‘આજકાલ પ્રોપગંડા ફિલ્મો બની રહી છે’ જયા બચ્ચન અને પ્રિયંકા ચતુર્વેદી બોલીવૂડ અને રાજકારણ વિષે ખુલ્લીને વાત કરી

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન (Jaya Bachchan) અને શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી (Priyancha Chaturvedi)એ રાજ્યસભા ગૃહમાં ધારદાર ભાષણો આપવા માટે જાણીતા છે. આ બંને મહિલા સાંસદો હાલમાં જ એક ટીવી ચેનલના કાર્યક્રમમાં એક જ સ્ટેજ પર જોવા મળ્યા હતાં. બંને સાંસદોએ આ મહિલાઓને લગતા મુદ્દાઓ, બોલીવુડ અને રાજકારણ વિષે ખુલ્લીને વાત કરી.
જયા બચ્ચને તેમની સિનેમાથી સંસદ સુધીની સફર વિશે વિગતે વાત કરી. જયા બચ્ચને કહ્યું કે તેઓ સેનામાં જોડાવા ઈચ્છતા હતાં, પરંતુ તે સમયે સેનામાં મહિલાઓ માટે પ્રવેશ મળતો ન હતો. પ્રિયંકા ચતુર્વેદીએ એમ પણ કહ્યું કે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે.
‘મારામાં નેતા બનવાના ગુણ નથી.’: જયા બચ્ચન
રાજકારણમાં મહિલાઓની ભૂમિકા અંગે જયા બચ્ચને કહ્યું, ‘હું નેતા ન બની શકી, ફક્ત એક કાર્યકર્તા બની શકી. મારામાં નેતૃત્વના કોઈ ગુણ નથી. ફિલ્મોમાં અભિનય કરવાના ગુણો મારામાં છે. મહિલાઓનું રાજકારણમાં આવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સમાજમાં પરિવર્તન લાવવા માટે મહિલાઓએ રાજકારણમાં આવવું જોઈએ.”
તેમણે કહ્યું, ‘રાજકારણમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધવું જોઈએ. સ્ત્રીઓ જેટલી પ્રગતિશીલ વિચારસરણી પુરુષો પાસે નથી. પહેલા રાજ્યસભામાં કોઈ રાજકારણ નહોતું. હાલ રાજ્યસભામાં રાજકારણ થવુંએ દુર્ભાગ્યપૂર્ણ છે.’
જયા બચ્ચને મુલાયમ સિંહના વખાણ કર્યા:
જયા બચ્ચને કહ્યું, ‘સમાજવાદી પાર્ટીએ મને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. મને સપામાં વિચારવાની અને બોલવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. હું ફક્ત એક અભિનેત્રી હોવાને કારણે સંસદમાં નથી પહોંચી. મુલાયમ સિંહ યાદવ એક સાચા નેતા હતા. હું સમાજ માટે કંઈક કરવા માટે રાજકારણમાં આવી. આજકાલ પ્રોપગંડા ફિલ્મો બની રહી છે. આજકાલ રાજકીય પક્ષો પણ ફિલ્મો બનાવી રહ્યા છે.’
આ પણ વાંચો…પૂર્વ જન્મમાં છત્રપતિ શિવાજી મહારાજ હતા નરેન્દ્ર મોદીઃ ભાજપના નેતાએ નિવેદન આપતા વિવાદ સર્જાયો
પ્રિયંકા ચતુર્વેદીએ શું કહ્યું?
શિવસેના (UBT)સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું રાજકારણમાં પ્રવેશ કરીશ. 26/11 ના હુમલા પછી જીવનની દિશા બદલાઈ ગઈ છે. હું સમાજ સેવા કર્યા પછી રાજકારણમાં પ્રવેશી. નીતિ નિર્માણમાં મહિલાઓની ભાગીદારી વધવી જોઈએ. રાજકીય પક્ષો મહિલાઓને રાજ્યસભામાં મોકલવાનું ટાળે છે. રાજ્યસભા માટે પુરુષોને પ્રાથમિકતા આપવામાં આવે છે. શિવસેના (UBT) એ હંમેશા મને બોલવાની તક આપી છે.’
મહિલાઓ માટે રાજકારણમાં પ્રવેશવાની સુવર્ણ તક. રાષ્ટ્ર નિર્માણ માટે મહિલાઓએ રાજકારણમાં આવવું જોઈએ. મહિલાઓએ પોતાના પર વિશ્વાસ રાખીને આગળ વધવું જોઈએ.’
પ્રિયંકા ચતુર્વેદીના કંગના પર પ્રહાર:
પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, ‘મને કોઈના પાસેથી હિન્દુત્વના પ્રમાણપત્રની જરૂર નથી. સત્તા દુરુપયોગ ન થવો જોઈએ. કંગના રનૌત અચાનક રાજકારણમાં નથી પ્રવેશી. કંગનાનો રાજકીય એજન્ડા પહેલેથી જ નક્કી હતો. કંગનાનું રાજકારણ પહેલા શરૂ થયું હતું. કંગનાએ પહેલા બોલિવૂડ પર નિશાન સાધ્યું, કંગનાએ પછી રાજકીય પક્ષો પર નિશાન સાધ્યું.’