‘Valentine’s Day’એ નાગપુરમાં ‘ડબલ મર્ડર’, એક કેસમાં બ્રેકઅપ પછી…
નાગપુર: વેલેન્ટાઈન દિવસ (Valentine’s Day)એ ‘લવ અને રિલેશનશિપ’ના વિવાદમાં બે અલગ અલગ બનાવમાં બે જણની હત્યાની ચોંકાવનારી ઘટના નાગપુરમાં બની હતી, જેમાં એક જ દિવસે બે જણની હત્યાની ઘટનાથી શહેરમાં હોબાળો મચી ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
એક બનવમાં સુરજ ઉર્ફે બિહારી અમીર મહંતો (25) બે વર્ષ વર્ધાની જેલમાં સજા ભોગવીને બહાર આવ્યો હતો. આ દરમિયાન નાઇકનગરમાં તેની ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. સુરજની હત્યા મામલે વિપિન ગુપ્તા (26 વર્ષ), અનિલ (26 વર્ષ) અને 27 વર્ષના વિજય નામના શખસની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં આરોપી વિપિન રાજકુમાર ગુપ્તા એક યુવતી સાથે રિલેશનમાં હતો, પરંતુ કોઈ કારણસર બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું, ત્યારબાદ યુવતી તેના એક્સ બોયફ્રેન્ડ સુરજ સાથે સંબંધમાં બંધાઈ હતી. સુરજ અને તે યુવતી વચ્ચેના પ્રેમને કારણે આરોપી વિપિન ગુપ્તાને વાંધો હતો, જેથી તેણે બંનેને અલગ રહેવાની ધમકી આપી હતી.
એટલું જ નહીં, બંને વચ્ચેના લવઅફેરને કારણે બંને વચ્ચે દુશ્મની વધી ગઈ હતી. સુરજ જ્યારે જેલમાંથી બહાર આવ્યો ત્યારે આરોપી વિપિને સુરજ ઉપર હુમલો કર્યો હતો, પરંતુ સુરજ ત્યાંથી ભાગીને તેના એક મિત્રના ઘરે જઈને છુપાઈ ગયો હતો. ત્યારબાદ આરોપી (વિપિન)એ તેને શોધી તેની હત્યા કરી હતી.
આવી ઘટના નાગપુરના પંચપાવલી વિસ્તારમાં પણ બની હતી. આ ઘટનામાં પ્રેમને લઈને થયેલા વિવાદની વચ્ચે હસ્તક્ષેપ કરતાં અભિષેક (સંજય ગુલાબે) પર ધારદાર શસ્ત્ર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે જખમી થયેલા અભિષેકને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.
આ ઘટનામાં મૃત્યુ પામનાર 23 વર્ષના અભિષેક સામે અનેક ગુના દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે 28 વર્ષના રોહિત નહારકર, 30 વર્ષના શ્યામબાબુ કુસેરે અને 20 વર્ષના રાજકુમાર લચલવારની ધરપકડ કરી હતી, જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે, એવી માહિતી એક અધિકારીએ આપી હતી.