સલમાન નામે એક ઉખાણું
ડ્રેસ-સર્કલ -સંજય છેલ
થોડા દિવસ પહેલાં સલમાન ખાનના ઘર પર ગોળીબાર થયો ત્યારથી ફરી એકવાર સલમાન ખાન અગાઉ અનેકવારની જેમ ફરી ખોટાં કારણે સમાચારોમાં કે વિવાદોમાં આવી ગયો છે.
સલમાન ખાન બધા જ ખાનમાં અલગ છે. એ મૂડી છે- મિજાજી છે. ઘણી ખામીઓ સલમાનમાં છે, પણ એક નખશીખ પારદર્શક માણસ છે.સલમાન સાથે ફિલ્મ લાઇનમાં મારે વર્કિંગ રિલેશન તો છેલ્લાંં ૨૫ વર્ષથી છે. પણ આમ હું એને ઘણાંયે વર્ષોથી ઓળખું છું- મળતો રહ્યો છું. મને અને એને બહુ આછું આછું યાદ છે.
૧૯૯૦માં કોલેજમાંથી નીકળીને હું એકાંકીઓ- ટૂંકી વાર્તાઓ. લેખો વગેરે લખતો અને ફિલ્મોમાં આસિસ્ન્ટ ડાયરેકટર હતો. ત્યારે સાપ્તાહિક ‘અભિયાન’નાં એક વિશેષ યુવા ‘અંક’માં લેખ લખવાનું મને ફ્રીલાન્સર તરીકે કામ મળેલું. મેં બે- ચાર યુવાન ગાયકો કલાકારોના ઈન્ટરવ્યુ લીધેલા પણ મારે એક ફિલ્મ સ્ટારની મુલાકાત લેવાની હતી. ત્યારે હું રમેશ તલવારની ફિલ્મ ‘સાહિબા’માં કલેપરબોય આસિસ્ટન્ટ હતો. એ યુનિટમા બાબુકુમાર નામનો સિનિયર આસિ. ડિરેકટર હતો, જે મને સલમાનના શૂટિંગમાં લઇ ગયો. ‘મૈંને પ્યાર કિયા’ પછી સલમાન બહુ મોટો સ્ટાર બની ગયેલો. અંધેરી ઇસ્ટમાં (જયાં અત્યારે શોરૂમ છે ત્યાં) હાઇ-વે પાસે એક સ્ટુડિયોમાં સલમાન, સાવન કુમારની ‘સનમ બેવફા’ માટે ઘોડેસવારીનો સીન શૂટ કરી રહ્યો હતો.
એ ઘોડા પરથી ઉતર્યો પછી બાબુએ મારી ઓળખાણ આપી. મેં સલમાનને કહ્યું કે અડધો કલાક આપી શકો તો ઈન્ટરવ્યુ લેવો છે. સલમાને બહુ રસ ના દેખાડ્યો. મેં એેને કહ્યું : ‘જો એનોે ઇન્ટરવ્યુ મારા લેખમાં આવશે તો મને સારા એવા પૈસા મળશે.. ’ સલમાને તરત જ કહ્યું : ‘ઓકે, તારે જે લખવું હોય એ મારા વતી લખજે. ગુજરાતી લોકો આમ પણ મને ગમે છે અને છોકરીઓ પણ’
મેં એને પૂછયું, ‘હું કંઇપણ લખીશ એ ચાલશે?કાંઇક કોન્ટ્રોવર્શિયલ લખી નાખીશ તો? ’
તો સલમાન કહે: ‘ના..આઇ ટ્રસ્ટ યુ… જા, પૈસા કમા…’ ફોટો પડાવ્યો અને પછી બે કલાક વાતો કરી અહીંયા- ત્યાંની ત્યારે મેં એને યાદ અપાવેલું કે ‘બહુ હો તો ઐસી’ (જે એકચ્યુઅલી એની પહેલી ફિલ્મ છે) વખતે બાંદ્રામાં પાલી હિલ પર એ શૂટિંગ કરતા કરતા ગુસ્સામાં ડાયરેકટર રમેશ તલવારના ઘરે આવેલો. ફિલ્મ લાઇનથી પરેશાન હતો. ત્યાં હું હતો. સલમાનને તરત યાદ આવ્યું અને પછી કહ્યું, ‘વો સબ મત લીખના…’
બસ, પછી તો વર્ષો સુધી મળાયું નહીં. મેં ફિલ્મો લખી. મોટેભાગે શાહરૂખ ખાનની ફિલ્મો. રંગીલા, યસ બોસ, ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની જેવી ફિલ્મો વખાણાઇ. હું મારી ‘ખૂબસૂરત’ ફિલ્મ બનાવી રહ્યો હતો ત્યારે એડફિલ્મ મેકર કૈલાશ સુરેન્દ્ર નાથે સલમાનને મારા વિષે વાત કરી. કોઇ અંગ્રેજી ફિલ્મની રિમેક મારે લખવાની હતી. સાઉથનો ડિરેકટર હતો. સલમાનને હું દેવ આનંદનાં ‘આનંદ’ સ્ટુડિયોમાં મળ્યો. બસ, ત્યારથી અચ્છી દોસ્તી થઇ ગઇ.
