ફડણવીસ લાચાર મુખ્ય પ્રધાન, ભ્રષ્ટાચારને કાબુમાં નથી લઈ શકતા: ઉદ્ધવ ઠાકરે

‘ભાજપ કરે તો અમર પ્રેમ અમે કરીએ તો લવ જેહાદ!!’
(અમારા પ્રતિનિધિ તરફથી)
પુણે: શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે દેવેન્દ્ર ફડણવીસને ‘લાચાર’ મુખ્ય પ્રધાન ગણાવ્યા હતા, જેઓ તેમના શાસનકાળમાં ‘બેફામ ભ્રષ્ટાચાર’ પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા છે. ચૂંટણીવાળા બિહારમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાહેરાતોનો ઉલ્લેખ કરીને, તેમણે કેન્દ્રને મહારાષ્ટ્રમાં મહિલાઓને આર્થિક સહાય આપવાની અપીલ કરી હતી.
ઠાકરેએ પુણેમાં મહિલાઓ અને સેના (યુબીટી) ના કાર્યકરોના મેળાવડાને સંબોધિત કર્યા બાદ પુણે યુનિયન ઓફ વર્કિંગ જર્નાલિસ્ટ્સ દ્વારા આયોજિત એક વાર્તાલાપને સંબોધતા, કહ્યું હતું કે શિવસેના (યુબીટી)ને ભારતીય જનતા પાર્ટી તરફથી હિન્દુત્વના પ્રમાણપત્રની જરૂર નથી, જે ‘દેશની અંદર દિવાલો બનાવી રહી છે.’
‘ભારત એક સુંદર દેશ છે. તેની સંસ્કૃતિ મહાન છે. જોકે, આ લોકોએ (ભાજપ) સમગ્ર વાતાવરણને દૂષિત કર્યું છે અને તેને નર્ક બનાવી દીધું છે. આ લોકોએ દેશની અંદર દિવાલો ઊભી કરી છે. હું વધુ બગાડ અટકાવવા માટે સખત મહેનત કરી રહ્યો છું.’
‘મેં વારંવાર કહ્યું છે કે ભાજપ રાજ્યમાં કે કેન્દ્રમાં સરકાર ચલાવી શકતી નથી. નરેન્દ્ર મોદી સરકાર કાશ્મીર અને મણિપુરના મુદ્દાઓને ઉકેલવામાં નિષ્ફળ ગઈ છે,’ એમ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: ભાજપના રાજમાંં ન્યાયની માગણી કરવી એ રાજદ્રોહ બની ગયો છે: ઉદ્ધવ ઠાકરે
ભાજપ દેશને સરમુખત્યારશાહીના માર્ગે લઈ જઈ રહ્યું છે, એમ ઠાકરેએ ઉમેર્યું હતું.
ફડણવીસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, ‘હું કોઈને પણ દુશ્મન માનતો નથી, વડા પ્રધાનને પણ નહીં. પરંતુ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, મુખ્યમંત્રી (ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિ) પાસે પુષ્કળ બહુમતી હોવા છતાં ‘હતબલ’ (લાચાર) લાગે છે.
‘ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓ હોવા છતાં, મુખ્ય પ્રધાન ભ્રષ્ટ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં લાચારી અનુભવે છે,’ એવો દાવો તેમણે કર્યો હતો.
ઠાકરેએ એવો આરોપ લગાવ્યો હતો કે ફડણવીસ સરકાર ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત ખેડૂતોને મદદ કરવામાં નિષ્ફળ ગઈ છે.
આ પણ વાંચો: ઉદ્ધવના ખેડૂતો મામલે આક્ષેપો બરાબર, પણ હવે એશિયા કપને શું મુદ્દો બનાવવાનો
2019 માં કોંગ્રેસ અને એનસીપી (એસપી) સાથેના જોડાણ પછી તેમણે હિન્દુત્વનો ત્યાગ કર્યો હોવાની ટીકાનો જવાબ આપતા, શિવસેના (યુબીટી) ના નેતાએ દાવો કર્યો કે ભાજપે મુસ્લિમોને ખુશ કરવા માટે ‘સૌગાત-એ-મોદી’ અભિયાન શરૂ કર્યું હતું.
‘મને ભાજપ પાસેથી હિન્દુત્વ પર કોઈ પ્રમાણપત્રની જરૂર નથી. મારા દાદા (પ્રભોધનકર ઠાકરે) એક જાણીતા સુધારક હતા. ‘અમારું હિન્દુત્વ પ્રગતિશીલ રહ્યું છે,’ એમ તેમણે કહ્યું હતું.
જો ભાજપ કરે તો તે અમર પ્રેમ અને અમે કરીએ તો તે લવ જેહાદ બની જાય છે! ‘તમે કહો છો કે અમે કોંગ્રેસ સાથે ગયા એટલે હિન્દુત્વ છોડી દીધું. તો શું નીતિશ કુમાર હિન્દુત્વ સમર્થક છે? શું ચંદ્રાબાબુ હિન્દુત્વ સમર્થક છે?
મેં સૌગાત-એ-મોદી જેવું સાંભળ્યું હતું. શું તમે ક્યારેય સૌગાત-એ-નેહરુ, સૌગાત-એ-ઈન્દિરા ગાંધી વિશે સાંભળ્યું છે? સૌગાત-એ-મોદી આપનારા હિન્દુત્વના સમર્થક કેવી રીતે હોઈ શકે?, એવો સવાલ તેમણે કર્યો હતો.