ખરેખર મુખ્ય પ્રધાનના વખાણ કે પછી મહારાષ્ટ્રમાં ફરી રાજકારણ ગરમાશે?
મુંબઇઃ છેલ્લા ચારેક વર્ષથી મહારાષ્ટ્રના રાજકારણમાં વિવિધ આક્ષેપબાજીઓ થઇ રહી છે, સતા પરિવર્તન થયા છે, પાર્ટીઓના વિભાજન થયા છે અને દરક પક્ષ અક્ષેપ-પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે. એવા સમયે હવે રાજકારણમાં કંઇક બદલાવ આવે એવી આશા જાગી છે. તાજેતરમાં ઠાકરે સેનાના મુખપત્ર સામનામાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને દેવાભાઉ કહીને તેમની પ્રશંસા કરવામાં આવી છે. પાલક પ્રધાન તરીકે ગઢચિરોલી જેવો જિલ્લો ચૂંટ્યાં બાદ નવા વર્ષના પહેલા જ દિવસે ત્યાં પહોંચીને ત્યાંના આદિવાસીઓ માટે વિવિધ યોજનાની જાહેરાત કરનાર ફડણવીસની સામનામાં ભારોભાર પ્રશંસા કરવામાં આવી છે. ત્યાર બાદ ભાજપના કટ્ટર વિવેચક એવા સંજય રાઉતે ફડણવીસની પ્રશંસા કરી છે. NCP શરદ ચંદ્ર પવાર પાર્ટીના સાંસદ સુપ્રિયા સુલેએ પણ ફડણવીસના કામની પ્રશંસા કરી છે. સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારમાં જો કોઈ સારું કામ કરી રહ્યું હોય તો માત્ર દેવેન્દ્ર ફડણવીસનો જ ઉલ્લેખ કરી શકાય. મહારાષ્ટ્રમાં બદલાયેલું રાજકારણ ભવિષ્યમાં કઈ દિશામાં જશે તેનો સંકેત આપી રહ્યું છે.
Also read: સરપંચ હત્યા કેસની તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે એસઆઇટીની રચના કરી…
ફડણવીસે તો તેમના કામની પ્રશંસા કરનારા દરેકનો આભાર માન્યો છે, જ્યારે શિવસેના એકનાથ શિંદેની પાર્ટીએ કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે રાજકીય સમસ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં ઠાકરે સેના અને તેમના મહાગઠબંધનને ભારે ફટકો પડ્યો હતો. લોકોએ તેમને લગભગ જાકારો જ આપી દીધો હતો. હવે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ આવી રહી છે. તેને ધ્યાનમાં રાખીને ફડણવીસની પ્રશંસા કરવામાં આવી છે. ઠાકરેની શિવસેના ભાજપ સાથે સારા સંબંધો બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તો શું ઠાકરે સેના ફરી એક વાર ભાજપ સાથે હાથ મિલાવશે? તો પછી એકનાથ શિંદેનું શું? જોકે, આ બધું ભવિષ્યમાં જ સ્પષ્ટ થશે.