્પીન ઓફ શબ્દ હતો, ન પાત્રને રિપીટ કરવાની પરંપરા કે ન સિકવલ અને રિમેકનો જમાનો, પણ ઋષિકેશ મુખર્જીને કદાચ એ પાત્ર થોડું વધુ જ ગમી ગયું હશે કે તેમણે તે દોહરાવ્યું, પણ ઋષિકેશ મુખર્જી આટલેથી ન અટક્યા. તેમણે ‘મેમ દીદી’ની રિલીઝના દસ વર્ષ પછી બનાવેલી ક્લાસિક ફિલ્મ ‘આનંદ’માં પણ લલિતા પવારને મિસિસ ડીસોઝાના પાત્રમાં કાસ્ટ કર્યા અને એ સાથે એ પાત્રને ત્રીજી ફિલ્મમાં રિપીટ કર્યું.
એ પછી અભિનેતા-દિગ્દર્શક આઈ. એસ. જોહર (ઇન્દ્ર સેન જોહર)નું નામ તો સિક્વલ પ્લસ સ્પિન ઓફ એવી ચાર ફિલ્મ્સ સાથે જોડાયું. ૧૯૬૫માં આઈ. એસ. જોહર દિગ્દર્શિત અને અભિનીત ફિલ્મ ‘જોહર-મેહમૂદ ઈન ગોવા’ એટલે એ ચાર ફિલ્મમાંની પહેલી ફિલ્મ. આઈ. એસ. જોહર મુખ્યત્વે સટાયર કોમેડી માટે જાણીતા કલાકાર. તેમનો પોતાનો એક અલગ દર્શકવર્ગ હતો. ‘જોહર-મેહમૂદ ઈન ગોવા’ કોમેડી ફિલ્મ અને પાત્ર હિટ ગયા એટલે તેમણે પોતાના જ પાત્રને લઈને ‘જોહર ઈન કશ્મીર’ (૧૯૬૬), ‘જોહર ઈન બોમ્બે’ (૧૯૬૭) અને ‘જોહર-મેહમૂદ ઈન હોંગકોંગ’ (૧૯૭૧) એમ ફિલ્મ્સની સિરીઝ બનાવી. જેમાંથી કશ્મીરવાળી ફિલ્મ તેમણે ડિરેક્ટ પણ કરી. જોકે આ સ્પિન ઓફ સિરીઝ કદાચ શક્ય ન બની હોત જો તેમને પહેલી જ ફિલ્મના શીર્ષકમાં મુશ્કેલી ન નડી હોત. ‘જોહર-મેહમૂદ ઈન ગોવા’ ફિલ્મનું શીર્ષક પહેલા ફક્ત ‘ગોવા’ હતું, પણ કાયદાકીય કારણોસર તેમને શીર્ષક બદલવું પડ્યું. અને પછી શીર્ષકમાં જોહર નામ હોઈને તેનો ફાયદો તેમને પાત્રની ખ્યાતિ પરથી બાકીની સ્પિન ઓફ ફિલ્મ્સ બનાવવામાં મળ્યો. અને હા આ ઇન્દ્ર સેન જોહર એટલે કરણ જોહરના પિતા યશ જોહરના મોટા ભાઈ જ.
ફક્ત નાયક કે ચરિત્ર પાત્રોને લઈને જ સ્પિન ઓફ ફિલ્મ્સ બની છે એવું નથી. વિલનનું પાત્ર ફેમસ થયાનો લાભ પણ ભારતીય ફિલ્મમેકર્સે ઉઠાવ્યો છે. ‘જોહર-મેહમૂદ’ સિરીઝની છેલ્લી ફિલ્મના પછીના વર્ષે એટલે કે ૧૯૭૨માં રિલીઝ થયેલી સ્મોલ બજેટ ‘બિંદિયા ઔર બંદૂક’નો ખલનાયક રંગા પણ પોતાની અનોખી શૈલીથી દર્શકોમાં જાણીતો થયો હતો. ડાકુ રંગાનું કેચફ્રેઝ ‘રંગા ખુશ’ એટલું તો પ્રચલિત થયું કે રંગાનું પાત્ર ભજવનાર જોગીન્દરે ૧૯૭૫માં ‘રંગા ખુશ’ નામથી જ ફિલ્મનું નિર્માણ કર્યું અને પોતે જ દિગ્દર્શન પણ કર્યું. અને રંગા ડાકુનું પાત્ર પણ જોગીન્દરે જ એ ફિલ્મમાં ભજવ્યું.
આટલા પ્રયોગો પછી ૧૯૭૫માં જ વારો આવ્યો ચરિત્ર પાત્રને મુખ્ય પાત્રમાં લઇ આવતી સ્પિન ઓફની વ્યાખ્યાની સૌથી નજીકની ફિલ્મનો. એ ફિલ્મ એટલે ઓલટાઈમ ક્લાસિક ફિલ્મ- ‘શોલે’. સામાન્યત: કોઈ ફિલ્મનું નાયક કે તેના સિવાયનું એકાધિક પાત્ર પ્રખ્યાત થાય અને તેના મેકર્સને તેના પરથી સ્પિન ઓફ બનાવવાનો વિચાર આવે. પણ શોલે જેવી ઓલટાઇમ ગ્રેટ ફિલ્મમાં તો લગભગ બધા જ પાત્રો એટલા તો લોકોના મોઢે ચડ્યા, એટલા તો દર્શકોના દિલમાં વસ્યા કે કયા પાત્રને લઈને ફિલ્મ બનાવવી એ મીઠી મૂંઝવણ કહેવાય. જેમ કે સાંભાનું પાત્ર ભજવનાર મેકમોહનની ફિલ્મમાં એક જ લાઇન હતી છતાં તેઓ હંમેશાં સાંભા તરીકે જ ઓળખાયા. એટલે જ સ્પિન ઓફ ફિલ્મ્સ તો ઠીક પણ સીધી કે આડકતરી અનેક રીતે ફિલ્મ્સ, શોઝ, વીડિયો ગેમ્સ વગેરે અનેક રીતે પોપ કલ્ચરમાં ‘શોલે’નો પ્રભાવ રહ્યો છે. જોકે ‘શોલે’ની ખ્યાતિને વટાવીને જે કંઈ પણ બન્યું છે એમાંનું મોટાભાગનું ‘શોલે’ની સરખામણીએ તો ઠીક પણ સામાન્ય સ્તરથી પણ નબળું બન્યું છે.
