થાણેની કોર્ટે 2022ના ઍસિડ ઍટેક કેસમાં આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી…

ભયંકર-હિંસક ગુનાએ પીડિતાના જીવનને જીવતું દોજખ બનાવી દીધું: કોર્ટ
થાણે: થાણે જિલ્લાની કોર્ટે 2022માં મહિલા પર ઍસિડ હુમલો કરીને તેને ગંભીર ઇજા પહોંચાડવા બદલ આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. કોર્ટે નોંધ્યું હતું કે ‘ભયંકર અને હિંસક’ ગુનાએ પીડિતાને જીવનને ‘જીવતું દોજખ’ બનાવી દીધું છે.
એડિશનલ સેશન્સ જજ જી.જી. ભણસાલીએ મુંબઈના રહેવાસી આરોપી કોલીમુદ્દીન આમિર શેખ (49)ને 2022માં થયેલા ઍસિડ હુમલા માટે ભારતીય દંડસંહિતાની કલમ 326-એ (સ્વેચ્છાએ ઍસિડ વિગેરેના ઉપયોગથી ગંભીર ઇજા પહોંચાડવી) હેઠળ દોષી ઠેરવ્યો હતો. કોર્ટે 3 ફેબ્રુઆરીએ આ ચુકાદો આપ્યો હતો.
એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર આર.ડબ્લ્યુ. પાંડેએ પશ્ર્ચિમ બંગાળના મજૂર એવા આરોપી માટે કડક સજાની માગણી કરી હતી અને આરોપ સાબિત કરવા માટે કોર્ટમાં નવ સાક્ષીદારને રજૂ કર્યા હતા.કેસની માહિતી અનુસાર થાણેમાં રહેતી વિધવા તસ્લિમા શેખ ટિફિન સર્વિસ પૂરી પાડતી હતી અને આરોપી સાથે રિલેશનશિપમાં હતી.
22 એપ્રિલ, 2022ના રોજ પીડિતાના થાણેના નિવાસસ્થાને આરોપી પ્રવેશ્યો હતો અને તેણે પીડિતાના ચહેરા પર નાઇટ્રિક ઍસિડ ફેંક્યું હતું. જેમાં પીડિતા ગંભીર રીતે દાઝી ગઇ હતી.જજ ભણસાલીએ નોંધ્યું હતું કે શારીરિક ઇજાઓ ઉપરાંત પીડિતાને ‘ઊંડો માનસિક આઘાત’ લાગ્યો હતો અને તેનું જીવન ‘જીવતું દોજખ’ બની ગયું હતું. આ એક મહિલા સામનો ભયંકર અને હિંસક ગુનો છે, એવું આદેશમાં જણાવાયું હતું.
કોર્ટે આરોપીને આ કેસમાં આજીવન કારાવાસની સજા ઉપરાંત પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો, જ્યારે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી (ડીએલએસએ)ને પીડિતાને વળતર યોજના હેઠળ સહાય મળે તેની ખાતરી કરવાના નિર્દેશ આપ્યા હતા. (પીટીઆઇ)



