મેટિની

બોલિવૂડ વર્સિસ ટોલિવૂડ ને હોલિવૂડ

સ્ટાર-યાર-કલાકાર -સંજય છેલ

કમલ હસન, રજનીકાંત, પ્રિયંકા ચોપડા બોલિવૂડના ખરેખર ખરાબ દિવસો ચાલી રહ્યા છે. વરસો અગાઉ દૂરદર્શનનું આગમન પછી વીડિયો કેસેટ-કેબલ ટીવી-સી.ડી. ડિવિડીની પાયરેસી-નકલ, વગરે અનેક આક્રમણો બોલીવૂડ પર અનેક વાર થયે રાખ્યા છે, પણ આટલી ખરાબ રીતે અપમાન કે અવહેલના ક્યારેય નથી થઇ. આજે સૌએ બોલિવૂડનું ઉઠમણું જ કરવાનું બાકી રાખ્યું છે. પુષ્પા 1-2'ની સફળતા હોય કેબાહુબલી’નો દબદબો હોય કે પછી હોલીવૂડની બેટમેન માર્વેલ જેવી ફ્રેંચાઇઝની સિક્વલો હોય, ભારતીય મીડિયાને સાશિયલ મીડિયા, કાયમ બોલિવૂડને લતાડી લતાડીને જ મજા લે છે. મરાઠી નાટક જાન ચાલી લંડન!'માં મહારાષ્ટ્રના નાનકડા ગામનો એક છોકરો, લંડનની અંગ્રેજ ગોરી પ્રેમમાં પડીને પરણવા જાનમાં આખા ગામને લંડન લઈ જાય છે. છોકરાનાં સગાંવહાલાંઓ, જે ક્યારેય પોતાના ગામની બહાર પણ નથી નીકળ્યા એ બધા ડાયરેક્ટ, લંડન ફ્લાઇટ પકડવા ગામડેથી મુંબઈ પહોંચે છે ને ત્યાં એક વિશાળ ઇમારતને જોઇને સૌ હેબતાઇ જાય છે. એક ગામડિયો અચંબા સાથે સતત એટલું જ બોલે રાખે છે,હં…શીટી! શીટી રે શીટી!’ આ શીટી' એટલે કે સિટી શહેર! પેલો જ્યાં ત્યાં બસ, ટેક્સી, ટ્રાફિકને જોઈને બોલ્યાં જ કરે છે,ઓહ, શીટી!’. એ ભોળા ગામડિયાઓ પર હસવું કે રડવું? આપણું ય એવું જ છે. બાળગોપાળના મુખમાં બ્રહ્માંડને જોઈને યશોદામાતા જે રીતે હેબતાઈ ગયેલાં એમ હોલિવૂડની ફિલ્મો કેટલી મહાન છે અને આપણે કેવા મૂર્ખ, તુચ્છ, અબૂધ કે ગરીબ છીએ એવા અપરાધભાવથી છેલ્લાં 100 વરસથી પીડાઇ રહ્યાં છીએ. હોલિવૂડમાં પણ 95 % ફિલ્મો ફ્લોપ, નબળી જાય છે. પણ હોલિવૂડના માર્કેટિગ ઉસ્તાદો જાણે છે કે ચકચકિત પોસ્ટર્સ બૂકલેટ્સ અને વેબસાઈટસને ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, કોરિયા, તાઈવાન, આફ્રિકાનાં મીડિયાવાળા ચપચપ ચાટી જશે. એક માર્કેટિગ હાઈપ, એક બજા ઉત્સાહ લોકો ઊભો કરી શકે છે. પશ્ચિમાં જે ફિલ્મો વધુ ન ચાલી હોય એ ફિલ્મોને હોલિવૂડવાળાં ભારત, બાંગલાદેશ કે મલેશિયા જેવા ત્રીજા વિશ્વ સુધી પહોંચાડવા ખૂબ ખર્ચે લોબિંગ કરીને એને ઓસ્કાર એવોર્ડ પણ અપાવે છે, જેથી એ નાની નિષ્ફળ ફિલ્મો જગતના નાના ને છાના ખૂણે ચાલે ને કરોડો ડૉલરની કમાણીથી ફિલ્મનો ખર્ચ નીકળે. (ઓફકોર્સ, આમાં હોલીવૂડની મહાન ફિલ્મોની વાત નથી થતી.)

