ર૦ર૩ અને બોલીવુડસો કરોડ કલબ હવે આઉટડેટેડ

ફિલ્મનામા -નરેશ શાહ
તો એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ જંગલીવેડા જેવો તોડફોડ વકરો કરીને બે વાત પુરવાર કરી. એક, બોક્સ ઓફિસ પર માત્ર કંઈ ખાન કે ચોપરા-જોહરનો જ ચલણી સિક્કો ચાલે છે, એવું નથી. બીજી વાત એ પણ પુરવાર થઈ કે હિન્દી સિનેમાની સ્થિતિ રાતી રાયણ જેવી જ છે. એકાધિક ઓટીટી પ્લેટફોર્મ કે અનિવાર્ય બિમારી જેવી પાયરસી કે મોંઘીદાટ સિનેમાની ટિકિટો…. આમાંનું કશું ય આપણી હિન્દી સિનેમાની તબિયતને લડખડાવી શકે તેવું નથી.
યાદ હોય તો કોરોના પછી સ્વાભાવિક રીતે જ નબળા કલેકશન અને ફલોપ ફિલ્મોને કારણે હિન્દી ફિલ્મ ઉદ્યોગ પડી ભાંગ્યો હોય તેવો સૂર વહેતો થઈ ગયો હતો. અમુકે તો એનાલિસિસ કરીને નરમ રહેતી તબિયતને ન્યૂમોનિયા જાહેર કરી દીધો હતો. તેમને ન્યાય કરવા કહેવું જોઈશે કે તેઓની આશંકા સાવ અસ્થાને નહોતી. (હા, ઉતાવળી જરૂર હતી ) ર૦ર૩ના આ (ચાલુ) વરસની જ વાત કરીએ તો સૌથી મોટો આઘાત બે ફિલ્મોએ આપેલો. આશરે સવા બસ્સો કરોડના બજેટમાં બનેલી ભાઈજાન સલમાન ખાનની ક્સિી કા ભાઈ, ક્સિી કી જાન ફિલ્મે ઘરઆંગણે માંડ સો કરોડનો વેપલો કરેલો. એ દૃષ્ટિએ તે ફલોપ ફિલ્મ જ હતી તો પ્રભાસની આદિપુરુષ્ા તો બધી રીતે ડિઝાસ્ટર પુરવાર થઈ હતી. સુપરહિટની ગેરન્ટી ગણાતા રોહિત શેટ્ટીની સરક્સ ફિલ્મનો આઘાત (આ ફિલ્મ ર૩ ડિસેમ્બર, ર૦રરના રિલીઝ થયેલી) હજુ ઓસર્યો નહોતો ત્યાં સલમાનની ફિલ્મ ભપ દઈને પડી ગઈ. બાકી હતું તો અગેઈન, સક્સેસ-સ્ટાર અક્ષ્ાયકુમારની સેલ્ફી પણ દમ તોડી ગઈ. ન્યુ જનરેશન સેન્સેશન ગણાતાં કાર્તિક આર્યનની શહજાદાએ નિષ્ફળ થઈને એ વાત વિચારવા માટે મજબૂર ર્ક્યા કે હવે સાઉથની રિમેક ફિલ્મો માટે હિન્દી બેલ્ટનો દર્શક પૈસા ખર્ચશે કે કેમ ?
