મરાઠા આરક્ષણ મુદ્દે હસ્તક્ષેપ કરવા આ નેતાઓએ રાજ્યપાલને કરી વિનંતી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપીના શરદ પવાર જૂથના સંસદસભ્ય સુપ્રિયા સુળે અને રાજ્ય એકમના અધ્યક્ષ અને ભૂતપૂર્વ મહેસુલ પ્રધાન જયંત પાટીલ રવિવારે રાજ્યપાલ રમેશ બૈસને મળવા માટે પહોંચ્યા હતા અને તેમણે રાજ્યમાં મરાઠા આરક્ષણ માટે થઈ રહેલા આંદોલન અને સરકારની આ મુદ્દે નિષ્ક્રિય ભૂમિકાને ધ્યાનમાં લેતાં રાજ્યપાલને આ મુદ્દે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી હતી.
રાજ્યપાલની મુલાકાત બાદ પત્રકારોને માહિતી આપતાં જયંત પાટીલે કહ્યું હતું કે મરાઠા આરક્ષણ માટે જે આંદોલન રાજ્યમાં ચાલી રહ્યું છે તેના પર રાજ્ય સરકારે તાકીદે ધ્યાન આપવાની આવશ્યકતા છે. મહાવિકાસ આઘાડીનું એક પ્રતિનિધિમંડળ પણ રાજ્યપાલની મુલાકાત લેવાનું છે. મહારાષ્ટ્રમાં જરાંગે-પાટીલ મરાઠા આરક્ષણ માટે ઉપવાસ કરી રહ્યા છે. તેમના ઉપવાસને કારણે જે સ્થિતિ નિર્માણ થઈ છે તેને પગલે દિવસે દિવસે યુવાનોની આત્મહત્યા વધી રહી છે. આને કારણે રાજ્યનું વાતાવરણ તંગ બન્યું છે.
આ સ્થિતિ પર ધ્યાન આપવા માટે સરકાર પાસે સમય નથી. સરકારે જરાંગેને આપેલું આશ્ર્વાસન પૂર્ણ કર્યું નથી. તેને કારણે તેઓ ફરીથી ઉપવાસ પર બેઠા છે, એવો આક્ષેપ પણ જયંત પાટીલે કર્યો હતો. મરાઠા સમાજને આરક્ષણ મળવું જોઈએ અને તેમના ન્યાયપૂર્ણ હક્કનું આરક્ષણ મળે તે માટે રાજ્યપાલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે સંપર્ક કરીને આરક્ષણ બાબતે વહેલામાં વહેલી તકે નિર્ણય લેવો જોઈએ, એમ પણ તેમણે કહ્યું હતું.
હિંસક થયું મરાઠા આરક્ષણ, બીડમાં બસ સેવા બંધ
—————————————————-
મહારાષ્ટ્રના બીડમાં મરાઠા આરક્ષણ આંદોલન હિંસક થયા બાદ એસટી (એમએસઆરટીસી) બસની સેવા બંધ કરી નાખવામાં આવી છે. આ નિર્ણય ઝોનલ ક્ધટ્રોલર દ્વારા લેવામાં આવ્યો હતો. વાસ્તવમાં શનિવારે રાતે એક બસને આગ ચાંપી દેવામાં આવી હતી. બીજી તરફ એક બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આવી જ રીતે રવિવારે કેટલીક બસો પર લગાવવામાં આવેલી સરકારી જાહેરાતોમાં મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનના ચહેરા પર ડામર ચોપડવામાં આવ્યો હતો.
