મેટિની

કાંતિ મડિયા વિનાનાં ૨૦ વર્ષ: ટહુકે ટહુકે પીગળ્યાં…

પ્રાસંગિક -સંજય છેલ

નૌટંકી અને નાટકમાં બુનિયાદી ફર્ક છે. નૌટંકી જનતાને ઇનસ્ટંટ નશો આપે છે,પણ નાટક ઓડિયંસના આત્માને સ્પર્શે છે. ‘નાટકનાં ચાહક ને ગ્રાહક વચ્ચેનો તફાવત છે.’ આવું સંસ્કૃત કવિ-નાટ્યકાર કાલીદાસે કહ્યું છે.

સ્વર્ગસ્થ કાંતિ મડિયા, એવા જ સાચા નાટકના માણસ હતાં, જે ૫૦-૫૦ વર્ષ બોક્સ ઓફિસમાં સામા પ્રવાહે તરીને એકલે હાથે ઝઝૂમનાર લેખક- રૂપાંતરકાર- અભિનેતા અને જાંબાઝ નિર્માતા-દિગ્દર્શક હતા. કોઈપણ જાતની હીરો જેવી પર્સનાલિટી નહીં, કોઈ ઘેઘૂર અવાજ નહીં પણ માત્ર અનુભૂતિનું ઊંડાણ, આક્રોશ અને સંવેદનાનાં જોરે એમણે અનેક સફળ અને યાદગાર નાટકો આપ્યાં.

૧૯૬૦ પછી પ્રવીણ જોષી અને કાંતિ મડિયાએ આધુનિક નાટકોમાં કમર્શિયલ નાટકોમાં એક સારો અને સાચો નાટક વર્ગ ઊભો કર્યો. ૩જી જુલાઈ ૧૯૩૨માં જન્મેલાં મડિયા, ૭૧-૭૨ વર્ષની વયે ૨૦ વરસ અગાઉ ૧૫ જૂન-૨૦૦૪ના દિવસે કલકતામાં નાટકની વર્કશોપ કરતા કરતા જતા રહ્યા. (આવતી કાલે તેમની ૨૦મી પુણ્યતિથિ છે) છેલ્લે સુધી કર્મઠ કલાકાર તરીકે એમણે લિટમસ પેપરમાં બદલાતાં રંગોની જેમ ગુજરાતી રંગભૂમિ પર સફળતા-નિષ્ફળતાનાં બદલાતા રંગ જોયા. કોઈ પણ મોટી સંસ્થાના ટેકા વિના કે સરકારી ગ્રાન્ટનાં ટેકા વિનાનાટ્ય સંપદા’ જેવી નાટક કંપની એકલે હાથે ચલાવી અને ચીલા ચાતરીને અનેક અદ્ભૂત નાટકો રજૂ કર્યાં ને એ પણ એ ગુજરાતી પ્રજા સામે જેને ચાર ડૂસકાં ને બે ટૂચકા જ ગમે છે.

