એચઆર મેનેજરે શેર ટ્રેડિંગ ફ્રોડમાં 36 લાખ રૂપિયા ગુમાવ્યા…

થાણે: શેર ટ્રેડિંગમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે એચઆર મેનેજર સાથે 36.74 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. ફરિયાદી એચઆર મેનેજરનો એક મહિલાએ સંપર્ક સાધ્યો હતો અને પોતે સેબી-રજિસ્ટર્ડ કંપનીની પ્રતિનિધિ હોવાનો દાવો કર્યો હતો. મહિલાએ ત્યાર બાદ ફરિયાદીનો મોબાઇલ નંબર વ્હૉટ્સઍપ ગ્રૂપમાં ઍડ કર્યો હતો અને શેર ટ્રેડિંગમાં રોકાણ પર આકર્ષક વળતરનું તેને આશ્ર્વાસન આપ્યું હતું, એમ નેરુળ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
મહિલાએ બાદમાં ફરિયાદીના મોબાઇલ પર એક લિંક મોકલી હતી, જે તેણે ડાઉનલોડ કરી હતી. શરૂઆતમાં પચાસ હજારનો નફો થયા બાદ ફરિયાદીએ ઑગસ્ટથી સપ્ટેમ્બર, 2025 દરમિયાન કુલ 36.74 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે તે નફાની રકમ ઉપાડી શક્યો નહોતો. આથી પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, એમ નેરુળ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બ્રહ્માનંદ નાઇકવાડીએ જણાવ્યું હતું.
આ પ્રકરણે અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)