મનોજ જરાંગેની તબિયત કથળી
———————————
મરાઠા આરક્ષણ માટે ભૂખ હડતાળ પર ઉતરેલા મનોજ જરાંગે-પાટીલના આંદોલનનો રવિવારે પાંચમો દિવસ હતો અને તેમની તબિયત કથળી હોવાનું કહેવાઈ રહ્યું છે. પત્રકારોને જવાબ આપતી વખતે તેમનો માઈક પકડેલો હાથ ધ્રુજી રહ્યો હતો અને શરીરમાં નબળાઈને કારણે અવાજ પણ નીકળતો નહોતો. તેમને આંદોલન સમેટી લેવા અને નહીં તો કમસે કમ તબીબી સારવાર લેવાનું સમજાવવા માટે સ્થાનિક કલેક્ટર પહોંચ્યા ત્યારે તેમની સત્તાવાર કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું જરાંગે પાટીલ આવે ચર્ચા માટે
—————————————————-
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મરાઠા આંદોલન કરી રહેલા મનોજ જરાંગે-પાટીલને અપીલ કરી હતી કે મરાઠા આરક્ષણને મુદ્દે ચર્ચા કરવા માટે કેમેરાની સામે ચર્ચા થઈ શકે નહીં, તેમણે ચર્ચા કરવા માટે સરકાર પાસે આવવું જોઈએ. આનો જવાબ આપતાં જરાંગે-પાટીલે કહ્યું હતું કે તમે ચર્ચા કરવા માટે આવી શકો છો, તમારો રસ્તો રોકવામાં આવશે નહીં. જ્યાં સુધી મારો અવાજ નીકળે છે ત્યાં સુધી આવો નહીં તો પછી કોઈ ફાયદો નહીં થાય.
મરાઠા સમાજના મૃતદેહ પર આરક્ષણનો જીઆર મૂકશો: ઉદ્ધવ ઠાકરે
———————————————————————
શિવસેના (ઉબાઠા)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ રવિવારે મહારાષ્ટ્ર સરકારની અત્યંત આકરી ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે મનોજ જરાંગે-પાટીલની તબિયત કથળી રહી છે. સરકાર તેમના પ્રાણ સાથે રમત કરવાનું રાજકારણ કરીને મહારાષ્ટ્રની સામાજિક એકતાને સંકટમાં મૂકી રહી છે. મરાઠા સમાજ તેમનો હક્ક માગી રહ્યો છે. તેમને મળવો જોઈએ. ઓબીસી, આદિવાસી સાથે અન્ય સમાજના હક્કને કોઈપણ પ્રકારે નુકસાન ન પહોંચાડતા મરાઠા, ધનગર સમાજને તેમના હક્કનું ટકાઉ આરક્ષણ મળવું જોઈએ. જરાંગે ઉપવાસ કરી રહ્યા છે, પરંતુ આરક્ષણ માટે રોજ લોકો આત્મહત્યા કરી રહ્યા છે. મરાઠા સમાજના મૃતદેહ પર આરક્ષણનો આદેશ (જીઆર) સરકાર મૂકવાની છે? એવો સવાલ કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે સરકાર મન કી બાત કરે છે, પરંતુ તેમનું મન નિર્દય છે. જરાંગે પાટીલનો જીવ બચાવવાનું વલણ જોવા મળતું નથી.
મરાઠા આરક્ષણ સંદર્ભે ગઠિત કેબિનેટ ઉપસમિતિની તાકીદની બેઠક સોમવારે
——————————————————————————-
મરાઠા આરક્ષણ અને સુવિધા માટે ગઠિત કરવામાં આવેલી કેબિનેટની ઉપસમિતિની તાકીદની બેઠકનું આયોજન સોમવારે 30 ઑક્ટોબરે સવારે 10.00 વાગ્યે મંત્રાલયમાં કરવામાં આવ્યું છે, એવી માહિતી રાજ્યના ઉચ્ચ અને તકનીકી શિક્ષણ ખાતાના પ્રધાન તેમ જ આ કેબિનેટ ઉપસમિતિના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે રવિવારે કહ્યું હતું.આ બેઠકમાં મરાઠવાડાના મરાઠા સમાજને મરાઠા-કુણબી, કુણબી-મરાઠા જાતીનું પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયામાં આવશ્યક એવા અનિવાર્ય પુરાવાની કાનૂની અને પ્રશાસકીય તપાસ કરવા માટે તપાસને અંતે મરાઠા સમાજને જાતી પ્રમાણપત્ર આપવાની કાર્યપદ્ધતિ નક્કી કરવા માટે ન્યાયમૂર્તિ સંદીપ શિંદે (નિવૃત)ની અધ્યક્ષતા હેઠળની સમિતિએ અત્યાર સુધીમાં કરેલા કામની માહિતી આપવામાં આવશે, એવી માહિતી તેમણે આપી હતી.