‘નવા નિશાળિયા’ની ૨૫ વર્ષમાં ૭૫ ફિલ્મ !
આદિત્ય ચોપડાની ‘મોહબ્બતેં’થી શરૂ થયેલી સેક્ધડ ઈનિંગ્સમાં અમિતાભ બચ્ચન નવાં શિખરો સર કરી રહ્યા છે. ‘કલ્કિ ૨૮૯૮ એડી’ એનું તાજું ઉદાહરણ છે.
કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી
કૌરવ – પાંડવના ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્ર્વત્થામાના મસ્તિષ્કમાં એક અમૂલ્ય મણિનો વાસ હતો. આ મણિ દૈત્ય, દાનવ, શસ્ત્ર, વ્યાધિ, અગ્નિ, નાગ વગેરેથી એમનું રક્ષણ કરતો હતો. આ જ મણિ વૃદ્ધત્વ, ભૂખ, તરસ અને થાક અશ્ર્વત્થામાને ઘેરી ન વળે એની કાળજી રાખતો હતો. શંકર ભગવાન પાસેથી પ્રાપ્ત થયેલા આ દિવ્ય તેમજ શક્તિશાળી મણિએ અશ્ર્વત્થામાને લગભગ અજય અને અમર બનાવી દીધો હતો. ‘મહાભારત’ના સમયકાળમાં વિષ્ણુના સાતમા અવતાર શ્રી કૃષ્ણ હતા.
ગયા અઠવાડિયે રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ (હિન્દી, અંગ્રેજી, તમિળ, મલયાલમ અને કન્નડમાં ડબ કરવામાં આવી છે) ‘કલ્કિ ૨૮૯૮ એડી’માં એક પાત્ર અશ્ર્વત્થામાનું છે, જેને પડદા પર સાકાર કર્યું છે વિશેષણોની હારમાળા ધરાવતા અમિતાભ બચ્ચને.
૧૯૯૯માં ચાર સુપરફ્લોપ ફિલ્મ (લાલ બાદશાહ, સૂર્યવંશમ, હિન્દુસ્તાન કી કસમ અને કોહરામ) પછી ફસડાઈ પડેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ કારકિર્દીની સેક્ધડ ઇનિંગ્સ આદિત્ય ચોપડાની ’મોહબ્બતેં’થી સિનિયર સિટીઝનના સ્વરૂપમાં શરૂ થઈ. બિગ બીના બીજા દાવને ૨૫મું બેઠું છે અને અઢી દાયકામાં એમનું નામ સંકળાયું હોય એવી ૧૧૧ ફિલ્મ રિલીઝ થઈ હોવાની માહિતી છે. એમાંથી માત્ર અવાજ આપ્યો હોય (વોઇસ ઓવર) અને ઘડી બે ઘડીના મહેમાન જેવા સ્પેશિયલ અપિયરન્સ બાદ કરીએ તો ‘કલ્કિ ૨૮૯૮ એડી’ એમની ૭૫મી ફિલ્મ છે. ૫૮ વર્ષની ઉંમરે ‘મોહબ્બતેં’થી વરિષ્ઠ ભૂમિકામાં ગોઠવાઈ ગયેલા બિગ બી આજે ૮૧ વર્ષની ઉંમરે બિઝી બી છે. તાજી રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મમાં અભિનય માટે મિસ્ટર બચ્ચનની પ્રશંસા કરતા લોકો થાકતા નથી. ફિલ્મના સાથી કલાકાર કમલ હાસને આ સંદર્ભે કરેલી કમેન્ટ જાણવી જરૂરી છે. કમલનું કહેવું છે કે ‘અમિતજીએ આ ફિલ્મમાં કમાલનું કામ કર્યું છે. હું નક્કી નથી કરી શકતો કે મારે એમને પીઢ અભિનેતા કહેવા કે નવા નિશાળિયા. જાણે પહેલી વાર ફિલ્મમાં કામ કરી રહ્યા હોય એવા ઉત્સાહ, ધગશ તેમનામાં જોવા મળ્યા.’
