દગડુશેઠના પંડાલમાં હજારો મહિલાઓએ રચ્યો આ ઈતિહાસ, જોઈ લો વીડિયો

પુણે: મહારાષ્ટ્રના પુણે શહેરના પ્રસિદ્ધ શ્રીમંત દગડુશેઠ ગણપતિ પંડાલમાં રવિવારે સવારે લગભગ 35,000થી 40,000 મહિલાએ ભગવાન ગણેશને સમર્પિત સંસ્કૃત ગ્રંથ ‘અથર્વશીર્ષ’ના મંત્રોચ્ચાર હતા. શનિવારથી 10 દિવસના ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. પરંપરાગત પોશાકમાં સજ્જ મહિલાઓ વહેલી સવારે પંડાલમાં એકઠી થઈ સ્તોત્રનું પઠન કર્યું હતું, એમ કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું હતું.
ભગવાન ગણેશને જ્ઞાન, શાણપણ અને સૌભાગ્યના દેવતા તરીકે પૂજવામાં આવે છે. દર વર્ષે ગણેશ ઉત્સવના બીજા દિવસે હજારોની સંખ્યામાં મહિલાઓ સંસ્કૃત શ્લોક જાપ કરે છે.
પુણે સ્થિત સેવાભાવી સંસ્થા શ્રીમંત દગડુ શેઠ હલવાઈ સાર્વજનિક ગણપતિ ટ્રસ્ટે જણાવ્યું હતું કે તેમના ગણેશ ઉત્સવની ઉજવણીમાં ‘અથર્વશીર્ષ’ના વાર્ષિક પઠનનું આ 39મું વર્ષ છે. પુણેના લોકોએ શનિવારે ઘરઘરમાં અને મંડળોમાં ‘સ્થાપન પૂજા’ સાથે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું હતું.
શહેરના પ્રખ્યાત પાંચ માનાચે ગણપતિ મંડળો – કસબા ગણપતિ મંડળ, શ્રી તાંબડી જોગેશ્વરી સાર્વજનિક ગણેશોત્સવ મંડળ, ગુરુજી તાલીમ મંડળ, તુળસીબાગ ગણપતિ મંડળ અને કેસરીવાડા ગણેશોત્સવ મંડળમાં પણ ગણેશજીનું ભક્તિભાવ અને પરંપરાગત ઉત્સાહથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યમાં આ તહેવારની જાહેર ઉજવણી 1890ના દાયકાથી થઈ રહી છે જ્યારે સ્વાતંત્ર્ય સેનાની બાળ ગંગાધર ટિળક અને અન્ય લોકોએ જનતાને એકત્રિત કરવા માટે તેનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો.
(પીટીઆઈ)