મેટિની

ભારતમાં ટેલિવિઝનનું આગમન અને રંગીન ટેલિવિઝનના રંગીન ૪૧ વર્ષ

સાંપ્રત -રાજેશ યાજ્ઞિક

ટેલિવિઝનની શોધ જ્હોન એલ. બિલિયર્ડ દ્વારા ૧૯૨૦માં કરવામાં આવી હતી. ભારતે જાન્યુઆરી ૧૯૫૦ માં તેનો પહેલો પ્રાયોગિક ટીવી ડેમો યોજ્યો હતો, જ્યારે બી. શિવકુમારન, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ કેથોડ-રે ટ્યુબ અથવા સીઆરટી સ્ક્રીન પર સ્કેન કરેલા અક્ષરની છબી પ્રદર્શિત કરી હતી. જો કે, ઓક્ટોબર ૧૯૫૧ માં ભારતમાં ટેલિવિઝન નેટવર્કના વિકાસરૂપ જબલપુર એન્જિનિયરિંગ કોલેજમાં પ્રથમ ટીવી ટ્રાન્સમીટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું.

પરંતુ સત્તાવાર રીતે આ ટીવી ત્યારે ભારતમાં પહોંચ્યું જ્યારે ૧૫ સપ્ટેમ્બર, ૧૯૫૯ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે દિલ્હીમાં પ્રસારણ સેવા દૂરદર્શનનું ઉદ્ઘાટન કર્યું. જો કે, તે સમયે કોણે વિચાર્યું હતું કે ટેલિવિઝન લોકોના જીવનનો એક મહત્ત્વપૂર્ણ અથવા કહીએ કે અવિભાજ્ય હિસ્સો બની જશે. આજે અન્ન, વસ્ત્ર અને રહેઠાણની જેમ ટીવી લોકોની ચોથી જરૂરિયાત બની ગયું છે, જેના વિના જીવન મુશ્કેલ અને એકલવાયું લાગે છે.

શરૂઆતનાં વર્ષોમાં તેના પર માત્ર અડધા કલાકનું પ્રસારણ થતું હતું. તે સૌ પ્રથમ શાળા શિક્ષણ માટે શાળા ટેલિવિઝન તરીકે શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તેનું ૫૦૦ વોટનું ટ્રાન્સમીટર માત્ર દિલ્હીના ૨૫ કિલોમીટરના વિસ્તારમાં પ્રસારણ કરવામાં સક્ષમ હતું. ત્યારે સરકારે દિલ્હીના નિમ્ન અને મધ્યમ વર્ગના વિસ્તારોમાં ૨૧ સમુદાય કેન્દ્રો પર ટીવી સેટ મૂકીને તેના પ્રસારણ માટે વિશેષ વ્યવસ્થા કરી હતી. આવી સ્થિતિમાં દૂરદર્શન પાસેથી કોઈ મોટી અપેક્ષા કેવી રીતે રાખી શકાય?

જોકે, ૧૫ ઓગસ્ટ, ૧૯૬૫ના રોજ જ્યારે દૂરદર્શન પર નિયમિત એક કલાકનું હિન્દી ન્યૂઝ બુલેટિન શરૂ થયું, ત્યારે દૂરદર્શનમાં લોકોની રુચિ વધતી જણાઈ. આ પછી, ૨૬ જાન્યુઆરી, ૧૯૬૭ ના રોજ, ખેડૂતોને ખેતી વગેરે વિશે વિશેષ માહિતી આપવા માટે દૂરદર્શન પર ‘કૃષિ દર્શન’ નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. તેમ છતાં ટેલિવિઝન ભારતમાં માત્ર માહિતી અને શિક્ષણનું સાધન માત્ર હતું. તેને મનોરંજનનું સાધન બનવાનો મોકો હજુ મળ્યો નહોતો. આ પરિવર્તન ત્યારે આવ્યું જ્યારે ૧૯૭૨માં બોમ્બે (હવે મુંબઈ) અને અમૃતસર સુધી ટેલિવિઝન સેવાનો વિસ્તાર કરવામાં આવ્યો. તે વખતે ફિલ્મ આધારિત મનોરંજનની ટેલિવિઝન પર શરૂઆત થઇ હતી. ૧૯૭૫ સુધી માત્ર સાત ભારતીય શહેરોમાં ટેલિવિઝન સેવા હતી અને દૂરદર્શન દેશનું એકમાત્ર ટેલિવિઝન પ્રદાતા હતું. ઉપરાંત ટેલિવિઝન સેવાની પોતાની સ્વતંત્ર ઓળખાણ પણ નહોતી, કેમકે તે આકાશવાણી અથવા ઓલ ઇન્ડિયા રેડીઓનો એક હિસ્સો હતું.

