ઓપરેશન સિંદૂરમાં કેમ બીજા દેશોની નજર છે ‘આકાશતીર’ પર?

નાગપુર: સ્વદેશમાં વિકસાવવામાં આવેલી ‘આકાશતીર’ હવાઈ સંરક્ષણ સિસ્ટમને ઓપરેશન સિંદૂર દરમિયાન મળેલી સફળતાને પગલે અન્ય દેશોને પણ એમાં રસ પડશે એવો ભારતના ટોચના સંરક્ષણ વૈજ્ઞાનિકને વિશ્વાસ છે.
સંપૂર્ણપણે સ્વચાલિત એર ડિફેન્સ કંટ્રોલ અને રિપોર્ટિંગ સિસ્ટમ ‘આકાશતીર’ પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં નવ આતંકવાદી સ્થળ પર ત્રાટકવા શરૂ કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર દરમિયાન નવી યુદ્ધ ક્ષમતાઓની અદૃશ્ય શક્તિ તરીકે ઉભરી આવી હતી.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ના અધ્યક્ષ સમીર વી કામતે ગુરુવારે સાંજે પીટીઆઈને જણાવ્યું હતું કે ‘એમાં કોઈ શક નથી કે આપણી એર ડિફેન્સ સિસ્ટમે લાજવાબ કામગીરી કરી છે. મને ખાતરી છે કે અન્ય દેશોને આપણી સિસ્ટમનું આકર્ષણ થશે.’
આપણ વાંચો: ભૂતકાળના અનુભવ પછી રાજ ઠાકરે તેલ જોશે તેલની ધાર જોશે…
કામતે નાગપુરની મુલાકાત દરમિયાન ભારતની ડિફેન્સ ટેકનોલોજીના ભવિષ્ય અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો. નાગપુરમાં તેમણે ડ્રોન, મિસાઇલો અને રોકેટના ઉત્પાદન કેન્દ્રોની મુલાકાત લીધી હતી.
‘આકાશતીર’ સિસ્ટમ વિવિધ રડાર સિસ્ટમ્સ, સેન્સર્સ અને કમ્યુનિકેશન ટેકનોલોજીને એક જ, મોબાઇલ, વાહન-આધારિત માળખામાં સંકલિત કરીને દુશ્મનના વિમાનો, ડ્રોન અને મિસાઇલોની શોધ, ટ્રેકિંગ અને જોડાણને સક્ષમ બનાવે છે, જેનાથી પ્રતિકૂળ વાતાવરણમાં તેનું સંચાલન કરવાનું સરળ બને છે. (પીટીઆઈ)