Google Mapએ દાટ વાળ્યોઃ 20થી વધુ વિદ્યાર્થી UPSC પરીક્ષાથી રહ્યા વંચિત
છત્રપતિ સંભાજીનગરઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષાઓ આજે દેશભરમાં વિવિધ સ્થળોએ લેવામાં આવી રહી છે. જો કે છત્રપતિ સંભાજીનગરમાં ગૂગલ મેપ (Google map)માં ખોટું સરનામું દર્શાવવાને કારણે કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રહેવું પડ્યું પડ્યું હતું. છત્રપતિ સંભાજીનગરમાં પરીક્ષા હોવાથી મરાઠવાડાના કેટલાક જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે છત્રપતિ સંભાજીનગર આવ્યા હતા.
તેમણે પરીક્ષાસ્થળ પર પહોંચવા માટે ગુગલ મેપ્સનો આશરો લીધો હતો. ત્યાં ગયા પછી વિદ્યાર્થીઓને ખબર પડી કે તેઓ કેન્દ્ર પર પહોંચવાને બદલે બીજે ક્યાંક આવી ગયા છે. જે બાદ વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી. થોડા સમય બાદ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું, જેથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નહોતા.
આ પણ વાંચો : UPSCની પ્રાથમિક પરીક્ષા પૂર્ણ : ગયા વર્ષની સરખામણીએ પેપર સરળ રહ્યા
ઘટનાની વિગત વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યા મુજબ અમે વિવેકાનંદ કલા, સરદાર દલીપ સિંહ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ સમર્થ નગર, છત્રપતિ સંભાજીનગરમાં આવ્યા હતા. અહીં સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા હતી.
અમે ગુગલ મેપ્સ પર સર્ચ કરીને આ સરનામું દાખલ કર્યું. જોકે, આ સરનામું પરીક્ષા સ્થળથી ૧૧ કિમી દૂર દેખાઈ રહ્યું હતું. પરીક્ષાનો રિપોર્ટિંગ સમય આજે સવારે ૯ વાગ્યાનો હતો. જે બાદ ૯.૩૦ કલાકે પેપર શરૂ થવાનું હતું. પરંતુ સવારે ૯ વાગ્યાથી ૫ મિનિટે કેટલાક વિદ્યાર્થીઓ આ સ્થળે આવ્યા હતા. પરંતુ ત્યાં સુધી વિલંબ થતાં આ વિદ્યાર્થીઓને અંદર જવા દેવામાં આવ્યા નહોતા.
નિયમ મુજબ ૯ વાગ્યે ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ વિનંતી કરી, કે ગૂગલ મેપ અમને ખોટી જગ્યાએ લઈ ગયું, તેથી અમે મોડા પડ્યા. જો કે, તેનો કોઈ ફાયદો થયો નહોતો આ ગુગલ મેપની મૂંઝવણને કારણે ૨૦ થી ૨૫ વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા હતા. આકરી મહેનત બાદ અણીના સમયે પરીક્ષા ન આપી શકવાથી વિધાર્થીઓની આંખમાં આંસુ આવી ગયા હતા.