થાણેની કોર્ટે યુવકની હત્યાના કેસમાં પિતા-પુત્રને નિર્દોષ જાહેર કર્યા…

થાણે: થાણે જિલ્લાની કોર્ટે 2022ના હત્યાકેસમાં પુરાવાના અભાવે 69 વર્ષના વૃદ્ધ અને તેના પુત્રને નિર્દોષ જાહેર કર્યા હતા.
પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એસ.બી. અગ્રવાલે શુક્રવારે અવિનાશ રામબદન યાદવ (39) અને તેના પિતા રામબદન બરસન યાદવને હત્યા અને મારપીટના આરોપમાં નિર્દોષ જાહેર કર્યા હતા.
અવિનાશ યાદવની બહેન સાથે પ્રેમસંબંધને લઇ જૂન, 2022માં સુનીલ જગન્નાથ યાદવ (23)ની હત્યા કરવાનો પિતા-પુત્ર પર આરોપ હતો. તપાસકર્તા પક્ષ અનુસાર અવિનાશ અને રામબદન યાદવના ઉપવન વિસ્તારમાં આવેલા ઘરમાં 26 જૂન, 2022ના રોજ સુનીલ યાદવને બાંધીને તેની બેરહેમીથી મારપીટ કરવામાં આવી હતી. ગંભીર રીતે ઘવાયેલા થયેલા સુનીલનું ત્રણ દિવસ બાદ કેઇએમ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તેના શરીર પર ઇજાના 46 નિશાન હતા.
કોર્ટે ફરિયાદ નોંધાવવામાં થયેલા વિલંબની નોંધ લીધી હતી અને ઠરાવ્યું હતું કે મૃતકના પરિવાર અને પડોશીઓની જુબાનીમાં વિસંગતતા છે.બચાવ પક્ષે દલીલ કરી હતી કે રહેવાસીઓએ સુનીલ યાદવને ચોર સમજી લીધો હતો, કારણ કે તેના આખા શરીર પર ઘઉંનો લોટ લાગ્યો હતો અને તે ભાગી રહ્યો હતો. (પીટીઆઇ)



