મરાઠવાડામાં વરસાદથી બેનાં મોત: ૩,૫૦૦નું સ્થળાંતર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મરાઠવાડા રિજનમાં વરસાદે ભારે ખાનાખરાબી સર્જી છે. ભારે વરસાદને પગલે મરાઠવાડા રિજનમાં બેનાં મોત થયા છે. તો ધારાશિવમાં જુદા જુદા વિસ્તારમાંથી ૩,૫૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. મરાઠવાડા રિજનના છત્રપતિ સંભાજી નગર અને અહિલ્યા નગરમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. રસ્તા પર મોટા પ્રમાણમાં ટ્રાફિક જૅમ થઈ ગયો હતો.
રેવેન્યૂ અધિકારીના જણાવ્યા મુજબ ૨૪ કલાકમાં છત્રપતિ સંભાજીનગરના હર્સુલ સર્કલમાં ૧૯૬ મિ.મી. વરસાદ નોંધાયો હતો. રિજનના બીડ, નાંદેડ અને પરભણીમાં પણ ભારે વરસાદને કારણે પૂર આવ્યા છે. મરાઠવાડા વિસ્તાર દુકાળગ્રસ્ત ગણાય છે પણ આ વર્ષે રિજનના છ જિલ્લાના ૧૮૯ રેવેન્યૂ સર્કલમાં અતિવૃષ્ટિને કારણે આવેલા પૂરને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
ધારાશિવ જિલ્લાના ઓર્મેગા અને પારાંડે તાલુકામાં એક-એક મૃત્યુ નોંધાયા હતા. એકનું મૃત્યુ પૂરના પાણીમાં તણાઈ જવાથી તો એકનું વરસાદી દુર્ઘટનાને કારણે થયું હતું. ધારાશિવ જિલ્લાના અધિકારીએ જણાવ્યું હતું કે શનિવાર રાતથી વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો જણાયો હતો. તેથી અસરગ્રસ્ત પરિવારને મદદ પૂરી પાડવાના પ્રયાસ ચાલુ કરવામાં આવ્યા છે.
પરાંડા વિસ્તારમાં આવેલા સિના કોલેગામ બંધમાંથી ૭૫,૫૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું પણ તે અગાઉ ૩,૬૧૫ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. છત્રપતિ સંભાજી નગરમાં સૌથી વધુ વરસાદ હર્સુલ તાલુકામાં ૧૯૬ મિ.મી. જેટલો નોંધાયો હતો. તો વિજાપુર તાલુકાના શિવુર બોરસર સર્કલમાં ૧૮૯.૨૫ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
અતિવૃષ્ટિને કારણે જાયકવાડી બંધના તમામ ૨૭ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા અને તેમાંથી ૧.૪૧ લાખ ક્યુસેક પાણી ગોદાવરી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ગોદાવરી નદીના કિનારે રહેતા ગ્રામવાસીઓને પૂરની ચેતવણી આપવામાં આવી છે.
રેવેન્યૂ અધિકારીના જણાવ્યા મુજબ મરાઠવાડા રિજનમાં ૪૮૩ રેવેન્યૂ સર્કલ આવેલા છે, જેમાં રેન ગેજ બેસાડવામાં આવ્યા છે. તેમાંથી ૧૮૯ સર્કલમાં ૨૪ કલાકમાં વધુ પડતો (દિવસમાં ૬૫ મિલીમિટરથી વધુ ) વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો…પાલઘરમાં વીજળી પડવાથી છ જખમી