હોલિવૂડ સાથોસાથે હવે તો ટોલિવૂડ એટલે કે તેલુગુ, તેમ જ તમિલ મલયાલમ ફિલ્મોમાંય બધું સાં સાં જ હોય છે ને ત્યાં તો બધી ફિલ્મો હિટ અને અદ્ભુત જ હોય છે એમ અચાનક સૌને લાગવા માંડ્યું છે. જાણે ત્યાં દર વરસે બનેલી બધી જ ફિલ્મો સફળ ના જતી હોય! જાણે દરેક મલયાલમ સિનેમામાં કળારસનું પૂર ના આવતું હોય! જરા વિચારો, અત્યારની હિટ ફિલ્મ, પુષ્પા'નો દાઢીવાળો લઘરવઘર વિચિત્ર હીરો, શું હિંદી ફિલ્મોમાં સ્વીકારાત? રજનીકાંત, કમલ હાસન કે મોહનલાલ પણ અહીં ચાલ્યા નથી તો આજનાં સાઉથનાં હીરો શું શાહરુખ સલમાનની જેમ 20 વરસ ચાલશે? વળી હીરોની લાતથી હવામાં ઉડતા ફાઇટરો કે ઉટપટાંગ ડાન્સ કરતી છોકરીઓની ચાલુ સ્ટાઇલ્સ આપણે ત્યાં સાઉથથી આવી છે એ સૌ આસાનીથી ભૂલી જાય છે! વાંક બોલીવૂડનાં હીરો અને નિર્માતાનો છે કે ત્યાંની સફળતાની રેડીમેડ કોપી કરે છે. કોઇને રિસ્ક નથી લેવું, જોયેલી ચાલેલી ફિલ્મની રિ-મેક ફિલ્મ બનાવવી છે, પણ એમાંને એમાં ઓરિજિનલ સાઉથની ફિલ્મો લોકોને ગમવા માંડી. વળી બોલિવૂડવાળાઓએ ઉચ્ચ મધ્યમવર્ગ અને એન.આર.આઇ ઓડિયન્સ માટે એકસરખી પોશ ફિલ્મો બનાવીને, મોંઘા મલ્ટિપ્લેક્સની ટિકિટો દ્વારા આમ જનતાને થિએટરથી દૂર કરી નાખી છે. એ લોકો સાઉથની ડબ મસાલા ફિલ્મો માણવા લાગ્યા છે. માન્યું કે વરસોથી બોલિવૂડમાં સાઉથની ફિલ્મમાંથી રિ-મેક થાય છે. દાયકાઓથી દિલીપકુમાર કે જિતેન્દ્રના સમયથી ચાલે રાખે છે, પણ વરસમાં કેટલી ફિલ્મો સાઉથમાંથી રિ-મેક થાય છે અને એમાંથી કેટલી ચાલે છે? કોઇએ એ વાતનો અભ્યાસ કર્યો છે કે કેટલી હિંદી ફિલ્મોમાંથી સાઉથમાં ફિલ્મો બની છે? કોઇને ખબર છે કે અમિતાભનીડોન’ કે દિલીપકુમારની દેવદાસ' કે રાજેશ ખન્નાનીઅવતાર’ જેવી અનેક ફિલ્મો સાઉથમાં ફરીથી બની છે? હિંદીનાં કેટલાં ગીતો સાઉથમાં એમનાં એમ ડબ થયાં છે? એક તરફ વિદેશની સફેદ ચામડીની ગુલામી આપણે ત્યાં એટલી હદ સુધી તન-મનમાં ઘૂસી ગઈ છે કે હોલિવૂડની સી-ગ્રેડની ફિલ્મ કે બ્રોડવેનું રેઢિયાળ નાટક આપણા લેખકો-વિવેચકો માટે `મહાન’ રચના છે.

Also read: શો-શરાબા : હેપ્પી હાઈલાઈટ્સ 2024 વર્ષ આખાની મસ્તમજાની મેમરેબલ મોમેન્ટ્સ!

સાવ કમર્શિયલ બેટમેનસુપરમેન જેવી ફિલ્મ વિશે પણ અંગ્રેજી ફિલ્મમાં વિવેચકો મીડિયામાં વખાણનાં ઢગલે ઢગલાં કરે છે. જેમ્સ કેમેરોને પટકથાની ગૂંથણી સુંદર રીતે કરી છે',સ્ટીવન સ્પીલબર્ગનો સદાબહાર જાદુ દર્શકોને ઘાયલ કરે છે’ કે પછી ક્યારે કોઈ ભારતીય નિર્દેશક આવી ફિલ્મ બનાવશે?'- જેવી ફરિયાદોના અનેક સ્ટાન્ડર્ડ લેખ વરસોથી વાંચવા મળે છે. આવું બધું બેફામ લખનારાઓને ખબર નથી કે ભારતના એક નાના રાજ્યનુંપશુપાલન ખાતા’નું જેટલું વાર્ષિક બજેટ હોય છે એટલાની તો હોલીવૂડમાં એક મોટી ફિલ્મ બને છે! વળી હોલિવૂડની ફિલ્મો આખી દુનિયાની માર્કેટમાં ચાલે છે. હિંદી ફિલ્મો માત્ર ઉત્તર ભારત અને વિદેશનાં અમુક થિયેટર સુધી જ પહોંચે છે. એ જ રીતે આપણે સાઉથની ડબ ફિલ્મો સ્વીકારીએ છીએ પણ ત્યાંના લોકો હિંદી ભાષાની ફિલ્મો હજુ ભાગ્યે જ અપનાવે છે. દૂરના ઢોલ સોહમણા લાગે એમ ત્યાંની પોલ આપણાં સુધી પહોંચતી નથી! ત્રણેક વરસ પહેલાં પેરેસાઇટ' જેવી સાવ નાનકડા દેશની કોરિઅન ફિલ્મ ઓસ્કાર એવોર્ડ જીતી ગઇ ત્યારે વિચાર આવેલો કે બોલિવૂડવાળાં આવું કેમ નથી કરી શકતાં? એ એટલા માટે કે કોરિયન લોકો હોલિવૂડની સાથે સ્પર્ધા નથી કરતાં, પણ એમને જે ગમે એ બનાવે છે, પોતાની ઓળખથી શરમિંદા થઇને અનુકરણ નથી કરતા! અહીં મામલો બોલિવૂડનાં જૂઠા આત્મસન્માનનો નથી, પણપ્રવાહ’ સાથે `વાહવાહ’ કરીને વધુ પડતા વખાણમાં વહી જવાની વેવલાઇની વાત છે. આજે ઇંટરનેટ, ઓ.ટીટી.ના જમાનામાંયે કાશ્મીરથી ક્નયાકુમારી સુધી અમિતાભ કે સલમાન જ ઓળખાય છે. રજનીકાંતનો જાપાનમાંનો ક્રેઝ બાદ કરી તો આજેય વિશ્વભરમાં શાહખ ખાન, રાજ કપૂર કે પ્રિયંકા ચોપરા જ ભારતના કલાકાર તરીકેની ઓળખ છે…!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button