માતાને વીડિયો કૉલ કરી પતિના ત્રાસ વિશે જાણ કર્યા બાદ મહિલાએ ગળાફાંસો ખાધો

નાગપુર: નાગપુર શહેરમાં માતાને વીડિયો કૉલ કરી પતિ દ્વારા અપાતા ત્રાસ તથા દુર્વ્યવહાર વિશે જાણ કર્યા બાદ 24 વર્ષની મહિલાએ આત્મહત્યા કરી હતી.
24 જાન્યુઆરીએ આ ઘટના બની હતી અને પત્નીને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ પોલીસે પતિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
બડાગંજ વિસ્તારમાં રહેતી મહિલાનાં લગ્ન 7 જૂન, 2024ના રોજ થયાં હતાં. લગ્ન બાદ પતિ દ્વારા તેની સાથે દુર્વ્યવહાર અને ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પત્નીને તેનાં માતા-પિતા સાથે વાતચીત કરવાની પણ મનાઇ કરવામાં આવી હતી.
લકડગંજ પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે 24 જાન્યુઆરીએ સવારે 10.45 વાગ્યાની આસપાસ મહિલાએ પારડી વિસ્તારના જય દુર્ગા નગરમાં રહેતી તેની બાવન વર્ષની માતાને વીડિયો કૉલ કર્યો હતો અને પતિ દ્વારા અપાતા ત્રાસ વિશે જણાવ્યું હતું.
આ પણ વાંચો : નાગપુર-ગોવા પ્રસ્તાવિત શક્તિપીઠ એક્સપ્રેસવેનો લાતુરના ખેડૂતોનો વિરોધ
વાતચીત દરમિયાન માતાએ તેને આશ્ર્વાસન આપવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન રાતના 11 વાગ્યે મહિલાએ ઘરમાં પંખા સાથે રસ્સી બાંધીને ગળાફાંસો ખાધો હતો.
મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા બાદ પોલીસે આ પ્રકરણે પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ આદરી હતી. (પીટીઆઇ)