ટિન્ટેડ ગ્લાસ વિરુદ્ધની કાર્યવાહી બચવા યુવકે કોન્સ્ટેબલને કારની અડફેટે લીધો

પુણે: પિપરી-ચિંચવડ પોલીસે વાહનના ટિન્ટેડ ગ્લાસ વિરુદ્ધ હાથ ધરેલી ઝુંબેશ દરમિયાન યુવકે કાર્યવાહીથી બચવા પોલીસ કોન્સ્ટેપલને કારની અડફેટે લીધો હોવાની ઘટના સામે આવી હતી. ઘટના બાદ ફરાર થવાનો પ્રયાસ કરનારા યુવકને પોલીસે પીછો કરી પકડી પાડ્યો હતો.
ધરપકડ કરાયેલા આરોપી કાર ડ્રાઈવરની ઓળખ પ્રશાંત કદમ (20) તરીકે થઈ હતી. આ પ્રકરણે દીધી પોલીસે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો અને મોટર વેહિકલ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
ALSO READ : સાંગલીમાં માર્ગ અકસ્માતમાં ચાર મજૂરનાં મોત, 10 ઘાયલ
પોલીસ ફરિયાદ અનુસાર ટ્રાફિક વિભાગમાં કાર્યરત સબ-ઈન્સ્પેક્ટર શ્રીકાંત તેમગિરેએ ટીમ સાથે સોમવારે ટિન્ટેડ ગ્લાસવાળાં વાહનો સામે કાર્યવાહી હાથ ધરી હતી. એ સમયે કોન્સ્ટેબલ રાહુલ મોટેએ એક કારને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે કદમે કાર રોકવાને બદલે પૂરપાટ દોડાવી મૂકી હતી.
કાર્યવાહીથી બચવા કદમે મોટેને કારની અડફેટે લીધો હતો. આ ઘટનામાં મોટેના માથા, પીઠ, ખભા અને પગ પર ઇજા થઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા મોટેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઘટના બાદ ફરાર થઈ રહેલા આરોપીને પોલીસે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.