પનવેલમાં પાણીકાપનો ત્રાસઃ સ્થાનિકોને પાણી પૂરું પાડવા લીધો મોટો નિર્ણય
પનવેલ: આ વર્ષે મહારાષ્ટ્રમાં વરસાદી પાણીની ઘટ પડવાના અહેવાલ વચ્ચે ઔરંગાબાદમાં તો અત્યારથી પાણીની તંગીની અહેવાલ છે ત્યારે પનવેલમાં પાણીની તંગી સર્જાઈ શકે છે. પનવેલ જિલ્લામાં મહાનગર પાલિકા દ્વારા આઠ દિવસ માટે પાણી પુરવઠામાં ૨૦ ટકા કાપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પાણીકાપને કારણે રહેવાસીઓને પાણીની તકલીફ ન પડે તે માટે સિડકો (સિટી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) પ્રશાસન દ્વારા ફક્ત ૧૦૦ રૂપિયામાં પાણીના ટેન્કરની સુવિધાઓ પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પનવેલના કરંજાડે વિસ્તારમાં પાણી કાપને લીધે છેલ્લા અનેક દિવસોથી પાણીની અછત નિર્માણ થઈ છે. લોકોને પાણીના અછતનો સમસ્યામાંથી બહાર કાઢવા સિડકોએ આ નિર્ણય લીધો છે. આ પાણીકાપ ૨૭ તારીખ સુધી ચાલુ રાખવામા આવવાનો છે.
કરંજાડેની એક સોસાયટીમાં દિવસમાં ચાર ટેન્કર જેટલા પાણીની જરૂરત હોય છે. એક ખાનગી ટેન્કર માટે બે હજાર રૂપિયા ચૂકવવા પડે છે, જેથી સોસાયટી અને ત્યાના રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે, તેથી સિડકો દ્વારા માત્ર ૧૦૦ રૂપિયામાં એક ટેન્કર પાણી ઉપલબ્ધ કરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેન્કર માટે વસૂલ કરવામાં આવેલા આ ૧૦૦ રૂપિયા સિડકોના તિજોરીમાં જમા થશે. પણ પાણી કાપ શરૂ હોવાથી નાગરિકોએ પણ પાણી સાંભળીને વાપરવું જોઈએ એવું એક અધિકારીએ જણાવ્યુ હતુ.
ગઇકાલે શનિવારે પનવેલના આસુડગામ, ખાંદ કોલની અને રવિવારે પનવેલ પૂર્વના વિસ્તારોમાં પાણી કાપ કરવામાં આવશે એની સાથે જ સોમવારે પનવેલ પાલિકા અને પોદી વિસ્તારમાં પાણી કાપ કરવામાં આવશે. નાગરિકોમાં પાણીની અછત સર્જાય નહીં તેના માટે સોસાયટીમાં ખરેખર પાણીની અછત છે કે નહીં તેની તપાસ કરી આ તેમને ૧૦૦ રૂપિયામાં પાણીનું ટેન્કર આપવામાં આવશે.