શું શરદચંદ્ર પવારની NCP ફરી Congressમાં વિલિન થશે?
પુણેઃ ભારતના વરિષ્ઠ રાજકારણી શરદ પવારનો પક્ષ એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) હાલમાં સંકટનો સામનો કરી રહ્યો છે. તેમના પક્ષનું નામ અને ચિહ્ન બળવો કરી અલગ પક્ષ રચનાર ભત્રીજા અજિત પવારને મળ્યું છે. શરદ પવારે પોતાના નામ સાથે એનસીપીનું નામ જોડી પક્ષને નવું નામ તો આપ્યું છે, પણ પક્ષનું જોર ઘટ્યું છે તે વાત નક્કી છે. જ્યારે બીજી બાજુ રાષ્ટ્ર અને મહારાષ્ટ્ર સ્તરે કૉંગ્રેસ નબળી પડી રહી છે.
મહારાષ્ટ્રમાં એક જ મહિનામાં તેમના ત્રણ નેતા પક્ષ છોડી ચાલ્યા ગયા છે અને આ વણઝાર દેશભરમાં ચાલુ જ છે. I.N.D.I.A. ગઠબંધનના પક્ષો સાથે પણ કંઈ સમુસૂતરું નથી.
આથી બન્ને પક્ષ એકબીજાની તાકાત બની શકે તેમ છે, તેવી શક્યતાઓ વચ્ચે શરદ પવારે પુણે ખાતે એક બેઠક યોજી હતી અને જેમાં વિધાનસભ્યો અને પક્ષના નેતા સામેલ હતા. આ બેઠકમાં ફરી કૉંગ્રેસમાં વિલિન થવું કે નહીં તે બાબતે ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
પક્ષના નેતા મંગળદાસ બાંદલેએ આ અંગે અગાઉ જણાવ્યું કે ફરી એનસીપીએ કૉંગ્રેસમાં વિલિન થવું કે નહીં તે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય છે. આ અંગે યોગ્ય નિર્ણય ટૂંક સમયમાં લેવાશે, તેમ કહી તેમણે અટકળો વહેતી કરી હતી. જોકે પુણે ખાતે બેઠક બાદ એનસીપીના નેતા પ્રશાંત જગતાપે આ વાતને પાયાવિહોણી ગણાવી હતી અને પવાર સાહેબના દમ પર જ એનસીપી કામ કરશે તેમ તેમણે જણાવ્યું હતું.
લોકસભા અને તે બાદ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આ વર્ષમાં જ છે. બન્ને પક્ષ સાથે શિવસેના પણ જોડાયેલી છે, પરંતુ તેમાં પણ ભંગાણ થયું છે. આથી એક સમયે કૉંગ્રેસમાંથી બહાર નીકળી પોતાનો પક્ષ ઊભો કરનાર શરદ પવાર ફરી એક થવાનું વિચારે છે કે કેમ તે આવનાર સમય જ બતાવશે.
આવતીકાલે અજિત પવારના જૂથના વિધાનસભ્યો પાત્ર છે કે અપાત્ર તેનો નિર્ણય છે, પણ શિવસેનાની જે આ નિર્ણય પણ અજિત પવારના પક્ષમાં આવશે તેમ કહેવાય રહ્યું છે. આથી હવે ભત્રીજાના વાર બાદ કાકાનો શું દાવ હશે તે જોવાનું રહેશે.