બાળાસાહેબ ઠાકરે સ્મૃતિસ્થળ પર ઠાકરે-શિંદે જૂથ આમને-સામને: પોલીસ એક્શન મોડમાં

મુંબઇ: શિવસેના પ્રમુખ સ્વ. બાળાસાહેબ ઠાકરેના સ્મૃતીસ્થળ પર શિવસેના શિંદે જૂથ અને ઠાકરે જૂથના કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ થયો હતો. બંને પક્ષો દ્વારા ધક્કા મારીને ઘોષણાઓ કરવામાં આવી હોવાનો આક્ષેપ એકબીજા પર કરવામાં આવ્યો છે. લગભગ ત્રણ સાડાત્રણ કલાક શિવાજી પાર્ક પિરસરમાં વિવાદ ચાલી રહ્યો હતો. આખરે પોલીસે બંને તરફના કાર્યકર્તાઓને સમજાવીને સ્મૃતીસ્થળ પરિસર ખાલી કરાવ્યો હતો. હજી પણ અહીં પોલીસ એક્શન મોડમાં છે.
બાળાસાહેબઠાકરે સ્મૃતીસ્થળ પર થયેલ વિવાદ અને ઝગડા ને કારણે પોલીસ દ્વાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ આખો ઘટનાક્રમ તપાસીને ગુનો દાખલ કરશે તેવી જાણકારી સૂત્રોમાંથી મળી રહે છે. આખરે સ્મૃતીસ્થળ પર શું થયું તે માટે પોલીસ આસ-પાસના સીસીટીવી કેમેરા પણ ચેક કરશે.
બાળાસાહેબ ઠાકરે સ્મૃતીસ્થળ પર થયેલ ઝગડા અંગે પોલીસ કાર્યવાહી કરે એવી માંગણી શિંદે જૂથ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે કાર્યવાહીની બાંયધરી આપતાં શિંદે જૂથના કાર્યકર્તાઓ અને નેતાઓ સ્મૃતીસ્થળ પરથી પાછા ફર્યા હતાં. બીજી બાજુ શિંદે જૂથના નેતા અને કાર્યકર્તાઓનું અહી કોઇ કામ નથી અમારે સ્મૃતીદિવસના કાર્યક્રમની તૈયારી કરવાની છે એણ ઠાકરે જૂથના કાર્યકર્તાઓએ કહ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગુરુવારે 16મી નવેમ્બરના રોજ દાદરમાં હતાં. ત્યાર બાદ સાંજે સાત વાગ્યાની આસપાસ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, શિંદે જૂથના સ્થાનિક વિધાનસભ્ય સદા સરવણકર, શિંદે જૂથના પ્રવક્તા નરેશ મ્હસ્કે, શીતલ મ્હાત્રે વગેરે નેતાઓ સ્વ. બાળાસાહેબ ઠાકરેના સ્મૃતીસ્થળ પર દાખલ થયા હતાં. થોડી વારમાં ઠાકરે જૂથના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યો હતો તેવો આક્ષેપ શિંદે જૂથ દ્વારા કરવામાં આવ્યો છે.
શિંદે જૂથના પ્રવક્તા શિતલ મ્હાત્રેએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, ઠાકરે જૂથના કાર્યકર્તાઓએ મહિલા કાર્યકર્તાઓને ધક્કા માર્યા હતાં. ઠાકરે જૂથે સૂત્રોચ્ચાર કરી ધક્કા માર્યા હોવાનો આક્ષેપ શિતલ મ્હાત્રેએ કર્યો હતો.
શિંદે જૂથ દ્વારા કરવામાં આવેલ આક્ષેપોને ઠાકરે જૂથ દ્વારા ફગાવવામાં આવ્યા હતાં. ઝગડાની શરુઆત કોણે કરી, ખરાબ વર્તન કોણે કર્યું આ બધી ઘટના કેમેરામાં કેદ થઇ છે એમ ઠાકરે જૂથના નેતા એડ. અનિલ દેસાઇએ કહ્યું હતું. અમે કોઇ પણ પરિસ્થિતીમાં આ સ્થળની પવિત્રતા ભંગ કરવા માગતા નથી એમ પણ અનિલ દેસાઇએ કહ્યું હતું.