80 વર્ષના પિતાને એકલા કોર્ટમાં જવા દઈશ નહીં: સુપ્રિયા સુળે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપીમાં ભંગાણ પડ્યું અને ભાગલા પડીને શરદ પવાર જૂથ તેમ જ અજિત પવાર જૂથમાં પક્ષની માલિકી પરથી વિવાદ થયો છે અને કેન્દ્રીય ચૂંટણી પંચ તેમ જ સુપ્રીમ કોર્ટમાં આની સુનાવણી ચાલી રહી છે. આ બધામાં શરદ પવાર જૂથના સંસદસભ્ય સુપ્રિયા સુળેએ જણાવ્યું છે કે તેમના 80 વર્ષના પિતાને કોર્ટમાં એકલા જવા દેશે નહીં.
સોમવારે એક સભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે બધા લોકોને જવાબદારીઓ હોય છે. માણસ બધું કરી શકતા નથી.
બાળકો, પતિ, કુટુંબ બધા માટે ઓક્ટોબર સુધી સમય જ નથી. મતદારસંઘ જોવાનો કે પછી પક્ષનાં કામ પર ધ્યાન આપવાનું કે પછી કોર્ટમાં ચાલી રહેલા ખટલાઓ પર ધ્યાન આપવાનું. શરદ પવાર પોતે આ કામ માટે જઈ રહ્યા છે. લોકોની નહીં, પરંતુ પોતાના મનની ચિંતા છે. મારા 80 વર્ષના પિતાને કોર્ટમાં હું એકલા જવા દઈશ નહીં.
મતદારસંઘ માટે જે સમય મારે ફાળવવાનો હોય છે તેમાંથી અડધો સમય તો મારો કોર્ટમાં ખટલા લડવામાં વેડફાઈ રહ્યો છે. પહેલી વખત સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ. હારેંગે યા જીતેંગે, બાદમેં દેખેંગે પર લડેંગે જરૂર. (હારશું કે જીતીશું તે પછી જોઈશું પરંતુ લડીશું તો ચોક્કસ) એમ સુપ્રિયા સુળેએ કહ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે આપણે ત્યાં કહેવાય છે કે કોર્ટનાં પગથિયાં ચડવા નહીં, પરંતુ અમે ચડ્યા છીએ. હવે એક વખત કોર્ટનાં પગથિયાં ચડ્યા બાદ ઉતરવાનું નથી.