રાજ્યસભામાં વક્ફ બિલ પર મતદાન વખતે શરદ પવારનું શું? હાજર રહેશે કે નહીં?

(અમારા પ્રતિનિધિ તરફથી)
એનસીપી (એસપી)ના શરદ પવાર રાજ્યસભામાં વક્ફ સુધારા બિલ પર મતદાનમાં ગેરહાજર રહેશે. શરદ પવારની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શરદ પવાર ગુરુવારે મુંબઈમાં છે. શરદ પવાર શુક્રવારે (ચાર એપ્રિલ) દિલ્હી જવા રવાના થશે. શરદ પવાર હાલમાં રાજ્યસભાના સભ્ય છે, તેમનો કાર્યકાળ 2026 માં પૂરો થશે.
વક્ફ બિલ પર શરદ પવારની પાર્ટીનું શું વલણ?

શરદ પવારની પાર્ટીએ વક્ફ બિલ પર પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. બુધવારે, તેમના પક્ષના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે સરકાર સંઘર્ષ પેદા કરવાના ઈરાદાથી આ બિલ લાવી રહી છે. તેમણે કહ્યું હતું કે વકફની જમીન કોઈ એક મુસ્લિમની નથી, પરંતુ એક સંસ્થાની છે અને આ પરંપરા લાંબા સમયથી ચાલી આવી રહી છે.
સુપ્રિયા સુળેએ શું કહ્યું?

આ પહેલા 1 એપ્રિલના રોજ શરદ પવારની પુત્રી અને બારામતીના સાંસદ સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે, ‘આ અધિકારોનો પ્રશ્ર્ન છે. મજબૂત લોકશાહીમાં, દેશ કોઈની ઈચ્છા મુજબ ચાલતો નથી. દેશ આપણા બંધારણ મુજબ ચાલે છે.”
અજિત પવારની પાર્ટીનું શું વલણ?

શરદ પવારના ભત્રીજા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનો પક્ષ વક્ફ સુધારા બિલ પર સરકારની સાથે છે. અજિત પવાર એનડીએનો ભાગ છે. ગુરુવારે, પ્રફુલ્લ પટેલે રાજ્યસભામાં કહ્યું હતું કે જો કોઈને સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા કાયદાઓથી દુ:ખ થયું હોય, તો તેઓ ન્યાયતંત્રનો સંપર્ક કરી શકે છે. ભારતનું બંધારણ આ જ કરે છે. આપણો ઉદ્દેશ્ય સારા કાયદા બનાવવાનો હોવો જોઈએ.
પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે ધર્મના નામે બનેલો દેશ (પાકિસ્તાન) ખૂબ જ ખરાબ દલદલમાં છે. અને આપણું ભારત આટલી ઊંચાઈએ પહોંચી ગયું છે. આપણે વિશ્ર્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ. આગળ વધીને, આપણે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું અને વકફ પણ તેનો એક ભાગ છે.