‘કહીં પ્યાર ના હો જાયે’ નામની ફિલ્મ બહુ ચાલી નહીં. પણ એ દરમિયાન સલમાને અને મેં બહુ મજા કરી. એનામાં ગજબની ’સેંસ ઓફ હ્યુમર’ – રમૂજ વૃત્તિ છે. પોતાની જાત પર હસી શકે એવો એક માત્ર સ્ટાર સલમાન જ છે. પોતાની ભૂલો, પોતાની ખામીઓ પર એટલી જ આસાનીથી જોક મારી શકે છે જેટલી એ બીજા પર મારે છે. મોટા ભાગનાં લોકોને એ ઉદ્ધત કે રફ લાગે છે, કારણ કે લોકો શબ્દ પકડે છે. શબ્દ પાછળના અર્થ સુધી જવાની ક્યાં કોઇને પડી છે?.
એક ફિલ્મ લેખક તરીકે મને બધાં જ સ્ટાર્સમાં સલમાન ખાન વિશેષ ગમે છે. કારણ?
કારણ એક નથી અને એક પણ નથી. સલમાન ખાન મારા માટે એક સુંદર અને સેન્સિટિવ ઉખાણું છે. એનામાં આમીર ખાન જેવી જંતુનાશક દવાથી સાફ કરીને સ્વચ્છ બનાવેલી બોરિંગ ગંભીરતાં નથી. એનામાં શાહરૂખ જેવી ફિલ્મી ચાર્મિંગ અદા કે એનર્જી નથી, છતાંય સલમાનમાં એક એક્સ-ફેકટર છે. કશુંક એવું જે આકર્ષે એનામાં ખૂબ બધી વિસંગતિઓ, અધૂરપો ને મિજાજીપણું , છતાંય એ કયાંક શુદ્ધ માણસ છે અને એટલે જ એ અધૂરપ મને ગમે છે.
સલમાન અને મારી વચ્ચે કમાલનું બોંડિંગ છે. છ મહિના- વરસ સુધી ના મળીએ તોયે જયારે મળીએ ત્યારે એ જ જૂની ઉષ્મા. સલમાન સાથે ‘પાર્ટનર’ – ‘ક્યું કિ, મેંને પ્યાર ક્યું કિયા’ જેવી ફિલ્મો પણ કરી છે. ૨૦૦૪-૦૫માં ઝી ટીવી પર મેં ‘હમ સબ બારાતી’ નામની ટીવી સિરિયલ બનાવેલી , જેમાં આર્થિક રીતે ખૂબ નુકસાન ગયેલું. એ દરમિયાન સલમાનને એક પાર્ટીમાં મળ્યો. એણે મારો ચહેરો જોઇને પૂછયું: ‘ક્યા હુઆ? પ્રોબ્લેમ હૈ કુછ?’ મેં વાત કરી મારા સિરિયલના નુકસાન વિશે.
બીજે જ દિવસે એણે મારા માગ્યા કે કહ્યા વિના ત્રણ ફિલ્મોના નિર્માતાને મોકલીને સાઇનિંગ અમાઉન્ટ અપાવ્યાં. એ વાત વિશે કયારેય અછડતો ઉલ્લેખ પણ ના કર્યો. એટલું જ નહીં, ‘મૈં ને પ્યાર કયું કિયા’ ફિલ્મમાં મને અને મારા પરિવારને માલદીવ્ઝ અને દુબઇ પોતાની સાથે બિઝનેસ કલાસની એર ટિકિટ કે ફાઇવસ્ટારમા ંસગવડો આપી. આજે પણ જો કોઇ સ્ટુડિયોમાં એનું શૂટિંગ ચાલતું હોય અને એને ખબર પડે કે હું છું તો લંચ અવરમાં એની સાથે જમવા બોલાવે. મારા માટે એમનાં ઘરેથી ખાસ વેજ ખાવાનું આવે- વાલોળનું શાક સલમાન ખાનનું ઘર યારોં માટેનું સદાવ્રત છે. લંગર છે. રાત્રે ૧ વાગે પણ એના ઘરે કોઇપણ આવીને જમી જાય- પાર્ટી કરી જાય.
