થાણેમાં 2015માં પ્રોપર્ટી ડીલરની હત્યા:કોર્ટે તમામ આઠ આરોપી નિર્દોષ જાહેર કર્યા…

થાણે: થાણે કોર્ટે 2015માં પ્રોપર્ટી ડીલરની થયેલી હત્યાના કેસમાં તમામ આઠ આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષ આરોપો પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હતો, કારણ કે સાક્ષીદારો હુમલાખોરોને ઓળખી શક્યા નહોતા. ટ્રાયલ દરમિયાન આ કેસના એક આરોપીનું મૃત્યુ થયું હતું.
પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ એસ.બી. અગ્રવાલે શનિવારે આપેલા ચુકાદામાં અવલોકન કર્યું હતું કે કેસનો પાયો, હત્યારાઓની ઓળખ મૂળભૂત રીતે ખામીયુક્ત હતા.ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ સ્થાનિક પ્રોપર્ટી ડીલર બંટી પ્રધાન તેના મિત્રો સાથે 13 એપ્રિલ, 2015ના રોજ મીરા-ભાયંદર રોડ પર બારમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે અજાણ્યા શખસોએ તેના પર ગોળીબાર કર્યો હતો. ગોળી વાગવાથી ગંભીર ઇજા પામેલા પ્રધાનનું મૃત્યુ થયું હતું, જ્યારે તેનો મિત્ર સચિન મનોહર વિજયકર ઇજા પામ્યો હતો.
પોલીસે દાવો કર્યો હતો કે આ હુમલો મિલકતને લઇને થયેલા વિવાદનું પરિણામ હતું. પોલીસે ભારતીય દંડસંહિતાની કલમ 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ) તેમ જ 120-બી (ગુનાહિત કાવતરું) તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી.
જજે નોંધ્યું હતું કે માહિતી આપનાર વ્યક્તિએ કોર્ટ સમક્ષ એવું કહીં આરોપીઓને ઓળખ્યા નહોતા કે તે સાચા હુમલાખોરોને ઓળખતો નહોતો.કોર્ટે એવું પણ નોંધ્યું હતું કે ગોળીબારનો અવાજ સાંભળનાર ઝુલેખા શેખ સહિતના સાક્ષીદારો પણ આરોપીઓને ઓળખી શક્યા નહોતા.
કોર્ટે આ કેસમાં જિતેન જ્વાલા, રાજેશ ચવાણ, રવીન્દ્ર આર્ય, જટાશંકર પાંડે, મૂકેશ શેટ્ટી, અજય સિંહ, યશોદીપ નાઇક અને રાહુલ શર્માને નિર્દોષ જાહેર કર્યા હતા, જ્યારે આરોપી મયંક ગાલાનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું. (પીટીઆઇ)



