નંદુરબારના આ ગામમાં બેલેટ પેપરથી મતદાન શરૂ
સોલાપુરઃ સોલાપુર જિલ્લાના માર્કડવાડીમાં લોકો EVMનો વિરોધ કરી રહ્યા છે. ગ્રામજનો બેલેટ પેપર પર ચૂંટણી કરાવવાનો આગ્રહ કરી રહ્યા છે. બેલેટ પેપર પર ચૂંટણી યોજવા ગ્રામજનો આક્રમક બન્યા છે. ઈવીએમ વિરોધી આંદોલનમાં આ ગામ દેશનું કેન્દ્રબિંદુ બને તેવી શક્યતા છે. શરદ પવાર અહીં હાજર છે. આ ગામમાંથી જ રાહુલ ગાંધી ઈવીએમના વિરોધની શરૂઆત કરવાના છે. ઉદ્ધવ ઠાકરે પણ માર્કડવાડી આવવાના છે. બીજી તરફ નંદુરબાર જિલ્લાના આ ગામમાં બેલેટ પેપરથી મતદાન શરૂ પણ થઈ ગયું છે, પણ આ એક અલગ જ પ્રકારનું મતદાન છે. આવો આપણે આ મતદાન વિશે જાણીએ.
નંદુરબાર જિલ્લાના શહાદા તાલુકાના અસલોદ ખાતે બેલેટ પેપરથી મતદાન શરૂ થઇ ગયું છે. અહીં વહાલી બહેનો મતદાન માટે આગળ આવી છે અને મોટી સંખ્યામાં મતદાન કરી રહી છે. આ બધી મહિલાઓએ દારૂબંધી માટે મતદાન કર્યું છે. સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. ગામમાં લગભગ 1,260 મહિલાઓ છે, જેઓ આજે મતદાન કરવાની છે. મતદાન દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ મતદાન પ્રક્રિયા પર નજર રાખવા અસલોદ ગામમાં હાજર છે.
આ પણ વાંચો…આવતી કાલથી ઠંડી મુંબઈમાં પાછી ફરશે અઠવાડિયાથી હેરાન કરતી ગરમી અને ઉકળાટથી મળશે રાહત
નંદુરબાર એ મહારાષ્ટ્ર અને ગુજરાતના સરહદ પ્રદેશમાં આવેલો જિલ્લો છે. ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, તેથી નંદુરબારના સરહદી વિસ્તારમાંથી ગુજરાતમાં ગેરકાયદે દારૂનું વેચાણ થાય છે. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે દારૂનું ડમ્પિંગ પણ થાય છે. છેલ્લા પાંચ વર્ષથી અસલોદના ગ્રામજનો પોલીસ અને વહીવટીતંત્રને ગેરકાયદે ધંધા બંધ કરવા માટે અપીલ કરી રહ્યા છે. હવે આ ગામમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા માટે મહિલાઓ બેલેટ પેપરથી મતદાન કરી રહી છે. ગામની બધી મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો છે. મહિલાઓએ આ ગામમાં દારૂબંધી કરવાની માંગ કરી છે. તેમની લડાઈ કેટલી સફળ થાય છે તે તો આવનારો સમય જ કહેશે.