સલમાનમાં એના લેખક અબ્બાજાન સલીમ ખાનની ખાનદાની છે. વર્ષો જૂનાં સ્ટાફને સાચવી રાખવાની આવડત છે. મિત્રોને ફેમિલી જેવા નહીં પણ ફેમિલી જ બનાવવાની દિલદારી છે.
સલમાન વચ્ચે શિકારનાં કેસમાં ત્રણ દિવસ જોધપુર જેલમાં ગયેલો. બહાર આવ્યો. ઘરે હું મળવા ગયો. પચાસ સાંઠ લોકોની વચ્ચે એણે મને જોયો. અમે બંને બે મિનિટ જૂના બિછડેલાં પ્રેમી હોઇએ એમ એકબીજાની સામે જોઇને મરક મરક હસતાં રહ્યાં. કઇ પણ બોલ્યાં વિનાં. આવી અમારી બોંડિંગ છે. મેં એને પૂછ્યું- ‘મૂડ મેં?’
એણે કહ્યું: ‘અચ્છા યા બૂરા, મૂડ હંમેશાં!’
સલમાન ખાનને લઇને ફિલ્મનું નિર્દેશન કરવું અઘરું છે. મુશ્કેલ છે. એને જે કરવું હોય એજ એ કરે છે. એને સીન સંભળાવીને કન્વિન્સ કરવાનો અઘરો છે. ગમે ત્યારે ગમે તે બોલી નાખે, સીન બદલી નાખે, છતાંયે એનામાં એક કાતિલ જાદું છે. કલાકાર તરીકે અને માણસ તરીકે મૂડી છે. મિજાજી છે પણ જુઠ્ઠો નથી. મેં ૩૫ વર્ષમાં ઘણાંયે સ્ટાર્સને નજીકથી જોયા છે.. સારાં- ખરાબ દિવસોમાં બદલાતા જોયા છે, પણ એકમાત્ર સલમાન એનાં સારાં કે ખરાબ વર્તનમાં એવો ને એવો જ છે, કારણ કે એ નકલી નથી. નબળાઇ હશે પણ નગુણો નથી. આજે પણ આ ઉંમરે સલીમ ખાન નામના પિતાને એક આદર્શ પુત્રની જેમ ઈજ્જત આપે છે. સલીમ ખાનના સહ-લેખક અને આપણી ગુજરાતી રંગભૂમિ -ફિલ્મોનાં પીઢ કલાકાર- નિર્દેશક સ્વર્ગીય હની છાયાને ખૂબ જ માન આપતા. સલમાન ખુદ હનીભાઇની હાજરીમાં ઊભો થઇ જતો.. સલમાન, હિંદુ માતા સુશીલા (હવે સલમા) અને સલીમ ખાનનો પુત્ર છે, પણ એકદમ સેક્યુલર છે. ઘરે ગણપતિની સ્થાપના કરે છે અને ભક્તિભાવે સૌને આમંત્રે છે. મને આ ધર્મનિરપેક્ષ ગુણ ગમે છે. મિત્રો- સ્ટાફ અને નજીકનાને સાચવવાની એની અદામાં એક ‘કબીલા’ ને સાચવતાં સેનાપતિ જેવી અદા છે. સલમાને ભાઇઓ- બહેનો- પરિવારો માટે જે કર્યું છે એની વાતો લખવા બેસીએ તો જૂની રંગભૂમિના ફેમિલી ડ્રામા જેવું લાગે.