કાંતિ મડિયાનાં નાટકોનાં શીર્ષકો પણ કેવા? જાણે કોઈ કાવ્ય-પંક્તિ હોય: ‘અમે બરફનાં પંખી’ -‘આતમને ઓઝલમાં રાખમાં’ – ‘કોઈ ભીંતેથી આઈના ઉતારો’, ‘જૂજવે રૂ૫ અનંતભાસે’, ‘મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ’, ‘નોખી માટી-નોખા માનવી’.અમે બરફનાં પંખી અને સાવ રે અધૂરૂં મારું આયખું’! જેવાં અનેક નાટકમાં ઉંડાણ અને કાવ્યાત્મક સ્પર્શ. અનિલ જોશી-સુરેશ દલાલ જેવા સાહિત્યકારોનો સતત સંસર્ગ કે દોસ્તી એમની ખાસિયત હતી. બાદલ સરકાર, શંભુ મિત્રા કે અલ્કાઝીને યાદ કરીને ઓછા-ઓછા થતાં આપણા થેલાબાજ વિદ્વાનોએ મડિયાના એકાકી સંઘર્ષ કે પ્રદાનને કદીય દિલથી મૂલવ્યું નથી. જે મડિયાએ લા.ઠા.નું ‘પીળું ગુલાબને હું’, આર્થર મિલરનું ‘કાચી નીંદર કાચાં સપનાં’ (ડેથ ઓફ સેલ્સમેન) કે હિચકોની ફિલ્મ સાઇકો પરથી કાચીંડો’ કે ‘બાણશૈયા’ જેવાં યાદગાર ૬૫ નાટકો તખ્તા પર સાકાર કર્યાં. બાણશૈયામાં તો સ્વ. અભિનેતા અરવિંદ જોષીનો બેનમૂન અભિનય હતો કે પછી મરાઠીનાં કમલા- સખારામ બાઈન્ડર જેવાં જોખમી નાટકો આપ્યા. મરાઠી કે બંગાળી રંગભૂમિ પર કોઈએ આટલું મોટું કામ કર્યું હોત તો એની પ્રતિમા હોત, કોલેજમાં મડિયાના નામે નાટ્ય-વિભાગ હોત, સ્મારકો કે કમસેકમ ચોક તો હોત જ! પણ આપણે તો બીજી ભાષાનાં કલાકારોને માન આપનારી માર્કેટિંગ-મુગ્ધ ભોળી પ્રજા છીએ. નથી ગુજરાતી સમાજે કે ગુજરાત- મહારાષ્ટ્ર સરકારે એમની સ્મૃતિમાં કશું કર્યું કે નથી રાષ્ટ્રિય લેવલ પર આપણે કાંતિ મડિયા જેવાને અભિમાન સાથે મૂકી શકયા , કારણ કે કદાચ અભિમાનનાં એમ.ઓ.યુ. નથી હોતા. સંગીત નાટક અકાદમીના એવોર્ડ માટે જિદ્દી મડિયાએ પોતાનો બાયોડેટા ધરાર ના જ મોકલ્યો, પણ આપણી કોઈ ગુજજુ સંસ્થા કે ગુજજુ લોબી ત્યાં નહોતી દિલ્લીમાં? આજે પણ આપણે જ્યારે છાપાં-મેગેઝિનોમાં સો યાદગાર ગુજરાતી માણસોનાં લિસ્ટ છાપીએ છીએ ત્યારે બે-ત્રણ ફિલ્મ સ્ટારો કે ક્રિકેટરોને છોડીને બાકી બધાં બિઝનેસમેન કે નેતાઓને જ બિરાદાવીએ છીએ, કારણકે અંદરથી તો આપણે વેપારી પ્રજા જ છીએ અને રંગભૂમિના મડિયા કે પ્રવીણ જોશી, મહેન્દ્ર જોશી જેવા નિર્દેશક- કલાકારો આપણા માટે હજુય અછૂત જ છે. પ્રવીણ જોષી જેવા બેનમૂન સ્ટાર- કલાકાર-દિગ્દર્શકની યાદમાં આજે ૪૫ વરસે પણ એક પુસ્તક કે ડોક્યુમેંટરી ફિલ્મ કે કોઇ રેકોર્ડ આપણી પાસે નથી કે નથી નાટકો-ફિલ્મોના દંતકથા સમાન અભિનેતા સંજીવ કુમારનો ગુજરાતી ભાષામાં એક પણ ઇંટરવ્યુ! તો શું ધૂળ ને ઢેફાં આપણે સમૃદ્ધ પ્રજા છીએ?

