છગન ભુજબળ કૉંગ્રેસની પડખે ચડશે?
જાતિ આધારિત વસતી ગણતરીની માગણી કરી, ઓબીસી સમુદાયોને એકઠા કરવા પર ધ્યાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના પ્રધાન મંડળમાં સ્થાન ન મળવાથી નારાજ છગન ભુજબળ હવે ઓબીસી સમાજના મેળાવડાઓ આયોજિત કરીને પોતાની તાકાત વધારી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે, આ બધાની વચ્ચે તેમણે કૉંગ્રેસની જાતિ આધારિત વસતી ગણતરીની માગણીનો પુનરોચ્ચાર કરતાં રાજ્યના રાજકીય વાતાવરણમાં ખળભળાટ ફેલાયો છે. શું તેઓ એનસીપી અને ભાજપથી નિરાશ થઈને કૉંગ્રેસને પડખે ચડવા માગે છે એવા પ્રશ્ર્નો થઈ રહ્યા છે. તેમણે પોતાની મહાત્મા ફૂલે સમતા પરિષદના બેનર હેઠળ વિવિધ સામાજિક સંગઠનો દ્વારા આક્રમક રીતે ઓબીસીને એકત્ર કરવાનું શરૂ કર્યું છે. રવિવારે માળી સમુદાયના યુવાનોના એક મેળાવડામાં ભુજબળે નારાજી વ્યક્ત કરી હતી કે ઓબીસીની લડાયક ભાવના ઘટી ગઈ છે અને તેમણે દેશવ્યાપી જાતિ આધારિત વસતી ગણતરી કરાવવાની અથવા ભારત સરકાર પાસેથી એવી જાહેરાત કરવાની માગણી કરી હતી કે ઓબીસી ભારતની વસ્તીના 51 ટકા છે.
ભુજબળને પ્રધાન મંડળમાંથી બાકાત રાખવામાં આવ્યા પછી છેલ્લા એક મહિનામાં ઘણી વખત પોતાની નારાજગી વ્યક્ત કરી છે. હવે તેઓ પોતાની શક્તિઓ તેમના જાતિના ભાઈઓને એકત્ર કરવા પર કેન્દ્રિત કરી રહ્યા છે. રવિવારે ભુજબળે બુલઢાણા જિલ્લાના શેગાંવ ખાતે માળી સમુદાયના મેળાવડામાં હાજરી આપી હતી અને પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. ‘ઓબીસી સમાજને ઘણો અન્યાય થઈ રહ્યો છે,’ એમ તેમણે કહ્યું હતું. ‘મને પણ ઘણો અન્યાય થયો છે.
Also read: છગન ભુજબળે શરદ પવાર અંગે કરેલા ઘટસ્ફોટથી ખળભળાટ
પરંતુ હું ઓબીસી માટે લડું છું. હું મરાઠા સમુદાયને ઓબીસી શ્રેણીમાં સમાવવાનો વિરોધ કરું છું. હું 2016થી જાતિ આધારિત વસતી ગણતરીની માગણી કરી રહ્યો છું. કાં તો તે કરો અથવા જાહેર કરી નાખો કે ઓબીસી ભારતની વસ્તીના 51 ટકા છે,’ એમ ભુજબળે કહ્યું હતું. ભુજબળે ઉમેર્યું હતું કે, અન્ય રાજ્યોમાં આર્થિક માપદંડ (ઈડબ્લ્યુએસ) પર આધારિત ક્વોટા રજૂ થયા પછી કેટલીક જાતિઓ દ્વારા ઓબીસી અનામતની માગણી માટેના દેખાવોનો અંત આવ્યો હતો, પરંતુ મહારાષ્ટ્રમાં આવું થયું નહીં, એમ તેમણે કહ્યું હતું. ઓબીસી ક્વોટામાં સમાવવાની માગણી અહીં પણ ચાલુ છે, જાલનાનો તે માણસ (મનોજ જરાંગે-પાટીલ) સાંભળવા તૈયાર નથી. તેમને કોણ સમજાવશે કે ફક્ત અનામતથી નોકરીઓ સુનિશ્ર્ચિત થતી નથી?’ મરાઠાઓને ઈડબ્લ્યુએસ અનામતથી સંતુષ્ટ થવાની જરૂર હોવાનું જણાવતાં ભુજબળે પુનરોચ્ચાર કર્યો હતો કે તેઓ મરાઠા સમુદાય માટે અનામતની વિરુદ્ધ નથી, ફક્ત તેને ઓબીસી ક્વોટામાં સમાવવાની વિરુદ્ધ છે.