મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવશે! હવે આ નેતાએ કર્યો દાવો

મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ સરકાર રચનાને પણ બે મહિના જેટલો સમય થઇ ગયો છે, પણ હજી સુધી પક્ષો અને વિપક્ષોની આક્ષેપબાજીઓનો દોર ચાલુ જ છે. ક્યારેક ઠાકરેની શિવસેનાના સંજય રાઉત તો ક્યારેક શિંદે સેનાના કોઇ નેતા એકબીજા સામે આક્ષેપબાજી કર્યા જ કરે છે. એવામાં એકનાથ શિંદે જૂથના નેતા અને ઉદ્યોગ મંત્રાલયનો હવાલો સંભાળતા નેતા ઉદય સામંતે એવો દાવો કર્યો છે, જેનાથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ આવવાની વકી છે.
મહાયુતિ સરકારમાં શિંદે સેનાના નેતા ઉદય સામંત હાલમાં મહારાષ્ટ્ર માટે રોકાણ મેળવવા દાવોસની મુલાકાતે ગયા છે. તેમણે ત્યાંથી મોટો દાવો કર્યો છે અને જણાવ્યું છે કે શિવસેના (યુબીટી)ના ચાર સાંસદ અને ચાર વિધાન સભ્ય નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળીને ગયા છે. તેઓ એકનાથ શિંદેના હાથ નીચે કામ કરવા તૈયાર છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કૉંગ્રેસના પણ પાંચ વિધાન સભ્ય એકનાથ શિંદેને મળ્યા છે.
મહારાષ્ટ્ર માટે રોકાણ મેળવવા ગયેલા ઉદય સામંતે સારા સમાચાર પણ શેર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે દાવોસમાં પ્રથમ દિવસે મહારાષ્ટ્ર માટે પાંચ લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ મેળવવામાં તેમને સફળતા મળી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના રાજકારણમાં ગમે ત્યારે રાજકીય ભૂકંપ આવી શકે છે. વિપક્ષના અનેક નેતાઓ પક્ષ બદલીને નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થવા તત્પર છે અને આગામી 10થી 15 દિવસમાં જ આવો રાજકીય ભૂકંપ જોવા મળી શકે છે.
જોકે, આવા રાજકીય આક્ષેપો અને પ્રતિઆક્ષેપો અને પક્ષ બદલવાની વાતો મહારાષ્ટ્રના રાજકારણમાં કંઇ નવી નથી.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના નવા ચૂંટણી કમિશનર તરીકે IAS દિનેશ વાઘમારેની નિમણૂક
તાજેતરમાં જ શિવસેના યુબીટીના સંજય રાઉતે એવો દાવો કર્યો હતો કે ટૂંક સમયમાં જ એકનાથ શિંદેને સાઇડલાઇન કરી દેવામાં આવશે અને શિવસેનામાં નવો ઉદય થશે. તેમનો ઇશારો કદાચ ઉદય સામંત તરફ હતો. એમના આવા દાવાનો જવાબ આપતા શિંદે સેનાના રાહુલ શેવાળે એ કહ્યું હતું કે 23મી જાન્યુઆરીએ રાજકીય ભૂકંપ આવશે. તેમનો ઇશારો ઠાકરે સેનાના કેટલાક નેતા પક્ષ છોડીને શિંદે સેનામાં જોડાવા તરફ હતો.