માન્યું કે આમ જનતા કરતાં કાંતિ મડિયા માટે એક વર્ગનાં લોકોમાં સદાય ખૂબ આદર હતો , પણ એટલો સંતોષનો ઓડકાર લેવામાં કાંઈ મજા નથી. પ્રવીણ સોલંકી, અરવિં દ ઠક્કર, છેલ-પરેશ, સુજાતા મહેતા, ગિરેશ દેસાઈ, મહાવીર શાહ, અરવિંદ વૈદ્ય, કૃત્તિકા દેસાઈથી માંડીને આજના ટી.વી. સ્ટાર એવા જેઠાલાલ ઉર્ફે ; દિલીપ જોષી જેવા અનેક સફળ કલાકારોની કારકિર્દીમાં કાંતિ મડિયાનો પ્રચંડ ફાળો છે. છેક ગુજરાતનાં ગામે ગામથી બોલાવીને મુંબઈમાં ગાંઠનાં ગોપીચંદન કરીને નામી- અનામી કવિઓને કાવ્યસંપદા’ સંસ્થા હેઠળ મહિનામાં એક રવિવારે કાવ્ય-પઠન ગોઠવવાની એમની ઘેલછા પણ કમાલની હતી. મડિયાએ ભજવેલ કવિ રમેશ પારેખનું ‘આલા ખાચર’ નું પાત્ર હોય કે કવિ અખાનો રોલ હોય, દરેક સાહિત્યક કાર્યક્રમ કે નાટ્યશિબિરમાં એમની ધગશ દેખાતી. કદાચ આજની પેઢીને ખબર નહીં હોય કે કાંતિ મડિયા કોણ છે? પણ એ માણસે ૭૦- ૮૦ના દાયકામાં રિવોલ્વીંગ સ્ટેજ કે ફરતા-સરકતા સ્ટેજ વડે ૬-૬,૭-૭ સેટ્સવાળાં નાટકો બનાવ્યાં. છેક ૧૯૬૭માં પહેલીવાર રેડિયો પર ‘આતમને ઓઝલમાં રાખ મા…’નામનાં ગુજરાતી નાટકની એડવર્ટાઈઝમેન્ટ કરેલી! એ જ નાટકમાં સ્ટેજ પર એરપોર્ટ ઊભું કરેલું! મુઠ્ઠી ઊંચેરો માનવી’નાટકમાં તો એમણે નર્મદા નદીનાંપ્રચંડ પૂરનાં અદભૂત દ્રશ્ય સર્જવા માટે છેક બંગાળથી તાપસ સેન જેવા દાદુ લાઈટ
ડિઝાઈનર- પ્રકાશ નિયોજકને બોલાવ્યા હતા.

તખ્તા પર એ દ્રશ્ય જોઈને પ્રેક્ષકો સાચાં પૂરનાં પાણી આવતાં હોય એમ હબક ખાઈ જતાં.

