
મુંબઈ: 23 વર્ષની મહિલાનું કારમાં અપહરણ કર્યા બાદ તેના પર બળાત્કાર ગુજારીને તેને રસ્તાને કિનારે ફેંકી દેવામાં આવી હોવાની હિચકારી ઘટના પુણે જિલ્લાના લોનાવલા ખાતે બની હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
લોકપ્રિય પર્યટક સ્થળ લોનાવલાના માવળ વિસ્તારમાં તુંગાર્લી ખાતે શુક્રવારે મોડી રાતે બનેલી આ ઘટના બાદ લોનાવલા શહેર પોલીસે ગુનો નોંધીને તુંગાર્લી વિસ્તારમાં રહેનારા 35 વર્ષના શખસની ધરપકડ કરી હતી.
આપણ વાંચો: ભાજપના પ્રધાનના નિકટવર્તી પ્રફુલ લોઢા વિરુદ્ધ પુણેમાં પણ બળાત્કારનો ગુનો નોંધાયો
મહિલાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તે આ જ વિસ્તારમાં રહે છે અને શુક્રવારે રાતે તે પગપાળા ઘરે જઇ રહી હતી. એ સમયે કાર તેની નજીક આવીને થોભી ગઇ હતી અને કારમાં હાજર શખસોએ જબરજસ્તી તેને અંદર ખેંચી હતી.
કારમાં મહિલાનું અપહરણ કર્યા બાદ આરોપી તેને નિર્જન સ્થળે લઇ ગયો હતો, જ્યાં મહિલા પર કારમાં બળાત્કાર ગુજારાયો હતો.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મહિલાને તુંગાર્લીમાં અલગ અલગ સ્થળે લઇ જવાઇ હતી અને ફરી બળાત્કાર ગુજાર્યા બાદ શનિવારે વહેલી સવારે તેને રસ્તાને કિનારે ફેંકી દેવાઇ હતી. મહિલા ત્યાર બાદ લોનાવલા શહેર પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી અને પોલીસને તમામ હકીકત જણાવ્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.
આપણ વાંચો: ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાદ લગ્નની લાલચે મહિલા પર કર્યો બળાત્કાર: યુવકની ધરપકડ
મહિલાની ફરિયાદને આધારે પોલીસે બળાત્કાર અને અપહરણનો ગુનો દાખલ કરીને આરોપીને તાબામાં લીધો હતો. પોલીસ મહિલાના દાવાની ચકાસણી કરી રહી છે.
મહિલાએ દાવો કર્યો હતો કે ત્રણ અજાણ્યા શખસોએ કારમાં તેનું અપહરણ કર્યું હતું અને બાદમાં બળાત્કાર ગુજાર્યો હતો. જોકે તપાસ દરમિયાન કારમાં એક જ શખસ હાજર હોવાનું અને મહિલાને તે ઓળખતો હોવાનું જાણવા મળ્યું હતું. (પીટીઆઇ)