યુદ્ધ અને વેપાર એકસાથે થઈ શકે નહીંઃ ચીન માટે વિદેશ પ્રધાને કરી મોટી વાત
નાગપુરઃ સીમા વિવાદનું સમાધાન થયા વિના ચીને અન્ય સંબંધો સામાન્ય રીતે આગળ વધારવાની અપેક્ષા રાખવી જોઈએ નહીં. અલબત્ત, યુદ્ધ અને વેપાર બંને એકસાથે થઈ શકે નહીં, એમ વિદેશ પ્રધાન એસ જયશંકરે આજે જણાવ્યું હતું. શનિવારે અહીં યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં ‘ભારત રાઇઝ ઇન જિયોપોલિટિક્સ’ મુદ્દે વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે મુત્સદ્દીગીરી ચાલુ રહે છે પણ કેટલીકવાર મુશ્કેલ પરિસ્થિતિઓનો ઉકેલ ઉતાવળમાં આવતો નથી.
તેમણે કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેની સરહદો મુદ્દે પરસ્પર સંમત નથી અને નક્કી કરવામાં આવ્યું હતું કે બંને પક્ષો સૈનિકો તૈનાત નહીં કરે અને એકબીજાને તેમની હિલચાલ વિશે માહિતગાર કરશે, પરંતુ પડોશી રાષ્ટ્રે ૨૦૨૦ માં આ કરારનું ઉલ્લંઘન કર્યું હતું. તે તેના સૈનિકોને મોટી સંખ્યામાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર લાવ્યા અને ગલવાનની ઘટના બની, એમ જયશંકરે કહ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુદ્ધ અને વ્યાપાર એકસાથે થઇ ન શકે.
વડા પ્રધાનની લક્ષદીપ મુલાકાત પછી થયેલા માલદીવ વિવાદ અંગે પ્રશ્નનો જવાબ આપતા જયશંકરે કહ્યું હતું કે અમે છેલ્લા ૧૦ વર્ષોમાં ઘણી સફળતાઓ સાથે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, એનાથી ખૂબ જ મજબૂત જોડાણ બનાવવાનું છે. રાજનીતિ ઉપર અને નીચે જઈ શકે છે, પરંતુ તે રાષ્ટ્રના લોકો સામાન્ય રીતે ભારત પ્રત્યે સારી લાગણી ધરાવે છે અને સારા સંબંધોના મહત્વને સમજે છે.
તેમણે ઉમેર્યું હતું કે ભારત રસ્તાઓ, પાવર ટ્રાન્સમિશન લાઈનો, ઈંધણનો પુરવઠો કરવામાં સામેલ છે. જોકે, કેટલીકવાર વસ્તુઓ યોગ્ય રીતે જતી નથી અને તેને જ્યાં હોવી જોઈએ ત્યાં પાછી લાવવા માટે લોકો સાથે દલીલ કરવી પડે છે, એમ વિદેશ પ્રધાને જણાવ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્ય બનાવવા અને સંયુક્ત રાષ્ટ્ર શામાટે વિશ્વમાં તાજેતરના યુદ્ધો રોકવામાં સક્ષમ નથી તેના જવાબમાં જયશંકરે કહ્યું હતું કે યુએન ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં પ્રસ્તુત હતું અને સુરક્ષા પરિષદના પાંચ સભ્ય રાષ્ટ્રો અન્ય દેશો પર તેમની વચ્ચેના વિશાળ અંતરને કારણે પ્રભુત્વ જમાવતા હતા.
પાછલા ૩૦-૪૦ વર્ષોમાં જે બન્યું, તેનાથી યુએનની મર્યાદાઓ હવે દેખાઈ રહી છે અને ઘણા લોકો માને છે કે ભારત, વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક હોવાથી સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય હોવું જોઈએ. ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવા છતાં વિદેશમાં સ્થાયી થવા માટે મોટી સંખ્યામાં ભારતીયો તેમના પાસપોર્ટ સરેન્ડર કરે છે તે અંગે પૂછવામાં આવતા જયશંકરે કહ્યું કે તે વ્યક્તિગત પસંદગી છે. લોકશાહીમાં તમારે કેટલીક વ્યક્તિગત પસંદગીઓ સ્વીકારવી પડશે કારણ કે તે જીવનનો ભાગ છે. પરંતુ શ્રેષ્ઠ જવાબ એ છે કે આપણે ભારતમાં રોજગારીની વધુ અને સારી તકો કેવી રીતે પ્રદાન કરી શકીએ.