૨૦૨૪: આ વર્ષે શું શું નવાં આકર્ષણ છે ઓટીટી પ્લેટફોર્મ પર?
ડ્રેસ-સર્કલ -નિધિ શુકલ
કોવિડના કડવા આગમન વખતે આપણા દર્શકોની સમક્ષ સદભાગ્યે મનોરંજનની એક નવી જ દુનિયા ઉઘડી ગઈ. લોકડાઉનમાં ઘરે કેદ એવા દર્શકો માટે સમય પસાર કરવાનું સસ્તું -સરળ ને હાથવગું સાધન બની રહ્યું ‘ઓવર ધે ટોપ પ્લેટફોર્મ’ અર્થાત OTT.
ફિલ્મજગતની સરખામણીએ આ નવા માધ્યમમાં નવીનતા હોવા ઉપરાંત અનેકવિધ વિષયોની વિશેષતા હતી. સામાન્ય રીતે , ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળતી કથાવસ્તુ અહીં રજૂ થવાની શરૂ થઈ એની સાથે હવાની નવી તાજી લહેરખી જેવા કલાકારો- દિગ્દર્શકો આગળ આવ્યા. ફિલ્મજગતમાં તક મેળવવા જે કલાકારો-કસબીઓ ફાંફાં મારતા હતા એમના માટે ઓટીટીએ એક નવી ક્ષિતિજ ખોલી નાખી. જે વાત-જે કથા ફિલ્મમાં રજૂ નહોતી થઈ શકતી એ આ નવા માધ્યમમાં બિન્ધાસ્ત રજૂ થવા માંડી.એમને નવો-યુવાન દર્શક વર્ગ મળવા લાગ્યો, અને ઓટીટીએ પોતાની અગવી સફળ-કથાઓ આલેખવી શરૂ કરી. જે ફિલ્મ કલાકારની કારકિર્દીનો સૂરજ લગભગ આથમવાનો શરૂ થઈ ગયો હતો કે પછી ફિલ્મ ક્ષેત્રમાંથી ફેંકાઈ ગયા હતા એમાંથી કેટલાકને જાણે પ્રાણવાયુનો નવો પૂરવઠો મળ્યો. બે બહુ જાણીતા ઉદાહરણ છે : બોબી દેઓલ અને સુષ્મિતા સેન બોબી દેઓલ ‘આશ્રમ’ અને ‘સુષ્મિતા આર્યા’ વેબ-શો સિરિયલ -શૃંખલાથી એમાની કેરિયરના ટોપ પર પહોંચી ગયા
ગત વર્ષ ૨૦૨૩ની સાથે આ નવા વર્ષની સરખામણી કરવા જાઈએ તો ૨૦૨૪ એક રીતે ગત વર્ષોમાં સફ્ળ નીવડેતા વેબ -શો કે સિરિયલોના અનુસંધાન જેવું છે. ભાગ-પહેલો સફળ નીવડ્યો તો એના પાર્ટ-ટુ અને થ્રી થી જ સફળતાનો દૌર આગળ ધપાવવાની નીતિ-રીતિ વેબ -શોના સંચાલકો અને નિર્માતા- દિગ્દર્શકોએ અપનાવી લીધી છે.પછી એ
‘આશ્રમ’ હોય કે ‘આર્યા કે પછી ‘પંચાયત’
આમ છતાં, ૨૦૨૪માં આવી રહેલા વેબ- શો પર ઝડપથી નજર દોડાવી જોઈએ તો ઉલ્લેખનીય છે
ફેમિલીમેન
આ એક ફેમિલી-પરિવારના ઓઠા હેઠળ કાર્યરત એક સિક્રેટ એજન્ટનાં કારનામાંની રોચક કથા છે,, આ સિરિયલના પાર્ટ -થ્રીનું હાલમાં અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે.આવનારા ભાગમાં દેશના નોર્થ-ઈસ્ટ જેવા સંવેદનશીલ વિસ્તારની કથા આકાર લઈ છે. આમાં મનોજ બાજપેયી-પ્રિયામણી-સામંતા રુથ અને મનોજના મિત્ર તરીકે શારિબ હાશમી, ઈત્યાદિ જાણીતા કલાકારોનો કાફલો છે.
આશ્રમ
ભગવાન હોવાનો દાવો કરનારા એક પાખંડી અને વિલાસી બાબાના રોલમાં બોબી દેઓલે જબરી જમાવટ કરી છે. આ સિરિયલનો ચોથો ભાગ આવી રહ્યો છે.પ્રકાશ ઝા દિગ્દર્શિત આ સિરિયલ પહેલા-બીજા ભાગમાં જબરી જામી પણ ભાગ ત્રીજાની એની કથાનું પોત નબળું પડી રહ્યું હોવાનું હવે દેખાવા લાગ્યું છે. ચોથા ભાગની બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાછે અને ‘આશ્રમ’ ના ચાહકોને પૂરતો વિશ્ર્વાસ છે કે પાખંડી બાબા (બોબી દેઓલ )ની કથામાં જરૂર કંઈક ચમત્કાર થશે..
પંચાયત
નહોતી ધારી એવી કથા સાથે આ સિરિયલ બધા માટે તાજગીભરી રહી છે. ઉત્તર પ્રદેશના કોઈ એક કાલ્પનિક ગામમાં આકાર લેતી ‘પંચાયત’નો ત્રીજો ભાગ નવી કથા સાથે આવી રહ્યો છે. અભિષેક ત્રિપાઠીના રોલમાં જિતેન્દ્રકુમારનો સરળ-સહજ અભિનય આ સિરીઝનો ખરા અર્થમાં પ્રાણ છે. સાથે નીના ગુપ્તા-રઘુવીર યાદવ -ચંદ્ન રાય જેવા કલાકારો પણ અચ્છો અભિનય આપી રહ્યા છે.
ફર્ઝી-ટુ
એક યુવા નિપુણ ચિત્રકાર કઈ રીતે નકલી ચલણી નોટ-કરન્સી નાણું તૈયાર કરવાના ષડયંત્રના ચક્કરમાં કેવો અટવાય છે એની સસ્પેન્સ કથા આ સિરીઝમાં છે. શાહિદ ક્પૂર ફર્ઝી પેન્ટના રોલમાં ઠીક ઠીક અભિનય કરે છે. આમ છતાં ઓટીટીના દર્શકોને આ સિરિયલ ગમી છે એટલે હવે એનો બીજો ભાગ પણ આવી રહ્યો છે
કર્મા કોલિંગ
મૂળ એક અમેરિકન કથા પર આધારિત આ સિરિયલમાં વેર-ઝેર-બદલાની વાત છે. રવિના ટંડન અહીં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ બધા ઉપરાંત, અગાઉ રજૂ થઈ ગયેલી અને સારી સફળ નીવડેલી બીજી કેટલીક સિરિયલો પણ આવી રહી છે, જેમકે આર્યા ૩ – ગુલ્લાલ ૪ – લાતાલલોક ૨ -સ્પેશ્યલ ઓપ્સ-દિલ્હી ક્રાઈમ ૩ ઈત્યાદિ અન્ય ઓટીટી શોઝ પણ એક પછી એક આ વર્ષ દરમિયાન આવી રહ્યા છે. હવે એ જોવાનું કોણ ફાવે છે ને કોણ વખણાય છે!