રાજ્યમાં 11,000થી વધુ રોકાણકારો સાથે 500 કરોડ રૂપિયાની છેતરપિંડી આર્થિક ગુના શાખાએ ગુજરાતથી દંપતી સહિત ત્રણની ધરપકડ કરી

થાણે: રાજ્યભરમાં પંદરસો પોલીસ કર્મચારીઓ સહિત 11,000થી વધુ રોકાણકારો સાથે 500 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં થાણે પોલીસની આર્થિક ગુના શાખાએ ગુજરાતથી નાર્વેકર દંપતી અને તેમના સાગરીતને ઝડપી પાડ્યાં હતાં.
આર્થિક ગુના શાખાએ ગુરુવારે ગુજરાતમાંથી સમીર નાર્વેકર, તેની પત્ની નેહા નાર્વેકર અને તેમના સાગરીત અમિત પાલવની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ 2019માં પુણેમાં તેના વડામથક ખાતે ટ્રેડ વિથ જાઝ નામની ઇન્વેસ્ટમેન્ટ કંપની શરૂ કરી હતી. કંપની દ્વારા આકર્ષક વ્યાજની યોજનાઓ જાહેર કરાતાં 1,500 પોલીસ કર્મચારીઓ સહિત 11,000થી વધુ રોકાણકારોએ તેમાં રોકાણ કર્યું હતું.
આ પણ વાંચો : રોકાણકારો સાથે 2.39 કરોડની છેતરપિંડી: આરોપીની ધરપકડ
આરોપીએ શેરબજારમાં ટ્રેડિંગ અને એવા બીજા રોકાણનાં સાહસો પર માસિક ચાર ટકાનું વળતર આપવાનું વચન આપ્યું હતું. આરોપીઓએ વિશ્ર્વાસ સંપાદન કરવા માટે 10 ટકાથી વધુ માસિક કમાણી થશે, એવું જણાવ્યું હતું.
રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં રોકાણકારોએ રૂપિયા રોક્યા બાદ કંપનીની ઓફિસને તાળાં મારીને આરોપીએ રફુચક્કર થઇ ગયા હતા. તેમણે બાદમાં રોકાણકારોને પ્રતિસાદ આપવાનું બંધ કરી દીધું હતું, જેને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરંભિક તપાસમાં રોકાણકારો સાથે 500 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરાઇ હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો : અમદાવાદમાં વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડની છેતરપિંડી, 12 આરોપીની ધરપકડ…
તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે અનેક સરકારી અધિકારીઓ અને અમલદારો, કેટલાક નિવૃત્ત અધિકારીઓએ આ યોજનામાં રોકાણ કર્યું હતું.
ત્રણેય આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (એમપીડીએ) એક્ટ, 1999 અને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 61 (2) (ફોજદારી કાવતરું) તથા 316 (5) (વિશ્ર્વાસઘાત) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
થાણે પોલીસે આરોપીઓના બૅંક ખાતાં, નાણાકીય દસ્તાવેજો અને નાણાં પ્રવાહોની તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં વધુ ધરપકડની શક્યતા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)