૧૯૬૯થી ૨૦૨૪ સુધીની ફિલ્મ સફરમાં બ્લોકબસ્ટર અને સુપરહિટ ફિલ્મો માટે નવાઈ ન રહી હોવા છતાં ૮૧ વર્ષની ઉંમરે નવી ફિલ્મની સફળતાનો આનંદ ચાહકો સાથે શેર કરવાની ઝંખના અને ઉત્સાહ એમને થાકવા નથી દેતા અને નવા નવા પ્રયોગો કરવાની ઈચ્છા જાગૃત રાખે છે. ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્ર્વત્થામાની જેમ અભિનય કૌશલ અને ઉત્સાહ – ધગશનું સંયોજન ધરાવતા શક્તિશાળી મણિએ ‘કલ્કિ ૨૮૯૮ એડી’ના અશ્ર્વત્થામા (અમિતાભ બચ્ચન)ને અજય – અમર બનાવી દીધા છે એમ કહેવામાં અતિશયોક્તિ હશે, પણ અનેક લોકોની માન્યતા સુધ્ધાં છે. ‘નવા નિશાળિયા’એ બીજી ઈનિંગ્સના ૨૫ વર્ષમાં ૭૫ ફિલ્મો કરી છે અને આ આંકડો ક્યાં પહોંચશે ‘ઈસકા અનુમાન લગાના મુશ્કિલ હી નહીં, નામુમકિન હૈ.’
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૫૫ વર્ષ સુધી પરફોર્મ કરનાર કલાકાર જીવન સંધ્યાએ દરરોજ સૂર્યોદયની ઝંખના કરતો હોય તેનાથી રૂડું શું? યાદ કરો સંજય લીલા ભણસાલીની ‘બ્લેક’. ૧૯ વર્ષ પહેલા આવેલી આ ફિલ્મના રોલ માટે અમિતજીને નેશનલ એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ દરમિયાન પોતાને ભણસાલી પાસે ઘણું શીખવા મળ્યું હોવાની એમણે જાહેરમાં કબૂલાત કરી હતી. ૨૦૦૦ની સાલથી શરૂ થયેલી સેક્ધડ ઈનિંગ્સમાં ‘બ્લેક’ ઉપરાંત ‘પા’, ‘વીર ઝારા’, ‘દેવ’, ‘સરકાર’, ‘વિરુદ્ધ’, ‘ચીની કમ’ વગેરે ઉદાહરણ પ્રયોગશીલ અને અનેરા ઉત્સાહ સાથે કામ કરતા એક્ટરની પાવતી છે.
‘કલ્કિ ૨૮૯૮ એડી’ના સેટ પર પણ જાણે કારકિર્દીની પહેલી ફિલ્મ હોય એ ઉત્સાહ અને ધગશથી કામ કરતા અમિતાભજીને જોઈ સેટ પરના બચ્ચા બચ્ચા પ્રોત્સાહિત ન થાય તો જ નવાઈ. સેક્ધડ ઇનિંગ્સની ૭૫ ફિલ્મમાંથી ૪૦ ફ્લોપ થઈ હોવા છતાં અનેક ફિલ્મમેકર ‘એકવાર તો બચ્ચન સાબ સાથે કામ કરવું છે’ એવું સપનું જરૂર જોતો હોય છે. એ જાણે છે કે ફ્લોપ ફિલ્મમાં પણ બિગ બીનું પરફોર્મન્સ સુપરહિટ હોય છે.
૮૧ વર્ષની ઉંમરે અમિતજીની વ્યસ્તતા અંગે અજય દેવગને બહુ જ સુંદર વાત કરી છે. યુ ટ્યૂબ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં અજયએ જણાવ્યું હતું કે ‘ઉંમર ગમે તે હોય, શારીરિક સજ્જતા હોય તો કામ કરતા જ રહેવું જોઈએ. જે ઘડીએ કામ કરવાનું
બંધ કરી માત્ર જલસા કરવાનું નક્કી કરશો તો શરીરની સ્વસ્થતા, ચપળતા ગુમાવી બેસશો. મિસ્ટર અમિતાભ બચ્ચન સામે જુઓ. એમને કામ પ્રત્યે અનહદનો લગાવ છે. આ ઉંમરે (૮૧ વર્ષ) સતત પ્રવૃત્તિમય રહે છે. આજની તારીખમાં એ વિચક્ષણ છે, દિલ – દિમાગમાં જોશ છે એનું એકમાત્ર કારણ કે એ સતત બિઝી રહે એ છે.’
ઉંમર ભલે એઈટી (૮૦)ની રહી, ઉત્સાહ – ઉમંગ એઈટીન (૧૮)ના હોય તો જીવન ઉલ્લાસમય રહે છે. આ વૃત્તિ, આ અભિગમને કારણે અમિતજી જ્યાં સુધી ફિલ્મોમાં કામ કરતા રહેશે, યુવાનને છાજે એમ નવા નવા પડકાર ઝીલી રસિકોને તરબોળ કરતા રહેશે. એમની જ એક ફિલ્મના ટાઈટલ સાથે લેખનું સમાપન કરીએ:
‘બુઢ્ઢા હોગા તેરા બાપ.’ !