Rammandir: ઉદ્ધવ ઠાકરેને સ્પીડ પૉસ્ટથી આવ્યું આમંત્રણ, પણ નહીં જાય અયોધ્યા
મુંબઈઃ આવતીકાલે અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં માત્ર આમંત્રિત મહેમાનોને જ પ્રવેશ મળવાનો છે ત્યારે આ મહોત્સવના આમંત્રણે અગાઉથી જ રાજકારણ ગરમાવી દીધું છે. સૌથી વધારે વિવાદ શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેના પુત્ર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ ન મળ્યાનો થયો છે. બાબરી મસ્જિદ ધ્વંસ સમયે શિવસેનાની અત્યંત મહત્વની ભૂમિકા હોવાનું માનવામાં આવે છે ત્યારે ઠાકરે પરિવારને આમંત્રણ ન મળવાનું રાજકીય તડાફડીને આમંત્રણ આપે તે સ્વાભાવિક છે. આ બધા વચ્ચે ઠાકરેને સ્પીડ પોસ્ટની આમંત્રણ મળ્યાની આશ્ચર્યજનક વાત બહાર આવી છે. ઠાકરેને આવતીકાલના સમારંભ માટે સ્પીડ પોસ્ટની આમંત્રણ મોકલવામા આવ્યું છે, જોકે ઠાકરેએ આ આમંત્રણ ન સ્વીકારતા પોતાના અગાઉના કાર્યક્રમને જ વળતી રહેવાનું પસંદ કર્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઠાકરે આવતીકાલે નાસિક ખાતે વીર સાવરકરના જન્મસ્થળની મુલાકાત લેશે અને ગોદાવરી નદી કિનારે આરતીમાં ભાગ લેશે, તેમ તેમણે અગાઉ જણાવ્યું હતું.
23મી જાન્યુઆરીએ બાળ ઠાકરેની જન્મતિથી પણ છે. આ દિવસે ઉદ્ધવ અહીં જાહેરસભાને સંબોધશે અને એક રીતે લોકસભાની ચૂંટણીના પ્રચારનો આરંભ કરશે, તેમ પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઠાકરે અહીંના કાળા રામ મંદિરની પણ મુલાકાત લેશે.
ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર રામ મંદિરના સમારંભને રાજકીય સમારંભ બનાવવાના આક્ષેપો કર્યા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને નાશિક આવવા આમંત્રણ આપ્યું હતું.
શિવસેના એક પ્રાદેશિક પક્ષ હોવાથી મહારાષ્ટ્રમાં પોતાના મૂળિયા મજબૂત કરવા પ્રયત્ન કરી રહ્યું છે. આવનારી લોકસભાની ચૂંટણી ઠાકરેની શિવસેના માટે કરો યા મરોની સ્થિતિ જેવી છે. ચાલુ વર્ષમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પણ આવશે જે પણ એટલી જ મહત્વની સાબિત થશે.