મહિલાનું ગળું દબાવવાનો પ્રયાસ, તેના કુટુંબને મારી નાખવાની ધમકી: રીઢા આરોપી સામે ગુનો…

થાણે: થાણે જિલ્લામાં 36 વર્ષની મહિલાનું ગળું દબાવવાનો પ્રયાસ કરવા અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ રીઢા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. બદલાપુરમાં મંગળવારે બપોરે આ ઘટના બની હતી. આરોપીની ઓળખ અક્ષય કુરતડકર તરીકે થઇ હોઇ તેના ક્રિમિનલ રેકોર્ડને કારણે તેને અગાઉ વિસ્તારમાંથી તડીપાર કરવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર કુરતડકરે 13 જાન્યુઆરીએ મહિલાને મળવા માટે બોલાવી હતી અને તેને ધમકી આપી હતી કે તેના પુત્રની સ્કૂલનું શેડ્યુલ તે જાણે છે. આરોપીએ જણાવેલા સ્થળે મહિલા આવી ત્યારે તેને જબરજસ્તીથી રિક્ષામાં બેસાડવાનો આરોપીએ પ્રયાસ કર્યો હતો અને તેના ખાનગી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.
મહિલાએ પ્રતિકાર કરતાં આરોપીએ તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેના સગીર પુત્રને મારી નાખવાની અને ભાઇની દુકાનમાં તોડફોડ કરવાની ધમકી આપી હતી.પોલીસે આરોપી કુરતડકર વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, ગુનાહિત ધાકધમકી તથા અન્ય આરોપ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. તડીપારના આદેશનો ભંગ કરવા બદલ તેની સામે મહારાષ્ટ્ર પોલીસ એક્ટ પણ લાગુ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)