સલમાન ફેમિલીમાં મિત્રોમાં સંબંધોમાં બહુ માને છે. પિતાનો પડ્યો બોલ ઝીલે છે..સલમાનના પિતા-સલીમના મિત્ર – સહાયક લેખક આપણાં ગુજરાતી કલાકાર એવા હની છાયાને અંતિમ દિવસ સુધી સલમાને પિતાવત્ત માન આપેલું અને દર મહિને એમને સારો એવો પગાર પણ પહોંચાડતા, કારણ કે હની છાયા સલીમખાનના સહાયક તો હતા જ પણ એ ઉપરાંત સલમાનને શરૂઆતના દિવસોમાં હનીભાઇએ જ ‘મૈંને પ્યાર કિયા ’ જેવી ફિલ્મો અપાવેલી.. સલમાન એ ઋણ સમજે છે. હનીભાઇના ગયા પછી એમના પુત્ર સલમાનના ફાઇનાન્સનું કામ સંભાળતા હતા.(( અકાળે એનું પણ અવસાન થયું )
ટૂંકમાં તમે સલમાનના ફેમિલીમાં એન્ટર થાવ પછી કાયમ માટે ફેમિલી મેંબર જ બની જાઓ ! ત્યાં સુધી કે સલમાનને મિત્રો અને પરિવાર સાથે ૫૦ -૬૦ના ટોળામાં વેકેશન માણવું કે વિદેશ ભમવું એને ગમે છે.. વચ્ચે શાહરૂખ અને સલમાન વચ્ચે અબોલા હતા, પણ તોયે શાહરૂખ તો સલીમ ખાન અને સલમા આંટીને જઇને મળતો, સાથે જમતો અને સલમાન એ વિશે કોઇ ઇશ્યુ ના બનાવતો એટલી ખાનદાની સલમાનમાં છે.
સલમાનનાં પ્રેમપ્રકરણો આખી દુનિયા જાણે છે. હું અમુકનો સાક્ષી પણ છું. માત્ર એટલું જ કહીશ કે સલમાને કદીય એની ગર્લફ્રેન્ડને કે જૂના સંબંધો વિશે હલકી વાત નથી કરી. સલમાનને એના કાર એક્સિડંટનો કલ્પી ના શકાય એટલો અફસોસ છે. રજનીકાંત પાસે શીખીને હવે સોશ્યલ વર્ક કરે છે. થોડાં વર્ષ પહેલાં તારક મહેતા સિરિયલના અભિનેતા આઝાદ કવિ, એટલે કે ડો.હાથીભાઇને એક ઓપરેશન માટે મારા એક જ ફોન પછી સલમાને લાખો રૂપિયા આપેલાં. અજાણ્યાને મદદ કરી બેસે છે. અજાણ્યા પર પણ તરત ભરોસો કરી બેસે છે. એ રીતે જોતાં સલમાન અતિશય મતલબી અને પ્રાફેશનલ બનતી જતી ફિલ્મ લાઇનમાં મિસફીટ છે. સાવ અલગ છે.
એક વાર રોમાનિયામાં અમે એક જ રૂમમાં અઠવાડિયું સાથે રહ્યા ત્યારે ખબર પડી કે એને માત્ર ‘લાયન કિંગ’ જેવી કાર્ટૂન ફિલ્મો ગમે છે. મારા માટે રોમાનિયાના અજાણ્યા ગામમાં નોનવેજ જ મળે તો સલામાન આઉટ ઓફ ધ વે જઇને ,મારા માટે વેજિટેરિયન ખાવાનું મંગાવવા જહેમત કરતો.આવું કોઈ આટલો મોટો સ્ટાર શું કામ કરે ?
અમે જ્યારે મળીયે ત્યારે ‘કહીં પ્યાર ના હો જાયે’ ફિલમનો એક ડાયલોગ કે દોહો એકબીજાને અચૂક કહીયે છીએં અને હસીએ છીએ:
‘દુ:ખ મેં પીઓ દારુ , સુખ મેં પીઓ સૂપ
અમીર આદમી કી પાર્ટી મેં ગરીબ આદમી ચૂપ!’
આમ તો આ નોનસેંસ સાવ શેર છે, પણ અમને બેઉને એ નોનસેંસમાં પણ સેંસ દેખાય છે..
સલમાન સરસ ચિત્રો પણ કરે છે.. એબસ્ટ્રેક્ટ- એ પણ અમારી વચ્ચેનો કોમન ઇન્ટરેસ્ટ છે..સલમાન વિષે તો પુસ્તક લખાય એટલા અનુભવો છે. એ ફરી ક્યારેક. પણ મારી નજરે , સલમાન મોટો ન થયેલો બગડેલો બાળક છે અને એટલે જ એ ખૂબ મોટો માણસ છે.