થાણેવાસીઓને પાંચ વર્ષમાં મળશે ચાર મેયર

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેમાં મૅયર પદ માટે ભાજપ અને શિંદે સેના વચ્ચે લાંબી ખેંચતાણ બાદ હવે શિંદે સેના પાસે મૅયર પદ અને ભાજપ પાસે ડેપ્યુટી મૅયર પદ રહેવાનું નક્કી થઈ ગયું છે પણ નગરસેવકોને નારાજગીને ધ્યાનમાં રાખીને બંને પક્ષોએ આપસી નિર્ણય લઈને મૅયર અને ડેપ્યુટી મૅયર પદની મુદત સવા વર્ષની રાખવાનો નિર્ણય લીધો છે. તેથી થાણેવાસીઓને આગામી પાંચ વર્ષમાં ચાર મેયર મળશે.
મુંબઈ મહાનગરપાલિકામાં મૅયરપદની ચૂંટણી ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં થવાની શક્યતા વચ્ચે થાણે મહાનગરપાલિકામાં શુક્રવારે મૅયરપદ માટે શિંદે સેનાની કોપરીની નગરસેવિકા શર્મિલા પિંપળોલકર-ગાયકવાડે ઉમેદવારી દાખલ કરી હતી. તો ડેપ્યુટી મૅયર પદ માટે ભાજપને ફાળે ગયું છે અને તેની ચૂંટણી ત્રણ ફેબ્રુઆરીના થવાની છે.
થાણે મહાનગરપાલિકામાં મૅયર અને ડેપ્યુટી મૅયરપદ માટેનો કાર્યકાળ અઢી વર્ષનો હોવા છતાં શિંદેસેના અને ભાજપે પક્ષ અંતર્ગત નિર્ણય લઈને મૅયર પદ અને ડેપ્યુટી મૅયર પદનો કાર્યકાળ સવા વર્ષનો રાખવાનો નિર્ણય લીધો છે, તે અંતર્ગત થાણે મહાનગરપાલિકામાં આગામી પાંચ વર્ષમાં ચાર મૅયર અને ચાર ડેપ્યુટી મૅયર બનશે.
થાણે મહાનગરપાલિકામાં મૅયર અને ડેપ્યુટી મૅયરપદ માટે ફોર્મુલ્યા નક્કી કરવામાં આવ્યો છે, જેમાં મૅયર પદની મુદત સવા વર્ષ માટે હશે. એટલે કે પાંચ વર્ષમાં થાણેમાં પાંચ મૅયર બનશે. મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે ફોર્મુલ્યા નક્કી કરવામાં આવ્યો હોઈ પહેલા સવા વર્ષ માટે મૅયરપદે શર્મિલા પિંપળોલકર અને ત્યારબાદ સવા વર્ષ માટે ફરી શિંદે સેનાનો જ મેયર રહેશે. તે મુજબ જ ભાજપ તરફથી પણ ડેપ્યુટી મૅયરપદ સવા વર્ષ માટે રહેશે અને ત્યારબાદ ફરી સવા વર્ષે ડેપ્યુટી મૅયરપદ બદલવામાં આવશે અને બીજાને તક આપવામાં આવશે.
શિંદેસેના સિનિયર નેતાના કહેવા મુજબ મૅયરપદ માટે શિંદે સેનામાં અનેક ઈચ્છુક ઉમેદવાર હતા. બંને પક્ષમાં મેયર અને ડેપ્યુટી મેયર માટે ઉમેદવારી નહીં મળવાને કારણે અનેક નગરસેવકોમાં નારાજગી વ્યાપી ગઈ હતી અને નગરસેવકોને નારાજ કરવું બંને પક્ષમાંથી કોઈને પરવડે એમ નહોતું. તેથી દરેકને તક મળી રહે તે માટે અમુક નારાજ લોકોને કમિટીમાં સમાવી લેવાની સાથે જ મૅયરપદનો સમયગાળો સવા વર્ષનો રાખવાનો ભાજપ અને શિંદે સેના આપસી રીતે નિર્ણય લીધો હતો, જેથી સૌ કોઈને તક મળી શકે.
થાણે મહાનગરપાલિકાની ચૂંટણીમાં શિંદે સેનાને પૂર્ણરીતે બહુમતી મળતા સૌથી મોટો પક્ષ તરીકે ઊભરી આવ્યો છે. શિવસેના ૭૫ અને ભાજપના ૨૮ નગરસેવક ચૂંટાયા છે. તેથી મેયર શિંદેસેનાનો હશે તે નક્કી હતું છતાં મુંબઈ મહાનગરપાલિકામાં જે રીતે શિંદે અને ભાજપ વચ્ચે મૅયર પદને લઈને અનેક દિવસોથી નિર્ણય લઈ શકાયો નથી તે મુજબ થાણેમાં પણ શિંદે અને ભાજપ વચ્ચે મૅયરપદને લઈને ખેંચતાણ હતી. જોકે શિંદના ૭૫ અને અપક્ષનો સાથ મળતા તેનું સંખ્યાબળ ૭૬ થતાં તેનો હાથ ઉપર રહ્યો હતો.