૧૯૯૧માં અમજદ ખાને ફરી પોતાનું ગબ્બર સિંઘનું પાત્ર ‘રામગઢ કે શોલે’ નામની સ્પુફ ફિલ્મમાં ભજવ્યું હતું. એ સિવાય ફક્ત ગબ્બર સિંઘ નામનો ઉપયોગ કરીને પણ તેલુગુ અને હિન્દી સિનેમામાં ફિલ્મ્સ બની છે. અને અભિનેતા જગદીપનું યાદગાર પાત્ર સુરમા ભોપાલી તો તમને યાદ છે ને? એ નાનકડા પાત્ર થકી ઉપજેલા હાસ્યને ફરી મોટા પડદે લાવવાની કોશિશ જગદીપે કરી હતી ૧૯૮૮ની ફિલ્મ ‘સુરમા ભોપાલી’થી. જેમાં તેમણે અભિનય સાથે દિગ્દર્શન પણ કર્યું હતું. એ ઉપરાંત ફિલ્મના પાત્રોના નામનો ઉપયોગ કરીને પણ ‘શોલે’ના નામ પર પથરા તરતાં રાખવાનો પ્રયાસ ‘વિરુ દાદા’ (૧૯૯૦), ‘બસંતી ટાંગેવાલી’ (૧૯૯૨) જેવી ફિલ્મ્સથી કરવામાં આવ્યો હતો. ૨૦૦૭માં આવેલી રામ ગોપાલ વર્માની ‘આગ’ તો સૌને યાદ જ હશે. કેમ કે એ બિલકુલ જ ન યાદ કરવા જેવી ફિલ્મ હતી.
હજુ ૨૦૧૯માં જ ‘ધ શોલે ગર્લ’ નામની રસપ્રદ કથાનક ધરાવતી એક અનોખી ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મ હતી બોલીવૂડની પહેલી મહિલા સ્ટંટ વુમન રેશ્મા પઠાણના જીવન પર આધારિત. અને ફિલ્મના નામમાં શોલે શબ્દપ્રયોગ પાછળનું કારણ છે રેશ્મા પઠાણનું ફિલ્મ ‘શોલે’માં હેમા માલિનીના સ્ટંટ ડબલ તરીકે કામ કરવું. ફિલ્મમાં ‘શોલે’ ઉપરાંત રેશ્મા પઠાણના અન્ય ફિલ્મ માટેના સ્ટન્ટ્સ અને જીવન સંઘર્ષની વાત છે. ફિલ્મ સીધી જ ઓટીટી પર રિલીઝ થઈ હતી. અહીં પાત્ર નહીં પણ એ પાછળની અદાકારા (સ્ટંટ વુમન)ને લઈને સ્પિન ઓફનો પણ એક અલગ પ્રકાર જોવા મળે છે.
૧૯૮૪માં આવેલી ફિલ્મ ‘રાજા ઔર રાણા’ પણ ૧૯૭૨માં આવેલી ફિલ્મ ‘વિક્ટોરિયા નં. ૨૦૩’ના જાણીતા પાત્રો રાજા અને રાણા પર જ બનાવવામાં આવી હતી. બંને ફિલ્મ્સમાં આ પાત્રો અનુક્રમે અશોક કુમાર અને પ્રાણે ભજવ્યા હતા. આ ફિલ્મ્સ હાઇસ્ટ કોમેડી જોનરની હતી. જોકે કોમેડી કે ડ્રામા ફિલ્મ્સના પાત્રો પરથી જ સ્પિન ઓફ ફિલ્મ્સ બની છે એવું નથી. ૧૯૮૪માં જ હોરર ફિલ્મ્સ માટે જાણીતા રામસે બ્રધર્સે તેમની ફિલ્મ ‘પૂરાના મંદિર’ના ભૂતના પાત્ર સામરીને સ્પિન ઓફનું રૂપ આપ્યું હતું. એ પછીના જ વર્ષે રામસે બ્રધર્સે એ પાત્રને લઈને ‘સામરી’ ૩ડી હોરર ફિલ્મ બનાવી હતી.
આટઆટલા કિસ્સાઓ પરથી આપણે એ જ તારણ પર આવવાનું રહે કે ગઈ સદીમાં પણ ૩ડી ફિલ્મ્સ બનતી અને લોકપ્રિય પાત્રોના આધારે એ વખતના ફિલ્મમેકર્સ કોઈ નામ વગર બીજી ફિલ્મ્સના પ્રયોગ કરવાની હિંમત ધરાવતા હતા કે જેના થકી આપણે ઘણા પ્રકારની યાદગાર ફિલ્મ્સ મેળવી શક્યા છીએ!
લાસ્ટ શોટ
‘સુરમા ભોપાલી’ ફિલ્મમાં ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચને કેમિયો કર્યો છે.