દિલ્હીમાં ‘અપમાન’ બાદ ઉદ્ધવ ઠાકરે ઇન્ડિ ગઠબંધન છોડશે? મહારાષ્ટ્રમાં નવા સમીકરણના સંકેત
ઉદ્ધવ ઠાકરેની શિવસેના જૂથ ઇન્ડિ ગઠબંધન છોડવાની તૈયારી કરી રહ્યો છે: મનસે સાથે ગઠબંધનની શક્યતા છે, જેને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ફેરફાર આવી શકે છે: હલચલ વધુ તીવ્ર બની

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટી ઉથલપાથલના સંકેતો જોવા મળી રહ્યા છે. એવી ચર્ચા ચાલી રહી છે કે શિવસેના (યુબીટી) ઇન્ડિ ગઠબંધનથી અલગ થવાની તૈયારી કરી રહી છે, જેના પછી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના હાલમાં મહા વિકાસ આઘાડી (એમવીએ)નો ભાગ છે. હવે તે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) સાથે ગઠબંધન તરફ આગળ વધી રહી હોય એવું લાગે છે. આગામી વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આ પગલું રાજ્યના રાજકારણને નવો રંગ આપી શકે છે. આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસે તાજેતરમાં ઇન્ડિ ગઠબંધનથી દૂરી બનાવ્યા બાદ, હવે શિવસેના (યુબીટી) પણ ગઠબંધન છોડવાની અટકળો તેજ થઈ ગઈ છે. આ અઠવાડિયે દિલ્હી પ્રવાસ પર રહેલા ઉદ્ધવ ઠાકરેના કથિત અપમાન બાદ આ અટકળોને વધુ બળ મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્ધવ ઠાકરે અને મનસેના વડા રાજ ઠાકરે વચ્ચે વધતી જતી નિકટતા આ પરિવર્તનનો આધાર બની રહી છે. તાજેતરમાં રાજ ઠાકરે ઉદ્ધવને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માતોશ્રી પર ગયા હતા, જેના પછી બંને પક્ષો વચ્ચે જોડાણની શક્યતાઓ વધુ મજબૂત બની છે. બંને નેતાઓએ મરાઠી ઓળખ અને સ્થાનિક મુદ્દાઓ પર એકતા દર્શાવી છે, જેને કાર્યકરોએ પણ ટેકો આપ્યો છે.
આ પણ વાંચો: દિલ્હીમાં ઈન્ડી ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે છેલ્લી હરોળમાં, શિંદેએ કાઢી ઝાટકણી
ઉદ્ધવ ઠાકરે પૂરા થયેલા અઠવાડિયે દિલ્હીના પ્રવાસે ગયા હતા. ત્યાં તેમણે રાજ ઠાકરે સાથે જોડાણની શક્યતા અંગે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે અમે બંને ભાઈઓ અમારા નિર્ણયો લેવા સક્ષમ છીએ. અમને કોઈ ત્રીજા પક્ષની જરૂર નથી. આ નિવેદન બાદ ઈન્ડિ ગઠબંધન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પર સવાલ ઉપસ્થિત કરે છે એવું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે.
ઉદ્ધવની આ ટિપ્પણી ત્યારે આવી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું રાજ ઠાકરે ઈન્ડિ ગઠબંધનની બેઠકમાં હાજરી આપશે. તેમના જવાબ પરથી સ્પષ્ટ થયું હતું કે શિવસેના (યુબીટી) સ્વતંત્ર રીતે તેના ભવિષ્ય વિશે નિર્ણય લેવા વિચારી રહ્યું છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે જો શિવસેના (યુબીટી) અને મનસે એક સાથે આવે તો આ ગઠબંધન ભાજપ-શિંદેની મહાયુતિ માટે મોટો પડકાર ઉભો કરી શકે છે. બંને પક્ષો મરાઠી ઓળખ, ભૂમિપુત્રોના અધિકારો, રોજગાર અને શહેરી મતદારોમાં તેમની મજબૂત પકડ માટે જાણીતા છે. ખાસ કરીને મુંબઈ અને અન્ય શહેરી વિસ્તારોમાં, જ્યાં શિવસેના અને મનસે પ્રભાવશાળી રહ્યા છે, આ ગઠબંધન રમતનું પાસું બદલી શકે છે. જોકે, મનસેનું મરાઠી વિરોધી વલણ કોંગ્રેસ જેવા ઈન્ડિ ગઠબંધનના સાથી પક્ષોને સ્વીકાર્ય ન હોઈ શકે, જેના કારણે ઉદ્ધવ માટે ગઠબંધનથી અલગ થવું એક સરળ વિકલ્પ હોઈ શકે છે.
આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધી સહિત ‘ઇન્ડિ’ ગઠબંધનના નેતાઓને મળશે, કેમ ખાસ છે આ મુલાકાત?
2024ની વિધાનસભા ચૂંટણીમાં, શિવસેના (યુબીટી)ને ફક્ત 20 બેઠકો મળી હતી, જ્યારે શિંદે જૂથને 57 બેઠકો મળી હતી. આ હારથી ઠાકરે જૂથને નવા રસ્તા શોધવાની ફરજ પડી છે. મનસે સાથેનું ગઠબંધન માત્ર શિવસેના (યુબીટી) મજબૂત જ નહીં બનાવે, પરંતુ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં, ખાસ કરીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણીઓમાં પણ નવી તાકાત લાવી શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે ઉદ્ધવને વિધાનસભાની ચૂંટણીમાં એમવીએના ત્રણેય પક્ષોમાં સૌથી વધુ બેઠકો મળી હતી.
જોકે, આ સંભવિત ગઠબંધન ઈન્ડિ ગઠબંધન માટે આંચકારૂપ સાબિત થઈ શકે છે. કોંગ્રેસ અને શરદ પવારની એનસીપીમાં પણ પહેલેથી જ તણાવના સંકેતો જોવા મળી રહ્યા છે. ગયા અઠવાડિયે દિલ્હીમાં ઈન્ડિ ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવને છેલ્લી હરોળમાં બેસાડવાના વિવાદ પછી આ તણાવ વધી રહ્યો હોય તેવું લાગે છે. ભાજપ અને શિંદે જૂથ દ્વારા આ ઘટનાને મહારાષ્ટ્રનું અપમાન ગણાવવામાં આવી હતી, જેના પર ઉદ્ધવના પ્રવક્તા સંજય રાઉતે એવો બચાવ કર્યો હતો કે તેઓ (ઉદ્ધવ ઠાકરે) સ્ક્રીનને સારી રીતે જોવા માટે પાછળ બેઠા હતા.