કોચિંગ સેન્ટરમાં સગીર વિદ્યાર્થિનીનો વિનયભંગ: શિક્ષકની ધરપકડ…

પાલઘર: પાલઘર જિલ્લામાં ખાનગી કોચિંગ સેન્ટરમાં 16 વર્ષની વિદ્યાર્થિનીનો વિનયભંગ કરવાના આરોપસર શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસમાં નોંધાવાયેલી ફરિયાદ અનુસાર નાલાસોપારા વિસ્તારના કોચિંગ સેન્ટરમાં રસાયણશાસ્ત્ર શીખવતા 42 વર્ષના આરોપીએ શનિવારે બપોરે વિદ્યાર્થિનીને એક્સ્ટ્રા ક્લાસ માટે બોલાવી હતી અને તેને કોચિંગ સેન્ટરમાંની ઓફિસમાં લઇ ગયો હતો, જ્યાં તેનો વિનયભંગ કરાયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
શિક્ષકે બીજે દિવસે ક્લાસ દરમિયાન વિદ્યાર્થિનીનો ફોટો લેવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેણે ના પાડી દીધી હતી.
નાલાસોપારા પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે વિદ્યાર્થિનીએ આની જાણ પરિવારજનોને કરી હતી.
આથી તેઓ કોચિંગ સેન્ટરમાં આવ્યા હતા અને આરોપીને પકડીને તેને પોલીસને હવાલે કર્યો હતો. વિદ્યાર્થિનીએ આરોપ કર્યો હતો કે આરોપીએ અગાઉ પણ તેની સાથે છૂટછાટ લેવાનો પ્રયાસ કર્યો હતો.
દરમિયાન આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)
આ પણ વાંચો…પાલઘરની શાળામાં બે વિદ્યાર્થી સાથે કુકર્મના કેસમાં વૉચમૅનની ધરપકડ