…તો ધારાવીનું રિડેવલપમેન્ટ અટકાવી દઇશું: ઉદ્ધવ ઠાકરેએ આપી ચેતવણી
મુંબઈ: શહેરના સૌથી મોટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ(પુનર્વિકાસ પ્રકલ્પ) મનાતા ધારાવી રિડેવલપેમન્ટ પ્રોજેક્ટ સામે હવે શિવસેના(ઉદ્ધવ બાળાસાહેબ)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વાંધો ઉઠાવ્યો છે અને સત્તામાં આવશે તો અદાણીને સોંપાયેલો આ પ્રોજેક્ટ રદ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
પત્રકાર પરિષદને સંબોધતા વખતે ઉદ્ધવ ઠાકરેએ અદાણી સામે પોતાનો વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો અમે મહારાષ્ટ્રમાં સત્તામાં આવીશું તો અદાણીની ફર્મને આપવામાં આવેલા ધારાવી ઝૂંપડપટ્ટીના રિડેવલપેન્ટ પ્રોજેક્ટના ટેન્ડરને રદ્દ કરીશું. આ સિવાય અમે ધારાવીના રહેવાસીઓ અને તેમાં ચાલતા વેપાર-ધંધા બંધ ન થાય તેની ખાતરી કરીશું.
ઉદ્ધવે કહ્યું હતું કે ધારાવીના રહેવાસીઓને એ જ વિસ્તારમાં 500 સ્ક્વેર ફૂટના ઘરો આપવા જોઇએ. અમે મુંબઈ સિટીને અદાણી સિટી બનવા નહીં દઇએ.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપનો ખાસ પ્લાન
ઉદ્ધવે અદાણી ગ્રુપને વધારાની છૂટછાટ આપવામાં આવી હોવાનો આરોપ પણ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે કોઇ વધારાની છૂટછાટ નહીં આપીએ. ધારાવીના રહેવાસીઓના હિતમાં શું છે તે અમે ધ્યાનમાં રાખીશું અને જો જરૂર પડશે તો નવેસરથી ટેન્ડર બહાર પાડીશું.
ચૂંટણીને ધ્યાનમાં રાખી યોજનાઓની લ્હાણી
બજેટમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવી તેના પર નિશાન સાધતા ઉદ્ધવે કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે યોજનાઓનો જાણે વરસાદ વરસાવ્યો છે. સરકારે લાડકી બહેન, લાડકા ભાઇ જ નહીં, લાડકા મિત્ર, લાડકા કોન્ટ્રેક્ટર, લાડકા ઉદ્યોગપતિ એવી યોજના પણ બહાર પાડી છે.