ત્યાં સુધી સરકારને જંપવા નહીં દઈએ: ઉદ્ધવ ઠાકરેની ચેતવણી | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

ત્યાં સુધી સરકારને જંપવા નહીં દઈએ: ઉદ્ધવ ઠાકરેની ચેતવણી

ખેડૂતોને રાહત આપવાના નામે સરકાર છેતરપિંડી કરી રહી છે એવો દાવો કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. તે બાબતને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે થોડા દિવસો પહેલા ભારે વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે લગભગ 31 હજાર 628 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. જોકે, વિપક્ષ એવો આરોપ લગાવી રહ્યો છે કે સરકારે પેકેજની જાહેરાત કરી હોવા છતાં ખેડૂતોને હજુ સુધી પૈસા મળ્યા નથી. ઉપરાંત, સરકારે ખેડૂતોની લોન માફી અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો ન હોવાથી વિપક્ષ આક્રમક બન્યો છે.

આ સંદર્ભે બોલતા, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની મહાયુતિ સરકારને મોટી ચેતવણી આપતાં એવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે ‘રાજ્ય સરકાર ખેડૂતોની લોન માફી ન કરે ત્યાં સુધી શિવસેના (યુબીટી) સરકારને જંપવા દેશે નહીં.’
તેમણે સરકાર પર ખેડૂતો સાથે છેતરપિંડી કરવાનો પણ આરોપ લગાવ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ તેમના નિવાસસ્થાન, માતોશ્રી ખાતે કાર્યકરો સાથે વાતચીત કરતી વખતે આ વાત કહી હતી.

આ પણ વાંચો : ફડણવીસ લાચાર મુખ્ય પ્રધાન, ભ્રષ્ટાચારને કાબુમાં નથી લઈ શકતા: ઉદ્ધવ ઠાકરે

‘આજે દિવાળીનો પહેલો દિવસ છે. દિવાળીની શુભેચ્છા પાઠવતી વખતે, હું મરાઠવાડા સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં આપત્તિગ્રસ્ત ખેડૂતોને જોઉં છું. આપત્તિગ્રસ્ત ખેડૂતો પાછળ કોઈ બીજું હોય કે ન હોય, શિવસેના (યુબીટી) હંમેશા તેમની સાથે રહેશે. મેં પહેલેથી જ શબ્દ આપ્યો છે કે ખેડૂતોને ન્યાય અપાવવા માટે શિવસેના હંમેશા ખેડૂતો સાથે રહેશે,’ એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.

‘જ્યારે મેં છેલ્લા આઠ દિવસમાં કેટલીક જગ્યાઓની મુલાકાત લીધી હતી, ત્યારે મેં મરાઠવાડાના ખેડૂતોને શબ્દ આપ્યો હતો કે જ્યાં સુધી લોન માફી ન થાય ત્યાં સુધી અમે આ સરકારને છોડીશું નહીં. કારણ કે હાલમાં રાજ્ય સરકાર ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહી છે,’ એવી ટીકા ઉદ્ધવ ઠાકરેએ કરી હતી.

આ પણ વાંચો : ભાજપના રાજમાંં ન્યાયની માગણી કરવી એ રાજદ્રોહ બની ગયો છે: ઉદ્ધવ ઠાકરે

‘સરકારે ભારે વરસાદમાં નાશ પામેલી ખેતી માટે પ્રતિ હેક્ટર રૂ. 3 થી 3.5 લાખની જાહેરાત કરી હતી, પરંતુ મેં કહ્યું હતું કે જો તમને મદદ જોઈતી હોય તો દિવાળી પછી કરો, પરંતુ પહેલા 1 લાખ રૂપિયા દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા કરાવો. અમે ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવાની માગણી કરી હતી. જોકે, સરકારે તેમ કર્યું નહીં. હવે દિવાળી પછી, હું મરાઠવાડાના પ્રવાસે જઈશ. અમે ક્યારેય ખેડૂતોનો વિશ્ર્વાસ તૂટવા દઈશું નહીં,’ એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button