વારસામાં તાજ મળે બુદ્ધિ નહીં: એકનાથ શિંદે
નાગપુર: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે રાજ્ય વિધાન પરિષદમાં શિવસેના યુબીટીના નેતા ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે વારસામાં તાજ મળી શકે છે, બુદ્ધિ નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે મહાયુતિ મહારાષ્ટ્રને ત્રણગણી ઝડપે વિકાસની દિશામાં આગળ લઈ જશે. તેમણે એવો દાવો કર્યો હતો કે મહાયુતિ દ્વારા કરવામાં આવેલા વિકાસકામોને આધારે તે ફરી સત્તામાં આવી છે.
કોઈનું પણ નામ લીધા વગર શિંદેએ ટીકા કરતાં કહ્યું હતું કે, કેટલાક લોકોને વારસામાં તાજ મળે છે, બુદ્ધિ નહીં. તેમણે એવી પણ ટીકા કરી હતી કે તેઓ ગૃહમાં પાર્ટ-ટાઈમ પ્રવૃત્તિ તરીકે મહેમાન તરીકે આવે છે. રાજ્યપાલના ભાષણ પરની ચર્ચાનો જવાબ આપતાં શિંદેએ કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન મહાયુતિએ વિપક્ષે લોકસભાની ચૂંટણીમાં જે ફેક નેરેટિવ ફેલાવ્યો હતો તેની હવા કાઢી નાખી હતી.
આ પણ વાંચો: નાયબ મુખ્ય પ્રધાન તરીકે હું પણ ફડણવીસની સાથે એટલી જ તાકાત સાથે ઉભો રહીશ: એકનાથ શિંદે
શિંદેએ કહ્યું હતું કે તેમનો ઉલ્લેખ ગેરકાયદે મુખ્ય પ્રધાન તરીકે કરવામાં આવતો હતો, પરંતુ મહાયુતિની સરકારે મહિલાઓ, ખેડૂતો અને સમાજના અન્ય વર્ગોના કલ્યાણ માટે કામ કર્યું હતું અને તેને પરિણામે જ્વલંત વિજય મેળવ્યો હતો.
નાયબ મુખ્ય પ્રધાન તરીકે હું સામાન્ય માણસને સમર્પિત છું, એમ જણાવતાં શિંદેએ ઉમેર્યું હતું કે તેમની સરકાર રાજ્યમાં વિકાસના કામો ત્રણગણી ઝડપે આગળ ધપાવશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે હું કોઈની ટીકા કરવા માગતો નથી, પરંતુ છેલ્લા અઢી વર્ષમાં અમારે ફક્ત ટીકાનો સામનો કરવો પડ્યો છે. હવે ચૂંટણી પતી ગયા પછી પણ આ લોકો બંધ થયા નથી. કેટલાક લોકોને વારસામાં તાજ મળે છે, બુદ્ધિ નહીં.
મહાયુતિ સરકાર દ્વારા વિદર્ભના વિકાસ માટે કરવામાં આવેલા કામ ગણાવતાં તેમણે કહ્યું હતું કે સમૃદ્ધિ એક્સપ્રેસનો છેલ્લો તબક્કો પૂર્ણ થવાને આરે છે. નાગપુરને લોજિસ્ટિક હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે અને નક્સલવાદનો ગઢચિરોલીમાંથી નાશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: લાડકા ભાઈએ લાડકી બહેનની કરી અવગણના એકનાથ શિંદેની પાર્ટીએ એકેય મહિલા પ્રધાન ન આપી
તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર મહિલાઓને સશક્ત બનાવવા માટે કટિબદ્ધ છે અને લાડકી બહેન યોજનાના ડિસેમ્બરના હપ્તા માટે 1,400 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકાર મહારાષ્ટ્રમાં વર્ષે એકલાખથી વધુ કમાણી કરનારી મહિલાઓની સંખ્યા 50 લાખ પર લઈ જવા માગે છે.
ખેડૂતો માટેની કલ્યાણ યોજના અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે 7,781 કરોડ રૂપિયાની લોન 45 લાખ ખેડૂતો દ્વારા લેવામાં આવી હતી, તેને બળી રાજા સંજીવની યોજના હેઠળ માફ કરવામાં આવી છે. રાજ્ય સરકારે ખેડૂતોને સહાય પેટે હેક્ટરદીઠ 5000 રૂપિયા આપ્યા છે. મહારાષ્ટ્રમાં પચીસ લાખ હેક્ટર જમીન સિંચાઈ હેઠળ લાવવામાં આવશે. દુકાળ ગ્રસ્ત મરાઠવાડા અને અન્ય ભાગની પાણીની અછતની યોજનાનું નિવારણ કરવામાં આવશે, એમ પણ તેમણે કહ્યું હતું.