કાંતિ મડિયાએ ધંધાદારી ગુજરાતી રંગભૂમિ પર સફળ થ્રિલર ને સામાજિક નાટકો પણ આપેલાં પણ મૂળમાં કાંતિ મડિયા સ્યુસાઈડ બોમ્બર જેવા જિદ્દી અને જાણતલ કલાકાર હતા. લગભગ ૧૯૫૩ની ભવન્સ કોલેજની આંતરકોલેજ સ્પર્ધાઓથી લઇને એમણે ૨૦૦૨-૩ સુધી લગભગ ૫૦ વરસ સતત નાટકો જ કર્યાં, અનેક નિષ્ફળતાઓ સાથે,ધંધામાં નુકસાનીઓ સાથે! છેલ્લે છેલ્લે એમના સેટ્સના ગોદામમાં આગ લાગવાથી ૪૦ વર્ષની મિલ્કત કે તપસ્યા બળી ગઈ ત્યારે પણ મડિયા અડીખમ ઊભા રહ્યા, પણ એ જ મડિયાને છેલ્લે છલ્લે રંગભૂમિનાં બદલાયેલા પ્રવાહો, વેંચાયેલ-પ્રાયોજિત કે ચેરિટી શોના સમીકરણોએ સતાવી નાખેલા. રંગભૂમિનાં ધંધાદારી ખેલાડીઓએ એમને થિએટરોમાં શોની તારીખ ના મળે એવા ખેલ પણ યોજેલાં ૧૯૭૮માં કાંતિ મડિયાએ એક યાદગાર ગુજરાતી ફિલ્મ બનાવેલી ‘કાશીનો દીકરો’. જેમાં રમેશ પારેખ,અનિલ જોષી,માધવ રામાનુજ, રાવજી પટેલ,બાલમુકુંદ દવે જેવા આપણાં સર્વોચ્ચ કવિઓનાં ગીતોને પહેલીવાર ગુજજુ ફિલ્મમાં રજૂ કરેલા.ગાડું,ગરબો અને ગોકીરોવાળી ફિલ્મોથી અલગ અદ્ભુત સામાજિક ફિલ્મ બનાવેલી. પણ એ ફિલ્મમાં બહારવટિયાં નહોતાં, પાઘડીવાળાં હીરો નહોતાં, ઘોડા નહોતાં, હસાવીને ગાભાં કાઢતાં રમેશ મહેતા નહોતા, ખોટુ ગુજરાતી બોલતી હિરોઈન નહોતી અને એટલે જ કદાચ એ ફિલ્મ એટલી સફળ નહોતી. પ્રવીણ જોષીના સ્ટારડમ, શૈલેષ દવેની વ્યાવસાયિક સફળતા, પરેશ રાવળ-હોમિ વાડિયા-જેવા નવા કલાકારો-નિર્દેશકોનાં વિવિધ દોર સામે કાંતિ મડિયાએ હંમેશા એકલે હાથે બોકસ ઓફિસ પર સતત હાર જીરવીને પણ આપેલી.

આવા ક્રાંતિકારી નાટ્ય સર્જક કાંતિ મડિયા આપણાં ગુર્જર સમાજનું સદભાગ્ય હતાં અને આપણી કમ્ફર્ટેબલ રસ-રૂચિનું કમભાગ્ય પણ હતા. આજે ય મુંબઇનાં ગુજરતી છાપાંઓનું રવિવારનું પાનું ખોલું છું ત્યારે સૌથી અલગ વિષયો કે શીર્ષકોવાળાં એમનાં નાટકોની જાહેરાતને હું બહુ મિસ કરૂં છું. એમની તગતગતી આંખો,ઇન્ટેસીટીવાળો તીણો અવાજ, એમનો ક્રોધ, એમની તડપ અને ઝૂઝવાની લગન, માત્ર યાદ આવતાં જ હચમચાવી નાખે છે.

આજે પણ જ્યારે જ્યારે જ્યાં જ્યાં કોઇ ગુજરાતી નાટક કયાંક હાઉસફૂલ થાય છે, લોકો સારૂં નાટક જોવા ટોળે વળે છે ત્યારે થાય છે કે આ બધી ભીડ પાછળ પાછળ કાંતિ મડિયા, પ્રવીણ જોશી, સરિતાબહેન જોશી, શેલેશ દવે, અરવિંદ જોશી, ઉપેંદ્ર ત્રિવેદી અને એમના જેવા અમુક કલાકારોનું પાયાનું કામ બોલી રહ્યું છે. વળી કાંતિ મડિયા, માત્ર મનોરંજનના નહીં, મનોમંથનના મુઠ્ઠી ઊંચેરા માનવી હતા. કાંતિ મડિયાનાં એ તેજાબી તેવરને આપીને સારાં અને અલગ નાટકો બનાવવાનાં સમયની ત્રીજી ઘંટડી ક્યારનીય વાગી ચૂકી છે તો જ નવાં નાટકો, લેખકો, કલાકારો અને નવા પ્રેક્ષકો કાંતિ મડિયાને ઋણ ચૂકવવા આવશે જરૂર આવશે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button