મહારાષ્ટ્રમાં ગરબાના આયોજન સ્થળે ‘માત્ર હિન્દુઓને જ એન્ટ્રી, ભગવાનની પૂજા કરવી પડશે! VHPએ જારી કરી માર્ગદર્શિકા

મુંબઈ: મહારાષ્ટ્રમાં નવરાત્રીના આયોજનને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેના મુદ્દે ભારે હોબાળો મચી ગયો છે. વીએચપીની માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે લોકોએ અંદર પ્રવેશતા પહેલા તિલક લગાવવું પડશે, રક્ષા સૂત્ર બાંધવું પડશે અને હિન્દુ દેવતાની પૂજા કરવી પડશે. એટલું જ નહીં, પરિષદે આયોજકોને ઓળખ માટે પ્રવેશ કરનારા લોકોનો આધાર કાર્ડ તપાસવાની પણ સલાહ આપી છે.
ગરબા માત્ર નૃત્ય નથી, દેવીને પ્રસન્ન કરવાની પૂજાનું સ્વરૂપ
વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રીરાજ નાયરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “ગરબા માત્ર એક નૃત્ય નથી, પરંતુ દેવીને પ્રસન્ન કરવા માટેની પૂજાનું એક સ્વરૂપ છે. ફક્ત તે લોકોને જ તેમાં ભાગ લેવાની મંજૂરી આપવી જોઈએ જેઓ આ વિધિઓમાં વિશ્વાસ રાખે છે.” તેમણે વધુમાં કહ્યું કે, “વીએચપી અને બજરંગ દળના કાર્યકરો કાર્યક્રમો પર નજર રાખશે. ગરબા પૂજાનું એક સ્વરૂપ છે, મનોરંજન નહીં.”
તેમણે આગળ જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું હતું કે, આ બધુ એટલા માટે પણ જરૂરી છે કે જેનાથી એ સુનિશ્ચિત કરી શકાય કે આ આયોજનોની અંદર માત્ર હિન્દુઓ જ શામેલ થાય તેમજ લવ જેહાદ જેવો કોઈ બનાવ ન બને. તેમણે કહ્યું હતું કે અમૂક ડાબેરી મુસ્લિમ સંગઠનો મુસ્લિમ પુરુષો દ્વારા હિન્દુ મહિલા અને સ્ત્રીઓનું ધર્માંતરણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પ્રતિબંધ આયોજન સમિતિઓનું અધિકારક્ષેત્ર
વિશ્વ હિન્દુ પરિષદના વલણ પર પ્રતિક્રિયા આપતા, મહારાષ્ટ્રના પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું કે આ પ્રકારના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવો એ આયોજન સમિતિઓના અધિકારક્ષેત્રમાં છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, “દરેક આયોજન સમિતિ કેટલાક નિયમો નક્કી કરે છે અને તેમને આવું કરવાનો અધિકાર છે. જ્યાં સુધી તેમની પાસે કાર્યક્રમનું આયોજન કરવા માટે પોલીસની પરવાનગી છે, ત્યાં સુધી કોઈ સમસ્યા નથી.”
સાંપ્રદાયિક માહોલ બનાવવાનો પ્રયાસ
જોકે, શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું કે દેશમાં સાંપ્રદાયિક માહોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું, “સાંપ્રદાયિક માહોલ બનાવવો અને આ દેશને બચાવવો એ જ એમની આજીવિકા છે. હું બધા ધર્મો માટે સમાન સન્માનની વાત નથી કરી રહ્યો, પરંતુ જે રીતે આ ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે, તે મહારાષ્ટ્ર કે દેશને શોભતું નથી.”