ઠાકરે ફક્ત એક બ્રાન્ડ નથી, તે મહારાષ્ટ્રની ઓળખ છે: ઉદ્ધવ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઠાકરે માત્ર એક બ્રાન્ડ નથી, પરંતુ મહારાષ્ટ્ર, મરાઠી માણસો અને હિન્દુ ગૌરવની ઓળખ છે, પરંતુ કેટલાક લોકો તેને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, એમ શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે.
સેના યુબીટીના મુખપત્ર ‘સામના’માં એક ઈન્ટરવ્યૂમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને ચૂંટણી પંચ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે તે તેમના પક્ષના પ્રતીકને રોકી શકે છે અથવા તેને બીજા કોઈને આપી શકે છે, પરંતુ તેમને તેમના દાદા કેશવ ઠાકરે અને પિતા તેમ જ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરે દ્વારા બનાવવામાં આવેલી પાર્ટીનું નામ બીજા કોઈને આપવાનો કોઈ અધિકાર નથી.
મરાઠી ભૂમિમાં આપણા ઊંડા મૂળ ઘણી પેઢીઓ જૂના છે. મારા દાદા અને શિવસેના પ્રમુખ (બાળ ઠાકરે)ના સમયથી મરાઠી માણસો સાથેના સંબંધો મજબૂત છે. હવે, હું ત્યાં છું, આદિત્ય (ઠાકરે) ત્યાં છે અને (મનસે વડા) રાજ પણ આવી ગયા છે, એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: ‘ઉદ્ધવજી, અહીં આવો’: ફડણવીસની વિધાન પરિષદમાં ખુલ્લી ઓફર, બીજી તરફ રાજ ઠાકરે પોતાના ભાઈ સાથેના ગઠબંધન પર ચૂપ
શનિવારે પ્રકાશિત થયેલા પાર્ટી નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત સાથેના ઇન્ટરવ્યુના પહેલા ભાગમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઠાકરે એટલે સતત સંઘર્ષ કરનારી વ્યક્તિ.
ઉદ્ધવ ઠાકરેએ તેમના પિતરાઈ ભાઈની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરે સાથે સંયુક્ત મોરચો બનાવવા માટે ‘ઠાકરે બ્રાન્ડ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
‘ઠાકરે ફક્ત એક બ્રાન્ડ નથી. તે મરાઠી માણસો, મહારાષ્ટ્ર અને હિન્દુ ગૌરવની ઓળખ છે. કેટલાક લોકોએ આ ઓળખ ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો છે. ઘણા લોકો આ કરવા આવ્યા હતા અને તેઓ ખતમ થઈ ગયા,’ એમ સેના (યુબીટી)ના વડાએ ભાજપ પર આડકતરો કટાક્ષ કરતા કહ્યું હતું.
જેમણે 100 વર્ષ પૂરા કર્યા છતાં કંઈપણ બનાવ્યું નથી અથવા કોઈપણ ક્ષેત્રમાં ઉદાહરણ પૂરું પાડ્યું નથી, તેમણે (ઠાકરે) બ્રાન્ડની ચોરી કરવાનું શરૂ કરી દીધું છે, એમ તેમણે ભાજપ અને આરએસએસ પર પ્રહાર કરતા કહ્યું હતું.
નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદે પર પ્રહાર કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ‘કંઈપણ ચોરી શકાય છે, પરંતુ નામ કેવી રીતે ચોરી શકાય?’
અહીં ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરના એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાને ‘ધનુષ અને બાણ’ના પક્ષ પ્રતીક આપવાના નિર્ણય સામે ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (યુબીટી) ની અરજી પર સુનાવણી માટે 11 ઓગસ્ટની તારીખ નક્કી કરી હતી.