થાણેની ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાથી એકનું મોત, ફટાકડાની જેમ સિલિન્ડર ફાટ્યા
આજે સવારે મુંબઈ શહેરની બાજુમાં આવેલા ભાયંદરમાં ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને અન્ય ત્રણ ઘાયલ હોવાનું કહેવાય છે. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 24 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. આ ઘટના સવારે લગભગ છ વાગે બની હતી. આગ લાગી ત્યારે સ્થળ પરથી ગેસના સિલિન્ડર ફાટવાના અવાજો પણ આવી રહ્યા હતા.
આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી અને ચારે બાજુ કાળોધુમાડો જ જોવા મળી રહ્યો હતો. આગ પર કાબુ મેળવવા માટે અગ્નિ શમન દળની 24 ગાડીને સ્થળ પર બોલાવવામાં આવી હતી. આગ લાગવાની ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. અગ્નિ શમન દળનો એક કર્મચારી પણ આગમાં ઘાયલ થયો છે.
મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન (MBMC) કમિશનર સંજય કાટકરે સ્થળ પર બચાવ અને રાહત કાર્યની દેખરેખ રાખી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના આઝાદ નગર ઝૂંપડપટ્ટીમાં સવારે 5 વાગ્યે બની હતી. આગ લાગ્યા બાદ ઝૂંપડામાં રહેતા લોકો અને વિસ્તારના અન્ય રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા. અમને જાણવા મળ્યું છે કે આ ઘટનામાં બે બાળકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અગ્નિ શમન દળનો એક જવાન પણ ઘાયલ થયો છે.
MBMCના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા નરેન્દ્ર ચવ્હાણે જણાવ્યું હતું કે સ્થળ પર એક બળી ગયેલી લાશ મળી આવી હતી અને તેને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે MBMC અને અન્ય પડોશી નાગરિક સંસ્થાઓના ઓછામાં ઓછા 24 ફાયર ટેન્ડરો સ્થળ પર મોકલવામાં આવ્યા હતા અને આગને કાબૂમાં લેવામાં આવી હતી.