મહિલા ડોક્ટરની આત્મહત્યાના કેસમાં વડવાણી બંધ…

બીડ: ફલટણની મહિલા ડો. સંપદા મુંડેના આત્મહત્યા કેસમાં ન્યાયની માંગણી માટે વડવાણી શહેર અને તાલુકામાં બંધ પાળવામાં આવ્યો હતો. દિવંગત ડૉક્ટરનું મૂળ ગામ વડવાણી તાલુકાનું કવડગાંવ હોવાથી, ફલટણ પ્રકરણના પડઘા બીડમાં પડવા લાગ્યા છે.
આ બંધ સર્વપક્ષીય નેતાઓ દ્વારા પાળવામાં આવ્યો હતો અને વડવાણી ખાતે છત્રપતિ શિવાજી મહારાજ ચોકમાં ધરણાં આંદોલન કરવામાં આવ્યું હતું, જેના કારણે બીડ-પરલી નેશનલ હાઇ-વે પર ટ્રાફિક જામ થયો હતો. ફલટણના મહિલા ડૉક્ટરની આત્મહત્યા કેસના વિરોધમાં અને આ કેસમાં ન્યાય મેળવવા માટે વેપારીઓ અને સર્વપક્ષીય સંગઠનોએ મંગળવારે વડવાણીના બજારો બંધ રાખીને બંધનું એલાન કર્યુ હતું.
આ ઘટનામાં તમામ આરોપીઓ અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત પીડિત પરિવારને ન્યાય મળે અને આ મામલાની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને આ મામલાને ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી માંગ પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવી હતી. સાવચેતીના પગલારૂપે પોલીસે સુરક્ષા વધારી દીધી હતી અને કેટલાક પ્રદર્શનકારીઓને નોટિસ પણ જારી કરવામાં આવી હતી.
આ પણ વાંચો…ડોક્ટરની આત્મહત્યા: મહિલા આઈપીએસ અધિકારીના નેતૃત્વમાં તપાસ કરવાની માંગણી…