બેશક, સાઉથની રિમેક જ શું કામ, વિશાલ ભારાદ્રાજની કુત્તે, રાજકુમાર રાવની ભીડ, વિદ્યાબાલનની નીયત, આદિત્ય કપૂરની ગૂમરાહ જેવી ઓફબીટ અને વખણાતાં ક્સબીઓની ફિલ્મે પણ ટિકિટબારી પર ભૂ પણ ન માંગ્યું એટલે સિનારિયો એવો ઊભો થયો કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના વળતાં પાણી શરૂ થઈ ગયા છે. કોરોનાના બે વરસ દરમિયાન જેમ આપણને લાગતું હતું કે આપણી રેગ્યુલર યા રૂટીન જિંદગી પર પૂર્ણવિરામ મુકાય ગયું છે… એવું જ હિન્દી ફિલ્મો માટે લાગવા માંડયું હતું પણ…
આ જ નિષ્ફળતાના કહેવાતા વરસે જ એ વાત પુરવાર કરી દીધી કે બોલીવૂડ કડેધડે ઈન્ડસ્ટ્રીઝ જ હતી અને છે. મોટી ફિલ્મોની નિષ્ફળતાનો આઘાત ગહેરો હતો તો સફળ ફિલ્મોનો આનંદ તેનાથી પણ ચડિયાતો પૂરવાર થયો. શરૂઆત શાહરુખ ખાનની પઠાણથી થઈ. એ પછી (ધ કાશ્મીર ફાઈલની જેમ) ધ કેરાલા સ્ટોરી પણ વકરાના હિસાબથી બ્લોકબસ્ટર બની. સફળ ફિલ્મોની યાદીનું હવે જરા લિસ્ટ વાંચી જાવ : તું જુઠી મૈં મક્કાર, ઝરા હટકે જરા બચકે, રોકી ઔર રાની કી પ્રેમ કહાની, ગદર-ર, ઓહ માય ગોડ-ર, ડ્રિમગર્લ-ર, શાહરુખની જવાન, ફૂકરે-૩, ટવેલ્થ ફેઈલ (વિધુ વિનોદ ચોપરા), ટાઈગર-૩ અને એનિમલ… ર૦ર૩ ની આ ફિલ્મોને બ્લોક બસ્ટર, સુપર હિટ અને હિટની શ્રેણીમાં તમે મૂકી શકો પણ ર૦ર૩ની સૌથી મોટી ફલશ્રૃતિ તરફ હજુ કોઈનું ધ્યાન ગયું નથી. પઠાણ, જવાન, એનિમલ, રોકી ઔર રાની…, ડ્રિમગર્લ-ર, ઓહ માય ગોડ-ર અને ફૂકરે-૩ એ એવો ચીલો પાડી દીધો છે કે પહેલાંની જેમ હન્ડે્રડ કરોડ કલબ (સો કરોડ) ની શાખ હવે પીગળી ગઈ છે. હવે હિન્દી ફિલ્મો બસ્સો-ત્રણસો કરોડનાં વકરાને પ્રતિષ્ઠા માનતું થયું છે (અને ર૦ર૪માં એ પુરવાર થશે, તમે લખી રાખો )
ફિલ્મોની સફળતા-નિષ્ફળતા બાબતે અહીં એ જણાવવું આવશ્યક છે કે, બધો આધાર લાગત (બજેટ) અને ઊપજ (વકરો) પર હોય છે. સવા સો કરોડનો વેપાર કરનારી સલમાન ખાનની ભાઈજાનનું બજેટ સવા બસ્સો કરોડનું હતું તેથી એ ફિલ્મ સો કરોડના વેપલા પછી ફલોપ જ રહી, જયારે વિધુ વિનોદ ચોપરાની ર૦ કરોડમાં બનેલી ટવેલ્થ ફેઈલે સાંઈઠ કરોડનો વેપાર ર્ક્યો એટલે એ સુપરહિટ ગણાય (આ જ દૃષ્ટિથી ધ કાશ્મીર ફાઈલ બ્લોક બસ્ટર હતી પણ એ જ વિવેક અગ્નિહોત્રીની વેક્સીન વોર દશ કરોડના બજેટમાં બની હતી અને એટલો જ વેપાર ર્ક્યો હતો એટલે ફલોપ ગણાય )
… પણ એ યાદ રાખવું જરૂરી છે કે એનિમલની ગ્રાન્ડ સક્સેસ સાથે ર૦ર૩નું સરવૈયું પૂરું નથી થતું. આવતાં ગુરુવારે (ર૧મી ડિસેમ્બરે) રાજકુમાર હિરાની-અભિજીત જોષ્ાી-શાહરૂખ ખાનનું ડેડલી કોમ્બિનેશન ધરાવતી ડંકી ફિલ્મ પણ બે વાત પુરવાર કરશે. એક, (પઠાણ, જવાન અને ડંકીને કારણે) ર૦ર૩નું વરસ શાહરુખ ખાનનું બનશે અને બે, ડંકી પણ પ્રથમ આઠ દિવસમાં જ બોક્સઓફિસ પર નવા વિક્રમ સર્જશે.