મહારાષ્ટ્ર

થાણેની બહુમાળીય બિલ્ડીંગની આગમાં બે જખમી ૭૦થી વધુ રહેવાસીઓને બચાવી લેવાયા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે
: થાણે પશ્ચિમમાં શાસ્ત્રી નગરમાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ ૧૮ માળની બહુમાળીય બિલ્ડિંગના ઈલેક્ટ્રિક ડક્ટમાં મંગળવારે વહેલી પરોઢે લાગેલી આગમાં ૭૦થી વધુ ફસાઈ ગયેલા રહેવાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. જોકે આગમાં બે સિનિયર સિટીઝન દાઝી ગયા હતા.

થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ થાણે પશ્ર્ચિમમાં શાસ્ત્રી નગરમાં ગ્રાઉન્ડ પ્લસ ૧૮ માળની મિલન હિલ નામની બિલ્િંડગ આવેલી છે. મંગળવારે વહેલી સવારના ૪.૧૪ વાગે બિલ્ડીંગના ૧૦મા માળા પર આવેલા ઈલેક્ટ્રિક ડક્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ૧૦માથી ૧૩મા માળા સુધીના ઈલેક્ટ્રિટ ડક્ટમાં ફેલાઈ ગઈ હતી અને તેને કારણે મોટા પ્રમાણમાં ધુમાડો પૂરી બિલ્ડીંગમાં ફેલાઈ ગયો હતો. ઈલેક્ટ્રિક ડકટની આગ ૧૦મા માળ પરના ફ્લેટ નંબર ૧૦૦૫ અને ૧૦૦૬ના ફ્લેટના મેઈન દરવાજામાં પણ ફેલાઈ ગઈ હતી.

આગની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પૂરી બિલ્ડિંગમાં આગને કારણે ધુમાડો ફેલાઈ ગયો હતો. વહેલી સવાર હોવાથી મોટાભાગના રહેવાસીઓ ઊંઘમાં હતા. આગની જાણ થયા બાદ બહાર નીકળવાની કોશિષ કરી હતી પણ ધુમાડો આખી બિલ્ડીંગમાં ફેલાઈ ગયો હતો.

લગભગ ૭૦થી વધુ રહેવાસીઓ બિલ્ડિંગમાં ફસાઈ ગયા હતા, જેમાં ૧૦મા માળ પર આવેલા ફ્લેટ નંબર ૧૦૦૫ના ચાર રહેવાસી સહિત ફ્લેટ નંબર ૧૦૦૬ના ત્રણ રહેવાસીઓ પણ તેમના ઘરના દરવાજામાં આગ લાગી હોવાથી બહાર નીકળી શક્યા નહોતા.

ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ તમામ રહેવાસીઓને બિલ્ડિંગની બહાર સુરક્ષિત રીતે કાઢયા હતા પણ આ દરમ્યાન ફ્લેટ નંબર ૧૧૦૪માં રહેતા રુચિરા દેશમુખ અને ૬૨ વર્ષના વિવેક પ્રધાન દાઝી ગયા હતા. બંનેને ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

સવારના લગભગ ૫.૩૦ વાગે આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોકે મોડે સુધી કુલિંગ ઓપરેશન ચાલ્યું હતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button