૧ એપ્રિલ, ૧૯૭૬ના રોજ ટેલિવિઝન સેવાને રેડિયોથી અલગ કરવામાં આવી હતી. ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનને નવી દિલ્હીમાં અલગ ડિરેક્ટર-જનરલના સંચાલન હેઠળ મૂકવામાં આવ્યા હતા. આ સમગ્ર સમયે મધ્યમ વર્ગ કે નિમ્ન મધ્યમ વર્ગ માટે ટેલિવિઝન વસાવવું સ્વપ્નવત્ હતું. એ ધનવાન લોકોની વૈભશાળી જીવન શૈલી અને મોભાનું પ્રતીક હતું.

૧૯૮૨માં ટેલિવિઝનની દુનિયામાં એક મહત્ત્વપૂર્ણ વળાંક આવવાનો હતો. એ વર્ષે હજી સુધી વિકાસશીલ દેશોમાં પણ નીચલી પાયરીએ ગણાતા ભારતે પહેલીવાર આંતરરાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધા ‘એશિયાડ’નું આયોજન કર્યું. ભારતમાં રંગીન ટેલિવિઝન રજૂ કરવાનો નિર્ણય મુખ્યત્વે નવી દિલ્હીમાં યોજાયેલી ૯મી એશિયન ગેમ્સના પ્રદર્શનની જરૂરિયાતને કારણે લેવામાં આવ્યો હતો. દેશ દ્વારા આયોજિત પ્રથમ મોટી આંતરરાષ્ટ્રીય રમતગમત ઇવેન્ટ તરીકે, ભારતીય સત્તાવાળાઓ એ સુનિશ્ર્ચિત કરવા માગતા હતા કે ઇવેન્ટ ઉપલબ્ધ નવીનતમ તક્નિક સાથે પ્રસારિત કરવામાં આવે. રંગીન ટીવી પ્રસારણની શરૂઆત ભારત માટે વૈશ્ર્વિક પ્રેક્ષકો સમક્ષ પોતાને એક પ્રગતિશીલ રાષ્ટ્ર તરીકે રજૂ કરવાની એક શ્રેષ્ઠ તક સાબિત થઈ. જોકે, ટેલિવિઝન આપણે આયાત જ કરતા હતા.

આ સમય દરમિયાન, ટીવી હજુ પણ મોટા બોક્સ હતા, જેને હજુ પણ ‘ટેલિવિઝન સેટ’ તરીકે ઓળખવામાં આવતા હતા. કેથોડ રે ટ્યૂબ ટૅક્નોલોજીની મર્યાદાઓને લીધે, આ સેટને લિવિંગ રૂમમાં મોટી જગ્યાઓ અને સમર્પિત જગ્યાની જરૂર હતી. આજે તો ટેલિવિઝનની આખી દુનિયા બદલાઈ ગઈ છે. દેશમાં એલસીડી અને પ્લાઝમા ટીવીની રજૂઆત સાથે તે ચિત્ર બદલાઈ ગયું. અને પ્રથમ વખત, ભારતીયોને ફ્લેટ ટીવી જોવા મળ્યા, જેનાથી આપણે હવે એટલા ટેવાયેલા છીએ કે પેલા ‘ડબલાં’ ગમતા નથી. આ ફ્લેટસ્ક્રીન ટીવી-હવે વજન દ્વારા મર્યાદિત નથી-હવે દીવાલો પર માઉન્ટ કરી શકાય છે.

સમય સાથે લોકોની માથાદીઠ આવકમાં પણ ખાસ્સો વધારો થયો છે. અને હવે તો ઝૂંપડપટ્ટીમાં રહેતો ગરીબ પરિવાર પણ પોતાના ઘરમાં ટેલિવિઝન વસાવી શકે તેવી કિંમતે રંગીન ટીવીની શ્રેણીઓ ઉપલબ્ધ થઇ છે.

ભારતના પ્રસારણ ઇતિહાસમાં બ્લેક-એન્ડ-વ્હાઈટમાંથી રંગીન ટેલિવિઝનમાં પરિવર્તન એ એક સીમાચિહ્નરૂપ ક્ષણ હતી. તે માત્ર લાખો લોકો માટે જોવાના અનુભવમાં જ ક્રાંતિ લાવી નથી, પરંતુ દેશના મનોરંજન ઉદ્યોગને આકાર આપવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આજે, ડિજિટલ ટૅક્નોલૉજી, હાઇ-ડેફિનેશન બ્રોડકાસ્ટિંગ અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મના આગમન સાથે ભારતમાં ટેલિવિઝન લેન્ડસ્કેપમાં વધુ એક મોટું પરિવર્તન આવ્યું છે. તેમ છતાં, ૧૯૮૨માં રંગીન ટીવીની રજૂઆત એ એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે ભારતની તક્નિકી પ્રગતિને સ્વીકારવા અને પ્રગતિ તરફ તેની સતત સફરનો પુરાવો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?