સાસુ સાથે ઝઘડો થયા બાદ મહિલાએે માસૂમ દીકરાને પાણીની ટાંકીમાં ડુબાડી મારી નાખ્યો

થાણે: થાણે જિલ્લામાં દીકરાના સ્વાસ્થ્યને લઇ સાસુ સાથે ઝઘડો થયા બાદ મહિલાએ એક વર્ષના દીકરાને પાણીની ટાંકીમાં ડુબાડીને મારી નાખ્યો હતો.
શહાપુર તાલુકાના વાશિંદ નજીક આવેલા કસાને ગામમાં બુધવારે આ કમકમાટીભરી ઘટના બની હતી. પડઘા પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી હતી.
મહિલાના લગ્ન 2022માં થયાં હતાં અને તેનો પતિ નજીકના ગોદામમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો: પિતાએ સોડિયમ નાઈટ્રેટ ભેળવેલું પીણું પીવડાવી પુત્રને મારી નાખ્યો
ગયા વર્ષે દંપતીનો પુત્ર જન્મજાત બીમારી સાથે થયો હતો અને તે મુંબઈની વાડિયા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો.
બાળકની સંભાળ અને સુખાકારીને લઇ મહિલા અને તેની સાસુ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. બાળકના સ્વાસ્થ્યને લઇ ચિંતિત તેની દાદીએ મંગળવારે પૌત્રને લઇ ટિટલાવા તેની પુત્રીના ઘરે જવાનું નક્કી કર્યું હતું.
જોકે પૌત્રને ત્યાં તાવ આવતાં દાદી તેને મંગળવારે રાતે પાછી કસાને ગામ લઇ આવી હતી. બાદમાં બાળકના સ્વાસ્થ્યને લઇ તેની માતા અને દાદી વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો.
બાળકના પિતાએ મધ્યસ્થી કરીને બંનેને શાંત કર્યા હતા અને બાદમાં તે રાતે કામે જતો રહ્યો હતો. બુધવારે સવારે તે ઘરે પાછો ફર્યો અને સૂતા પહેલા પુત્ર સાથે રમ્યો હતો.
આ પણ વાંચો: પોલીસ આ રીતે મારે છે એમ કહીને નશામાં મિત્રોએ પોતાના એક મિત્રને મારી નાખ્યો…
એ સમય દરમિયાન બાળકની માતાએ તેને પહેલાં માળે પાણીની ટાંકીમાં ડુબાડીને મારી નાખ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
દરમિયાન પુત્ર ઘરમાં નજરે ન પડતાં પિતાએ પરિવારજનો અને મિત્રો સાથે મળી તેની શોધ આદરી હતી. એ દરમિયાન બાળકની માતાએ પોલીસનો સંપર્ક સાધીને મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. પતિને શંકા જતાં તેણે પત્નીની પૂછપરછ કરી હતી, જેમાં તેણે ગુનાની કબૂલાત કરી હતી. આથી તેણે પડઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે બાળકના મૃતદેહને ટાંકીમાંથી બહાર કાઢ્યો હતો અને બાદમાં પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યો હતો. પોલીસે આ પ્રકરણે બાળકની માતા વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી, એમ પોલીસ ઇન્સ્પેક્ટર બાળા કુંભારે જણાવ્યું હતું.
(પીટીઆઇ)